આત્મ શુધ્ધિનું અમોધ શસ્ત્ર – સેવા

વ્હાલા આત્મીયજનો,

આજે નિલોષાનો સેવાયજ્ઞ ત્રીસમાં વર્ષમાં પ્રવેશે છે. સેવાયજ્ઞની પવિત્ર ધૂમ્ર શેરોથી નિલોષાની તીર્થભૂમિ મહેંકી રહી છે, અને “ૐ મા ૐ” મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ આંદોલિત થઈ રહ્યું છે. નિલોષાના માનસિક સ્મરણ માત્રથી શ્રદ્ધાળુઓની સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે, સમસ્યાઓ સુલઝાઈ જાય છે અથવા શમી જાય છે.

સેવાવૃત્તિ મનમાં જાગવી, સેવાનો ભેખ ધારણ કરવો, સેવા માટે આપણી પસંદગી થવી, સેવા માટે નિમિત્ત બનવું તે પણ પરમાત્માની કૃપા, પ્રેરણા અને આશીર્વાદથી જ શક્ય બને છે.

પરોપકાર વૃત્તિ જાગે, પ્રેરણા મળે અને સેવાની એ તકને આપણે તન, મન, ધનથી નિઃસ્વાર્થભાવે ઝડપી લઈએ ત્યારે પરમની અસીમ કૃપા આપણા પર વરસી રહી છે તેમ સમજી પરમાત્માનો અંતઃકરણથી આભાર માનવો જોઈએ અને આપણી સેવા સ્વીકારનાર વ્યક્તિનો ઋણ સ્વીકાર કરવો જોઈએ.

સેવા-પરોપકાર વૃત્તિ એ આત્મશુદ્ધિ કરવાનું અમોધ શસ્ત્ર છે. સ્વાસ્થ, રાગ, દ્વેષ, મોહ, અહમ્ ભાવથી મનને મુક્ત રાખીને જ સેવાકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ.

આપણી વ્યક્તિગત આશાઓ, એષણાઓને ત્યજીને જરૂરિયાતવાળી કોઈપણ વ્યક્તિના હિતમાં આપણે આપણા સમય, શક્તિ અને સામર્થ્યને ઉપોયગમાં લઈએ ત્યારે જ તે કાર્ય પરોપકારનું-સેવાનું કહી શકાય.

“પરોપકાર જેવું એકે પુણ્ય નથી અને

પરપીડન જેવું એકેય પાપ નથી.”

આજકાલ સેવાના ક્ષેત્રમાં સેવાના અંચળા હેઠળ વ્યક્તિને માનનીય બનવાની, સન્માન અને પ્રતિષ્ઠા મેળવવાની, પોતાનો અને અંગત વ્યક્તિઓનો સ્વાર્થ સાધવાની મેલી, સ્વાર્થી મુરાદ હોય છે. આવા લોકો સાચા અર્થમાં સેવા કરી શકતા જ નથી. સેવા કરવાના ખોટા બહાનાં જ બનાવે છે, પોતાના સાથીદારોને, બીજાઓને પોતાનાથી નીચા આજ્ઞાપાલક અને પોતાના અંગત સેવક બની રહે તેવી મેલી મુરાદ મનમાં રાખે છે.

સાચા સંનિષ્ઠ સેવકો મોટાઈના મોહમાં ફસાતા નથી. ભલાઈ કર્યાનો, સેવા કર્યાનો કર્તા, પ્રેરણાદાતા સ્વયમ્ પરમાત્મા છે, પોતે તો માત્ર સાધન-નિમિત્ત માત્ર જ છે તેમ સમજે છે. આવા નિઃસ્વાર્થ ભાવે કરાતી સેવા પરમને પ્રિય છે અને ઉત્તમ પરિણામ આપે છે.

સંત, સદગુરૂ, સજ્જનોની સેવા કરનાર વ્યક્તિ નમ્ર, નિરાભિમાની અને સાત્વિક આચરણ કરનાર હોવો જોઈએ. સાચા અનુયાયી બનવા માટે સંત સદગુરૂના આદેશોને, આદર્શોને જીવનમાં અપનાવવા જોઈએ. મારા વ્હાલા બાળકો, સેવાના મર્મને, હાર્દને સમજીને પછી જ સેવાના ક્ષેત્રમાં પ્રવેશ કરશો તો આત્મશુદ્ધિનો માર્ગ સરળ બનશે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી