આધ્યાત્મિક પંથે પ્રયાણ કરવાનું છે

વ્હાલા આત્મીયજનો,

આજે માનવતાદિન છે. માતાજીના આદેશ અને માર્ગદર્શનથી પ્રારંભાયેલ સેવાયજ્ઞ તેત્રીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. રાજયોગીજીની જીવનયાત્રા સિત્યોતેરમા વર્ષમાં પ્રવેશી રહીં છે. મારી જીવનયાત્રાનું સુકાન મા ભગવતીના હાથમાં છે. મારા સમસ્ત અસ્તિત્વ અને વ્યકિતત્વનું નિયંત્રણ માતાજી કરી રહ્યાં છે.

માનવસેવાના ક્ષેત્રમાં વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય, જીવનના લક્ષ્ય તરફ પહોંચવાનો પુરૂષાર્થ કરે અને જીવનયાત્રા દરમ્યાન સંસારની અને પોતાના કાર્યક્ષેત્રની ફરજો બજાવતાં બજાવતાં સુખ, શાંતિ અને સંતોષનો અનુભવ કરી શકે તેવો પ્રયાસ હું સતત કરતો રહું છું. માનવજીવનમાં સૂતેલી, નિષ્ક્રિય ચેતનાને સંકોરવાનો, જગાવવાનો પ્રયતન હું કરી રહ્યો છું. સમયની જરૂરિયાત મુજબ સેવાયજ્ઞની ક્ષિતિજો વિસ્તરતી ગઈ છે. સેવાયજ્ઞ પ્રણાલીમાં  પરિવર્તનની આવશયકતા વર્તાઈ રહી છે.

વૈશ્વિક સેવાયજ્ઞની સાથે સાથે શ્રધ્ધાવાન, પુરુષાર્થી વ્યક્તિઓને વ્યક્તિગત સંસારની ફરજો બજાવતાં બજાવતાં વિશ્વેશ્વરની સાથે અનુસંધાન સાધવાનો સરળ માર્ગ બતાવી આધ્યાત્મિક પંથે પ્રયાણ કરાવવું છે.

શ્રધ્ધાવાન વ્યક્તિની વ્યક્તિગત સ્વસ્થતા, શક્તિ અને ક્ષમતા  અનુસાર ક્રમશઃ આધ્યાત્મિક સીડીના પગથિયાં ચઢવા પ્રેરિત કરવા છે. આશાવાદી, ઉત્સાહી અને દૃઢસંકલ્પ શક્તિ ધરાવતી વ્યક્તિનો આત્મિક વિકાસ કરવો છે, અવરોધોને વળોટાવવા છે. આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે સ્વનિર્ભર કરવા છે.

વ્હાલા બાળકો – પ્રિયજનો, પ્રારબ્ધ કર્મ અનુસાર આપણને જે કંઈ જીવન, સગાંસહોદર, વાતાવરણ મળ્યું હોય તેને પરમની પ્રસાદી સમજીને તેને સાર્થક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે વ્યક્તિગત રીતે જે તે ક્ષેત્રમાં જે કંઈ ફરજ બજાવવાની હોય તેને પૂરી નિષ્ઠાથી, પ્રેમથી, પરમની પૂજા સમજીને અદા કરવી જોઈએ. આસક્તિ અને અપેક્ષાને મનના પ્રદેશમાં નહિ પ્રવેશવા દઈએ તો મનમાં દુઃખ, ગ્લાનિ, હતાશા, નિરાશાનો સ્પર્શ થશે નહિં.

      જીવનની-સંસારની માયાનગરીમાં આપણે સતત સંઘર્ષ ખેલવાના જ હોય છે, મોહ, રાગ, દ્વેષ, આસક્તિ, અપેક્ષાના ઝેર આપણને ચઢે છે, પરંતુ નોળવેલ સમાન આપણી અંદર વિરાજીત પરમાત્માની દિવ્ય ચેતનાશક્તિનું સાનિધ્ય સેવીને, અંતર્મુખ થઈને પ્રાર્થના કરીએ. પરમની પ્રેરણાનું પિયુષ માયાના ઝેરને ઉતારી નાખશે. નોલિયાની જેમ નોળવેલરૂપી પરમાત્માની દિવ્ય સુવાસને મનમાં ભરી લઈએ, દિવ્ય પ્રેરણા શક્તિને શરીરના અણુએ અણુમાં પ્રવાહિત કરી દઈએ. સત્સંગ, સ્વાધ્યાય, નામસ્મરણ, નિયમિત ઉપાસના દ્વારા આપણી જીવન ચેતનાની બેટરીને ચાર્જ કરતા રહીએ, સંસારની સમસ્યાઓ તો સાગરની ભરતી જેવી ક્ષણિક છે. પરમનું શરણ જ સમસ્યાઓની “ભરતીને” “ઓટમાં” પરિવર્તિત કરી દેશે.

આપાણી આધ્યાત્મિક ઉન્નતિ માટે દૃઢ સંકલ્પ કરીને ડગ માંડીએ. અવરોધોના કાટાંઓ તો પગમાં વાગશે, શૂળ ભોંકાશે, પરમાત્મા આપણી શ્રધ્ધાની પરીક્ષા પણ કરશે સાથે સાથે પ્રેરણા પણ આપશે. આત્મવિશ્વાસથી આગળ વધીશું તો પરમાત્માનું ચુંબકીય ક્ષેત્ર આપણ ગતિ વધારી દેશે.

વ્હાલા આત્મીયજનો, મારા સુલઝાવને જીવનમાં અપનાવજો. જીવન વિકાસમાં સમસ્યાઓનો અંધકાર વ્યાપી જાય ત્યારે જરાપણ વિચલિત થયા વગર થોડા વખત એકાંતમાં બેસી જાવ, મૌન ધારણ કરો, પરમાત્માને માર્ગદર્શન માટે પ્રાર્થના કરો, સહન કરવાની શક્તિ મેળવો, શ્રધ્ધાપૂર્વક કરેલી પ્રાર્થનાનો પ્રત્યુત્તર પ્રેરણા સ્વરૂપે, ગેબી સહાય સ્વરૂપે મળી રહેશે જ.

મારા આપ સર્વે ને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી