આધ્યાત્મિક પંથના પ્રવાસીઓ,
મા ભગવતી, ગાયત્રી મા સદેહે પ્રગટ થઈને મને દર્શન આપે છે. કાર્યયજ્ઞ વિષે સલાહ સૂચન અને માર્ગદર્શન આપે છે. જીવનની હરપળે મારી સાર-સંભાળ રાખે છે. આ હકીકતથી ઘણાને આશ્ચર્ય થાય છે. ઘણા મને પૂછે છે કે, તમે શું સાધના કરો છો ? કેટલો સમય સાધનામાં વ્યતીત કરો છો ?
જુઓ ભાઈ, મારું જીવન એ જ એક સાધના છે. માતા-પિતાનો સંસ્કાર વારસો અને મારા જન્મોજન્મના સાત્ત્વિક પ્રારબ્ધકર્મોનો જ આ પરિપાક છે. આમ જોવા જઈએ તો મારુ સમગ્ર જીવન કર્મપ્રધાન છે. નિષ્કામ કર્મ એ જ મારા જીવનનું ધ્યેય છે, જીવનની મૂડી છે.
મારા મંતવ્ય અનુસાર માનવજીવન એક સાધના છે. દરેક વ્યક્તિ માટે નિર્મિત થયેલી કામગીરીને વ્યક્તિ પોતાની સાધના બનાવી શકે છે.
બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે માનવીને પરમની સૃષ્ટિ સર્જનનો મુગટ બનાવ્યો. બ્રહ્માએ માનવીને બધાં જ વરદાન આપીને આ સૃષ્ટિમાં મોકલ્યો. માણસને પરમાત્માના આ વરદાનની ખબર નથી. પરમાત્માએ આ વરદાન માનવીના મનમાં અને હાથમાં બીજ રૂપે મૂક્યાં છે. આપણે આ બીજરૂપી વરદાનનો પરિપા ક લેવા માટે મનમાં શુભ, સુંદર, સર્જનાત્મક સંકલ્પો કરવા જોઈએ અને હસ્ત થકી સંકલ્પોને પાર પાડવાનો પુરૂષાર્થ કરવું જોઈએ.
કર્મ એક દૈવી વરદાન છે. પરમાત્મા તરફથી મળેલા આ દૈવી વારસાનો ઉપયોગ સ્વના વિકાસ અને સમષ્ટિના શ્રેયાર્થે કરવાથી આ દૈવી વારસાનો વિસ્તાર વધારી શકાશે, અને જીવનનો વિકાસ કરી શકાશે.
આપણા જીવનમાં સરળતા, સહજતા, સમતાભાવ, પારદર્શકતા, સ્વાભાવિકતા જેવા સાત્ત્વિક ગુણો, લક્ષણોને ઉજાગર કરીએ ત્યારે જ આપણી જીવન સાધનામાં વિકાસ કરી શકાય.
સાધના એટલે ઉપાસના તો ખરી જ પરંતુ સાથે સાથે સતત ચૈતન્યશીલ જાગૃતિવાળી પ્રવૃત્તિ. આવી પ્રવૃત્તિથી જ આત્મચેતના પ્રગટાવી શકાય. આપણે જ્યારે આપણા ઐશ્વર્યને, આત્માને ઓળખીએ છીએ ત્યારે આપણી અંતરયાત્રા શરૂ થઈ જાય છે. અને પરમાત્મા સાથે અનુસંધાન સાધી શકાય છે. આત્માનો પરિચય જ આત્મવિકાસની પ્રથમ પગદંડી છે.
આપણા સાત્ત્વિક શુભ વિચારો અને સાત્ત્વિક કર્મ એ જોડિયા બાળકો જેવા છે. બંનેના સાયુજ્યથી જીવનને નંદનવન બનાવી શકાય છે.
હકારાત્મક વિચારની દીવાદાંડી પકડીને જીવનયાત્રાને આગળ ધપાવતાં જઈએ, કર્મનું સન્માન કરીએ. આપણે જેવા વિચાર રાખીશું તેવું કર્મ થશે, અને જેવું કર્મ થશે તેવું જીવન ઘડાશે. ઉત્રત, ઉર્ધ્વગામી
જીવન બનાવવા માટે વિચારો, ભાવનાઓ અને કર્તવ્યની ભૂમિકાને ઉજ્જવળ અને ઉન્નત બનાવવી જ પડશે.
દિવસની પ્રત્યેક ક્ષણને હું સાધનામાં વિતાવું છું. મનથી સ્મરણ અને હસ્તથી કર્મ એ જ મારા જીવનનો મુદ્રાલેખ છે.
નીચે દર્શાવેલા નિયમોથી જીવનપ્રવાહને આકાર આપીએ.
૧. શરીરને આપણા આત્માનું મંદિર માનીએ.
૨. અશુભ વિચારોથી મંદિરને કલુષિત ન કરીએ.
૩. શુભ, આશાવાદી અને હકારાત્મક વિચારોને જ મનમાં ઉદ્ભવવા દઈએ અને પુષ્ટ કરીએ.
૪. વિચારોને મનનું ભોજન સમજીએ.
૫. ચિંતાને મનમાં પ્રવેશ ન આપીએ. ચિંતા ઉદ્દભવે તો પરમાત્માનું ચિંતન કરીએ.
૬. ખૂબ જ પ્રેમ, સહજતા અને સરળતાથી જીવીએ.
મારા આપ સર્વેને આશીર્વાદ છે.