વ્હાલા આત્મીયજનો,
આજે માનવતાદિન છે. માનવે માનવતા પંથના પથિક, પ્રેરક અને સેવક બનવાનો દૃઢ સંકલ્પ કરવાનો પ્રેરણા દિવસ છે. મા ભગવતીએ પાંચમી સપ્ટેમ્બર ૧૯૭૬ની મધ્યરાત્રિએ સાકાર સ્વરૂપે પ્રગટ થઈ વાત્સલ્યની વર્ષા વરસાવી, આશીર્વાદ આપ્યા અને માનવ સેવાના કાર્યમાં જોડાઈ જવાનો આદેશ આપ્યો.
મારા જન્મથી જ મા ભગવતીએ આદરેલા માનવસેવાના કાર્યમાં સમર્પિત થવા માટે મને સર્વાંગી સક્ષમ બનાવ્યો. પયપાન દ્વારા અમૃત સિંચન કરી મારા આધ્યાત્મિક જીવનને, મારા સંસ્કારોને પુષ્ટ કર્યા. માતાજીએ નિજના સેવાયજ્ઞનું સાધન મને બનાવ્યો જે મારું અહોભાગ્ય છે. સેવાયજ્ઞની ક્ષિતિજો વિશ્વમાં વિસ્તારીને તેના જ્ઞાન, શક્તિ, અને ક્ષમતાથી મને પુષ્ટ કરવાનું કામ માતાજી જ કરી રહ્યાં છે. પ્રતિવર્ષ સપ્ટેમ્બર મહિનાના આ મોંઘેરા દિવસોમાં મારી દિવ્ય માના સાકાર સ્વરૂપના દર્શન અને મીઠા વાત્સલ્યને માણવાની તાલાવેલી મારા મનમાં વધી જાય છે. માતાજીના સ્મરણ સંસ્મરણોને વાગોળવાનું જ મને ગમે છે. નાના બાળકની જેમ મારું મન પ્રતીક્ષા કરવામાં વ્યાકુળ બની જાય છે, અધીરું થઈ જાય છે.
મા બાળકના દિવ્યમિલનની થોડી ક્ષણો મારા સમસ્ત અસ્તિત્વમાં તાજગીનો, પ્રસન્નતાનો, જ્ઞાનનો ભંડાર ભરી જાય છે. માતાજી મને રસ રંગ અને આનંદથી સભર કરી દે છે, માતાજીનો મમતાળુ, મીઠો, મૃદુ સ્પર્શ, પ્રેમાળ દૃષ્ટિ, મીઠી જ્ઞાનસભર ગોષ્ઠિ, મારા આંતરબાહ્ય અસ્તિત્વમાં નૂતન ચેતનાનો સંચાર કરી દે છે.
વ્હાલા આત્મીયજનો, મા ભગવતીના દર્શનના અધિકારી, ભાગ્યશાળી આપ પણ બનો તેવી મારી અંતરની ઈચ્છા છે. માતાજીના દિવ્ય મિલનની, દર્શનની દિવ્ય પળોનો અનુભવ કરવા માટે પ્રેમના પાવક પંથ પર તમારો પ્રવાસ અને પ્રયાસ ચાલુ જ રાખો. પ્રેમી તેના પ્રિયતમ પાસે પહોંચે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. માતાજીના કે આપણા ઈષ્ટદેવના સ્વરૂપના દર્શન થાય ત્યારે જ મન તૃપ્ત થાય છે. નહિંતર જીવનમાં કંઈક ઉણપ, અશાંતિ વર્તાયા કરે છે.
આપણા મનભાવન ઈષ્ટદેવના દર્શન આપણને બે રૂપમાં થઈ શકે, એક તો સાકાર સ્વરૂપ અને બીજું નિરાકાર સ્વરૂપ. સાકાર સ્વરૂપમાં આપણા ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન, શ્રી રામજી, માતાજી, ગણપતિજી વગેરેનું પ્રગટ રૂપમાં દર્શન થાય.
નિરાકાર રૂપમાં પરમાત્માનું જ્યોતિ સ્વરૂપ, પ્રકાશપુંજ, સુવાસ, મધુર અવાજ, ધ્વનિ, મધુર મૃદુ સ્પર્શના અગોચર દર્શન, અનુભૂતિ થાય. આપણા અંતરમાંથી આનંદની, પ્રસન્નતાની ભરતીના સ્પંદનો વર્તાયા કરે, મીઠા રોમાંચથી સમસ્ત અસ્તિત્વ પુલકિત થઈ જાય. પરમાત્માના સત્યમ્, શિવમ્, સુંદરમ્ સ્વરૂપની અનુભૂતિ વર્તાયા કરે. અંતરાત્માનો અવાજ અને અગોચર આદેશો, માર્ગદર્શન, સ્પષ્ટ સાંભળી શકાય. અગોચર રૂપે પ્રસાદી પ્રાપ્ત થાય. આકસ્મિક રીતે તમારા આયાસ કે પ્રયાસ વગર તમારી સમસ્યાઓ પ્રશ્નો ઉકેલાઈ જાય, અણધારી મદદ આવી મળે. આવી આવી પરમાત્માની કૃપા પ્રસાદી મળે, અનુભૂતિઓ અનુભવવા મળે તો સમજજો કે, તમે પરમના પ્રીતિપાત્ર બની રહ્યા છો. પરમાત્માના પરોક્ષ કે નિરાકાર સ્વરૂપના દર્શન થઈ રહ્યાં છે.
પવનના દર્શન નથી થતાં, સુવાસ પ્રત્યક્ષ દેખી શકાતી નથી, તેની અનુભૂતિ જ થાય છે. તેવી જ રીતે પરમાત્માની કૃપાનો અનુભવ થતો રહે છે.
તમારું આંતરબાહ્ય વ્યક્તિત્વ અને અસ્તિત્વમાં પરમનું પ્રથમ સ્થાન સ્થપાઈ જાય તો પરમાત્માના નિરાકાર અને સાકાર સ્વરૂપના દર્શન, અનુભૂતિ થવા લાગે જ. આપણી સત્સંગ કરવાની સાત્વિક મનોવૃત્તિ અને સદગુણોથી વિભૂષિત આપણું અસ્તિત્વ પરમાત્માને વધુ ગમે છે.
મંદિર, દેવસ્થાન કે યાત્રાના સ્થળોની મુલાકાત આપણામાં ક્ષણિક આનંદ, શાંતિ, અહોભાવ અને આહલાદકતાનો અનુભવ કરાવી શકે. સત્સંગ ઉપાસના માટે અભિરૂચિ જગાવી શકે પરંતુ આપણી નિયમિત ઉપાસના, જપ, ધ્યાન, ભક્તિ અને સત્સંગથી જ પરમાત્માની નિકટતા અનુભવી શકાય, અંતરાત્મામાં ડૂબકી મારવાની અને અંતરમાં જ આત્મારૂપે, ચૈતન્ય સ્વરૂપે વિરાજીત પરમાત્માને સાકાર કે નિરાકાર રૂપે પ્રગટ કરવાની પ્રેકટીસ કરવી જરૂરી છે. તમારા અંતરના પુકારનો પ્રતિસાદ તે જરૂર આપશે જ.
“NOTHING IS IMPOSSIBLE IN THIS WORLD” આ દુનિયામાં કશું જ અશક્ય નથી. એવા દૃઢ સંકલ્પ સાથે સદગુણોને વિકસાવો, અનિષ્ટ તત્વોને તમારા આંતરબાહ્ય વાતાવરણમાં પ્રવેશબંધી ફરમાવો. સત્ય અને સાત્વિક પ્રેમના પ્રદેશમાં જ વિહાર કરવાનું રાખો. મા ભગવતી આપના ઇષ્ટદેવના સ્વરૂપમાં આપને જરૂર દર્શન આપશે, સાથે રહેશે અને તેના અસ્તિત્વની પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભૂતિ કરાવશે જ.
મારા આપ સર્વેને આશીર્વાદ.