વ્હાલા આત્મીયજનો,
આજે માનવતા દિન છે. સાતમી સપ્ટેમ્બરના પાવન દિવસે મારી જીવનયાત્રા ૯૦માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. પાંચમી સપ્ટેમ્બર ૧૯૭૬થી મારી જીવનયાત્રાએ આધ્યાત્મિક વળાંક લીધો છે. માતાજીના આશીર્વાદથી સેવાના ક્ષેત્રમાં જીવન સમર્પિત થઈ ગયું છે. આધ્યાત્મિકતાના અને સેવાના બધા પ્રકલ્પો માતાજીની પ્રેરણા, માર્ગદર્શન પ્રત્યક્ષ અને પરોક્ષ સહકારથી, ભાવિકોના જીવનને ઉજ્જવળ બનાવી રહ્યા છે, નૂતન જીવન અર્પી રહ્યા છે.
છ સપ્ટેમ્બર ૧૯૭૬ના દિવસે મણીનગર બંસીધર બંગલે માનવતાના મહાયજ્ઞની જ્યોત માતાજીએ જલાવી છે. માનવતાના મહાયજ્ઞની આ પવિત્ર જ્યોતનો પ્રકાશ વિશ્વ માનવોના જીવનને પ્રેમ પ્રકાશથી પરિપલ્લવિત કરી રહ્યો છે.
રાજગીતાના અઢાર તત્વો માનવતાના મહાયજ્ઞની જ્યોતના ૧૮ તેજ કિરણો છે. હૃદયના દરવાજા ખુલ્લા રાખવાથી આ તેજ કિરણો માનવ જીવનમાં વ્યાપેલા વિવિધ તમસને હટાવશે, હરાવશે. રાજગીતાના અઢાર તત્વો જીવન યાત્રાને શિવ સામીપ્ય કરાવવા સક્ષમ છે.
૧. નવ સિદ્ધાંતો – ૯
૨. મન, વચન, કર્મની પવિત્રતા – ૩
૩. જીવન સાફલ્યની માસ્ટર કી – ૪
૪. સત્સંગ, ઉપાસના – ૨ અંતર શુદ્ધીના અમૃત બિંદુ.
માનવતાના મહાયજ્ઞની જ્યોત
૧. સમર્પણ અને સેવાના વિવિધ આયામોને વિકસાવે
દરેક ગાયત્રી પરમશક્તિના ઉપાસક, પ્યારા બાળક પોતાના ક્ષેત્રમાં પોતાના વર્તુળમાં આ પવિત્ર માનવતાની જ્યોતનું પ્રકાશ ફેલાવે, પ્રસરાવે અને વ્યક્તિત્વના તેમજ સમાજમાં વ્યાપેલા તમસને દૂર કરવા પ્રયત્ન કરે તેવી મારી પ્રાર્થના છે.
માનવતાના મહાયજ્ઞના મહારથી બનવા માટે આપ સર્વેએ સર્વાંગી સજ્જતાથી સજ્જ થવું પડશે. આપણા વ્યક્તિત્વને સદગુણોથી સજાવવું પડશે. માનવતાને મહેકાવવા માટે આચરણ જરૂરી છે. ધર્મ તો માનવતાનો મહાસાગર છે. તેમાં ડૂબકી મારનાર મરજીવો સાચો ધાર્મિક વૃત્તિ ધરાવનાર સજ્જન સંત બની શકે છે.
ધર્મ સંપ્રદાય નથી. ધર્મ તો એક ઉમદા જીવન શૈલી છે. નૈતિકતા, પવિત્રતા, પ્રેમ, શ્રધ્ધા, સેવા અને સમર્પણથી જ ધર્મનું તેજ પ્રકાશી રહે છે.
આપણે ધર્મના મર્મને સમજી અપનાવીને ધાર્મિક વ્યક્તિત્વ વિકસાવવા માટે આપણે કર્તવ્ય પાલન, પ્રેમ, કરૂણા, દયા, સમભાવ, સંવેદના જેવા સદગુણો અપનાવવા જોઈએ.
આપ સર્વે માનવતાના મહારથી બનો. સ્વ અને સમાજની નિ:સ્વાર્થ ભાવે સેવાના ક્ષેત્રને વિકસાવો તેવી મારી અભ્યર્થના અને આશીર્વાદ સહ