શિવજીનું શરણ

વ્હાલા બાળકો,
        આજે શિવરાત્રી છે. સતયુગના સ્વામી સ્વયમ્ શિવ પરમાત્મા છે. શિવ જ્યોતિ સ્વરૂપ છે. પ્રાણી માત્રનો આત્મા પણ જ્યોતિસ્વરૂપ છે. એટલે દરેક પ્રાણી માત્રમાં શિવજીનો આત્મા સ્વરૂપે વાસ છે. શિવજીનો કોઈ આદિ કે અંત નથી. શિવજી સૃષ્ટિમાં સદાય વિલસી રહ્યાં છે. સૃષ્ટિમાં પંચ મહાભૂતો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશના અધિપતિ શિવજી છે, એટલે શિવજીને ભૂતનાથ કહેવાય છે.

આજે વિવિધ ઉપકરણોથી શિવજીની પૂજા, અર્ચના કરવામાં આવે છે. દૂધ, જળ, બિલ્વપત્ર, આંકડો, ચંદન વિગેરે સ્થૂળ વસ્તુઓથી પૂજન કરી, ઉપવાસ કરી મંત્રજાપ, રૂદ્રીપાઠ, શિવમહિમ્નસ્તોત્ર પાઠ વિગેરે કરી, આજનો દિવસ ઊજવાઈ જશે, પરંતુ સાથે સાથે શિવાલયના શિવજીને આપણા દેહાલયમાં પ્રગટ કરી, દેહને-શરીરને કલ્યાણમય બનાવી, પરમની સૃષ્ટિના કલ્યાણ કાર્યોમાં પ્રવૃત્ત કરી દઈએ તો જ શિવરાત્રીની ઊજવણી સાર્થક કરી શકાય.

આપણા જીવનના અને જગતના અંધશ્રદ્ધા અને અજ્ઞાનના અંધકારને મિટાવી જ્ઞાનની જ્યોતને પ્રગટાવવાની પ્રજ્જવલિત કરવાની પ્રત્યેક પ્રવૃત્તિ શિવજીની પૂજા સમાન બની રહેશે. આપણામાં દૈવી ગુણો હંમેશાં પ્રગટતાં રહે, વિકાસ થતો રહે તે માટે જીવનમાં હરપળે શિવરાત્રી ઊજવાવવી જોઈએ.

આપણે જો શિવમય બનીશું તો જીવનમાં દુષણો, દુર્વૃત્તિઓ, રાગદ્વેષ, લોભ, કામ, ક્રોધ, નિંદા, આત્મશ્લાધા, અહમ્ જેવો અંધકાર વ્યાપશે નહિં. “ૐ નમઃ શિવાય” ના નાદથી સમસ્ત અસ્તિત્વ ઝંકૃત થઈ જશે, ગૂંજી ઉઠશે.

આપણામાં રહેલા દૈવી ગુણો એ આપણી સાત્વિક શક્તિ છે. આ સાત્વિક શક્તિમાં શિવત્વના કલ્યાણકારી ગુણો ભળી જાય ત્યારે આપણામાં શિવ-શક્તિનો પ્રાદુર્ભાવ થાય. પછીતો આપણી જીવન નૈયા સંસારના – માયાના મહાસાગરમાં અટવાયા-અથડાયા વગર શિવ શરણમાં પહોંચી જશે.

આપ સર્વેના જીવનમાં સદાય શિવજીનું સાનિધ્ય સેવાતું રહે તેવા આશિર્વાદ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી