દિવાળીના દિવસો જીવનમાંથી તમસને – અજ્ઞાનના અંધકારોને વિદારવાના દિવસો છે. જ્ઞાન, શ્રદ્ધા, સાત્વિકતા અને સકારાત્મકતાના દીવા પ્રગટાવી સેવા, સમજ અને સદભાવનાના પ્રકાશને પ્રસરાવવાનો ઉત્સવ છે.
ધનતેરસનો ઉત્સવ એ લક્ષ્મીજીને નારાયણજી સાથે આપણા ઘર-પરિવારમાં સ્થાપિત કરવાનો મહિમા છે.
લક્ષ્મીજીના આશીર્વાદની અમીવર્ષા આપણા ઘર-પરિવારમાં સદાય થતી રહે તે માટે આપણે લક્ષ્મીજીને અનુકૂળ આવે તેવું સાત્વિક વાતાવરણ નિર્માણ કરવું પડે.
લક્ષ્મીજી સ્વયં કહે છે કે, ” હે દેવરાજ ઇન્દ્ર, બલિરાજાના રાજ્યમાં હું સ્થિર થઈ શકી નથી. મારા ચાર ચરણ સ્થિર રહી શકે તો જ હું સ્થિર-કાયમ નિવાસ કરી શકું.”
મારા ચાર ચરણ આ પ્રમાણે છે :-
1 માનવ હૃદયમાં સદાચાર, સદ્વ્યવહાર અને વિવેકથી સભર વાતાવરણ હોય.
2 પ્રમાણિકતાથી કમાયેલ ધનસંપત્તિ હોય.
3 આતિથ્ય સત્કાર થતો હોય.
4 સેવા, દાન, સત્સંગમાં સંપત્તિ વહેતી રહે.
લક્ષ્મીજી લોકશ્રી કહેવાય છે. જન હૃદયમાં બેસવા માટે સદાચારનું સિંહાસન જોઈએ. વ્યક્તિના સદાચારી માનસમાં જ લક્ષ્મી રહે છે.
પુરુષાર્થ અને પવિત્રતાથી કમાયેલું ધન જ લક્ષ્મી બની શકે. ધનના મલિક ન બનીએ, વહીવટકર્તા જ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.