પરમના વ્હાલા પ્રેમીજનો,
ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે મારા આપ સર્વેને આશીર્વાદ છે. આપના આધ્યાત્મિક પંથની જીવનયાત્રામાં આપે મને આપના પથદર્શક, માર્ગદર્શક અને સદગુરૂપદે સ્થાપીને આપના હૃદયમાં ભાવભીનું સ્થાન તો આપ્યું છે પરંતુ મારો પ્રેમભાવ, મારી પ્રસન્નતા અને મારા આદર્શો અને અપેક્ષાઓને પણ આપે સમજવા અને અપનાવવા તો પડશે જ ને !
આપનું જીવન પ્રકાશના પંથે જ પ્રયાણ કરે, ઉર્ધ્વગામી બને, શારીરિક, બૌધિક અને ભૌતિક સંપત્તિના વિકાસની સાથે સાથે આપનો આધ્યાત્મિક વિકાસ થાય તેવી મારી ઈચ્છા છે, મારી ભાવના છે. આપનો વ્યક્તિગત સર્વાંગી વિકાસ થાય તો જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને સમષ્ટિનું શ્રેય સાધી શકાય. મારે આપને પરમના પ્રેમી બનાવવા છે. આપનો સહયોગ અને પુરૂષાર્થ ભળશે તો જ મારી ઈચ્છા પરિપૂર્ણ થશે.
ગભરાશો નહિં, તમે જે સ્થાને, જે કક્ષાએ અને જે પરિસ્થિતિમાં જીવન વહાવી રહ્યાં છો ત્યાંથી જ આપણે ક્ર્મશ: એક એક ડગ-કદમ મક્ક્મ રીતે પાડીને જ આગળ વધવાનું છે. જીવન અને જીવનના ધ્યેયને સમજવાનું છે, માનવ જીવનને સાર્થક કરવાનું છે.
જુઓ, હું પંડિત નથી કે પંડિતાઈ કરી શકું
નથી જ્ઞાન શાસ્ર, ઉપનિષદ કે વેદાંતનું
ન જાણું વ્યાખ્યાંતર તણી ભાષા
જાણું છું ફકત માત તણી ભાષા
પહેલાં આપણે સ્પષ્ટ સમજી લઈએ કે, પરમના પ્રીતિપાત્ર બનવા માટે, પરમની નિગાહમાં
રહેવા માટે, પરમની સૃષ્ટિના ચમકતા તારલા બનવા માટે આપણે શું કરવું જોઈએ ? તમને લાગશે કે, આ બહુ મોટી અને ગહન વાત છે પરંતુ ગભરાવવાની જરૂર નથી.
“પરમાત્મા મારી સાથે જ છે, હું એકલો – એકલી નથી.”
તેવો ભાવ કેળવવાથી અવરોધો અટકી જશે. આગળ વધી શકાશે, સાત્વિક પુરૂષાર્થ કરવાની પ્રેરણા મળી રહેશે. દ્રઢ મનોબળ, શક્તિ, સંયમ અને વિવેકથી વિકાસના પંથે પ્રયાણ કરવાનો પ્રારંભ કરીએ.
માનવ જીવન એટલે જ્ન્મથી મૃત્યુ પર્યંતની યાત્રાનો સમય. સમયના પ્રવાહમાં, શ્વાસના વીંઝણાની સાથે જીવન ગતિ કરે છે. સુખ, દુ:ખ, શાંતિ, અશાંતિ, પ્રસન્નતા, ગ્લાનિ જેવા વિવિધ દ્વંદ્વોની અનુભૂતિ જીવનકાળ દરમિયાન થતી રહે છે. સદાય આનંદ, પ્રસન્નતા અને સુખનો માહોલ સર્જાતો રહે, અનુભવાતો રહે તેવો પ્રયત્ન આપણે કરતા રહીએ છીએ.
જીવનની અમુક ક્રિયાઓ સ્વયમ્ સંચાલિત છે. અમુક ક્રિયાઓ પ્રકૃતિજન્ય છે. જેવીકે શ્વસનક્રિયા, પાચનક્રિયા, ઉત્સર્ગક્રિયા, ભૂખ લાગવી, પાણી પીવું વિગેરે પ્રકૃતિ સાથે વણાયેલાં છે. જીવનને ધબકતું, સરકતું રાખવા માટે સ્વયમ્ સંચાલિત ક્રિયાઓની આવશ્યકતા છે. જો સ્વયમ્ સંચાલિત ક્રિયાઓમાં અવરોધ આવે તો જીવનયાત્રા વસમી બની જાય છે.
પ્રાણીઓ, પશુઓ, પંખીઓ અને અન્ય જીવો પોતાના ખોરાક મેળવવા માટે હિંસા આચરે છે. જે ક્રિયા તેમની પ્રકૃતિજન્ય ક્રિયા છે. આવી પ્રકૃતિજન્ય ક્રિયાઓ શરીર અને ઈન્દ્રિયો દ્વારા જ થાય છે. તેમાં મન કે ઈચ્છા ભળતા નથી. દરકે વ્યક્તિ ક્રિયા તો કરે જ છે. જીવનના ધબકારની સાથે જ ક્રિયાઓ શરૂ થઈ જાય છે.
ક્રિયા કર્મ કયારે બને ?
જે ક્રિયાઓમાં શરીર અને ઈન્દ્રિયોની સાથે મન, બુધ્ધિ અને હૃદયનો ભાવ ભળે ત્યારે તે ક્રિયા કર્મ બની જાય છે. ભૂખ લાગે અને જમવું તે ક્રિયા છે. પરંતુ જરૂરિયાત કરતાં સ્વાદ લાગ્યો કે ગમતી વાનગી વધારે જમવી, ભોજનમાં આસક્તિનો, રાગનો ભાવ ભળ્યો એટલે જમવાની ક્રિયા કર્મ બની ગઈ. તરસ લાગે એટલે પાણી પીએ તે સહજ ક્રિયા છે પરુંતુ મોહવશ ઠંડાપીણા, આઈસ્ક્રીમ કે અન્ય પીણું પીવાથી તૃષાની સહજ ક્રિયા કર્મ બની જાય છે. આપણું કર્મ એ બીજ છે. દરેક બીજને ઊગવાની અને પાકવાની પ્રક્રિયા અને સમય જુદા જુદા હોય છે. બીજ પરિપક્વ થયા પછી જ ફળ આપે છે. આપણા જુદા જુદા કર્મોના પરિણામનો સમય પણ જુદો જુદો હોય છે. કોઈક કર્મ તાત્કાલિક પરિણામ આપે તો કોઈક કર્મ અમુક સમય પછી, વર્ષો પછી કે જન્મો પછી પાકે અને ફળ આપે છે.
કર્મ એટલે શું ?
કર્મ એટલે આપણી ફરજ આપણો ધર્મ, આપણે કોઈપણ ક્ષેત્રમાં હોઈએ, ગૃહસ્થી માંડીને વ્યવસાયના, વેપારના કે શિક્ષણના ક્ષેત્રમાં હોઈએ, રાષ્ટ્રની રક્ષા કાજે ફરજ નિભાવવાની – બજાવવાની હોય, આપણે આપણી ફરજ પૂરી નિષ્ઠાથી, સજાગતાથી, વિવેકપૂર્વક, જવાબદારી પૂર્વક અને પૂરા પુરૂષાર્થથી બજાવીએ ત્યારે તે કર્મનું પરિણામ કે ફળ સુખદાયી, લાભદાયી અને સંતોષકારક જ હોય છે.
અપેક્ષિત ફળ – પરિણામ માટે કર્મનું આયોજન
કોઈ પણ કર્મ શરૂ કરતાં પહેલાં તેનું આયોજન પ્લાનીંગ કરવું જરૂરી છે. આયોજન કરતી વખતે જ અપેક્ષિત પરિણામ નક્કી કરી લેવું જોઈએ. આપણી શારીરિક, બૌધિક, આર્થિક અને ભૌતિક ક્ષમતાને લક્ષમાં રાખીને જ કાર્યનું આયોજન કરવું જોઈએ અને તે પ્રમાણે પરિણામની અપેક્ષા રાખવી જોઈએ.
આયોજન પ્રમાણે કાર્યના આરંભથી પૂર્ણાહૂતિ સુધી પ્રમાણિકપણે સંપૂર્ણ શ્રધ્ધા અને પુરૂષાર્થથી, એકાગ્રચિત્તે કાર્ય કરવું જોઈએ. ફળની ચિંતામાં મનને વિભાજીત કરવું નહિં.
આત્મવિશ્વાસને કયારેય ડગવા દેવો નહિં. કર્મ કરતી વેળા એ પરિણામને નહીં, પરંતુ પરમાત્માને જ કેન્દ્રમાં રાખીને પુરી નિષ્ઠાથી કર્મ કરવાથી ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.
કાર્ય પૂર્ણ થઈ ગયા પછી પરમાત્માને અર્પણ કરી જે કંઈ પરિણામ આવે કે ફળ મળે તેને પરમની પ્રસાદી સમજીને પ્રસન્ન વદને તેનો સ્વીકાર કરી લ્યો. અપેક્ષા કરતા પરિણામ વધારે સારૂ કે ઓછું આવે તો માનસિક સમતુલા જાળવી રાખવી જોઇએ. પરમાત્માની મરજીને જ સર્વોપરી ગણીને પ્રસન્નતા જાળવી રાખવી જોઇએ.
વિધાર્થી હોય કે વેપારી દરેક વ્યક્તિએ પોતાના કર્મોનું પરિણામ ઉત્તમ કોટિનું જ આવે તેવી અપેક્ષા તો હોય છે જ. ફળની અપેક્ષા રાખવાનો અધિકાર કર્મ કરનાર વ્યક્તિને હોય એ જ સ્વાભાવિક છે. કર્મ કરતી વખતે દરેક તબક્કે આપણે આપણા કર્મનું, આયોજનનું મૂલ્યાંકન, ઈવેલ્યુએશન કરવું જોઈએ. કાર્ય અધુરું લાગે કે અટકી જવાય ત્યારે પરમાત્માની સાથે અનુસંધાન સાધી, પ્રાર્થના દ્વારા પ્રેરણા માર્ગદર્શન મેળવો.
“God is with me, He is guiding me. I am not alone”
આવો ભાવ મનમાં સતત રાખવાથી પરમાત્મા આપનો પડછાયો બની આપની રક્ષા કરશે, માર્ગદર્શન કરશે, સહાય કરશે.
કર્મમાં ત્રણ ઘટકોનો પ્રભાવ
આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે આપણા ત્રણ ઘટકો શરીર, હૃદય અને મસ્તક કાર્યાન્વિત થાય છે. આ ત્રણે ઘટકોની માત્રા દરેક વ્યક્તિમાં એક સરખી ન હોય.
શરીરના ઘટકની માત્રા પ્રબળ હોય તો વ્યક્તિ,
કર્મ પ્રધાન શ્રમજીવી બને.
હૃદયના ઘટકની માત્રા પ્રબળ હોય તો વ્યક્તિ
લાગણી પ્રધાન બને.
મસ્તકના ઘટકની માત્રા પ્રબળ હોય તો વ્યક્તિ,
બુધ્ધિ પ્રધાન બને.
કર્મ પ્રધાન વ્યક્તિ હંમેશા કર્મમાર્ગને જ પ્રાધાન્ય આપે.
લાગણી પ્રધાન વ્યક્તિ હંમેશા ભક્તિ માર્ગને અપનાવે.
બુધ્ધિ પ્રધાન વ્યક્તિ હંમેશા જ્ઞાન માર્ગને અપનાવે.
કોઈપણ વ્યક્તિમાં એક ઘટક પ્રબળ હોય તો પણ બીજા બે ઘટકોની જરૂર તો તેમાં પડે જ છે. બીજા બે ઘટકોના સાથ સહકાર વગર વ્યક્તિ કોઈપણ માર્ગમાં આગળ વધી શકે જ નહિં. વિકાસ સાધી શકે નહિં. આ ત્રણે ઘટકો હેન્ડ હાર્ટ અને હેડ વ્યક્તિમાં જન્મજાત હોય છે. આ ઘટકોને વિકસાવી શકાય પરંતુ જીવનકાળ દરમિયાન ઉપજાવી કે ઉત્પન્ન કરી શકાય નહિં.
શ્રમજીવી વ્યક્તિઓનો માર્ગ એ આમજનતાનો સહજ અને સરળ માર્ગ છે. કોઈપણ વ્યક્તિ માટે સહેલાઈથી અપનાવી શકાય તેવો માર્ગ છે. આપણે આ માર્ગ અપનાવીને કર્મયોગી બનવા પ્રયત્ન કરવાનો છે.
સાત્વિક કર્મ કોને કહેવાય ?
આપણે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ ભૂમિકામાં કામ કરતાં હોઈએ, ત્યારે આપણે આપણી ફરજને આપણો ધર્મ સમજીને પૂરી નિષ્ઠાથી, નૈતિક મૂલ્યોને લક્ષ્યમાં રાખીને પોતાના આત્મિક વિકાસ અને સમષ્ટિના કલ્યાણ માટે કામ કરીએ ત્યારે તે કર્મ સાત્વિક કર્મ કહેવાય. સ્વનો વિકાસ અને સમષ્ટિનું કલ્યાણ સાત્વિક કર્મના આધાર સ્થંભો છે.
અસાત્વિક કર્મ કોને કહેવાય ?
આપણા કામમાં સ્વાર્થનો ભાવ ભળે અને સમષ્ટિના કલ્યાણનો ભાવ ભૂલાઈ જાય ત્યારે તે કર્મ અસાત્વિક બને. રાગદ્વેષ, લોભ, લાલચ, ઈર્ષ્યા, નિંદા, હિંસા અને કપટના અશુધ્ધભાવથી ફરજ નિભાવવામાં આવે, કામચોરી, સમય ચોરી અને સાધન ચોરી કરીને કામ કરવામાં આવે, પોતાના જ લાભ માટે વ્યક્તિ કર્મ કરે તે કર્મ અસાત્વિક – પાપકર્મ બની જાય છે.
પોતાની પાસે શારીરિક, બૌધ્ધિક, આર્થિક અને અન્ય ભૌતિક સંપત્તિ, સુવિધા, સાધનો હોવા છતાં પણ વ્યક્તિ અહમ્, આળસ, પ્રમાદ કે અન્ય કારણોસર પોતાની શક્તિ, સંપત્તિ, બુધ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ સમષ્ટિના કલ્યાણ માટે ન કરે અને ફક્ત પોતાનો જ સ્વાર્થ સજાવ્યા કરે તો તેવું કર્મ પણ અસાત્વિક કર્મ બને છે.
કર્મ બંધનકર્તા કયારે બને ?
આસક્તિ સહિત ફળની લોલુપતા સાથે કરેલું કોઈપણ સાત્વિક કે અસાત્વિક કર્મ, કર્મ કરનાર વ્યક્તિ માટે બંધનકર્તા બને છે. કર્મથી નીપજેલું પરિણામ કે ફળ વ્યક્તિએ જાતે જ ભોગવવું પડે છે.
સાત્વિક કર્મનું ફળ સુખ સુવિધા, સંપત્તિ આપે અને અસાત્વિક કર્મનું ફળ દુ:ખ, અસુવિધા, દરિદ્રતા આપે.
કર્મફળ કે કર્મનું પરિણામ કેવી રીતે મળે અને ક્યારે ભોગવાય ?
કર્મ ત્રણ પ્રકારે ફળ આપે છે.
ક્રિયમાણ કર્મ :- જે કર્મ કરતાંની સાથે જ કર્મનું ફળ મળી જાય છે. દા.ત. – કામ કર્યું ને વેતન મળી ગયું. ઈન્ટરવ્યુ આપ્યો અને નોકરી મળી ગઈ. પરીક્ષામાં ચોરી કરી પકડાઈ ગયા અને પરીક્ષામાંથી કાઢી મૂકયા.
કર્મ કરતાની સાથે જ પરિણામ મળી જાય છે. ફળ અનુભવી શકાય છે.
સંચિત કર્મ :- કેટલાય કર્મોનું ફળ વર્તમાન જીવનકાળ દરમિયાન જ પરંતુ અમુક દિવસો, મહિનાઓ કે વર્ષો પછી મળે છે. દા.ત. માર્ચ મહિનામાં પરીક્ષા આપી અને વિધાર્થીને તેનું પરિણામ જૂન માસમાં મળે છે.
ખેડૂત ખેતરમાં અનાજ કે શાકભાજી, ફળ, ફૂલ વિગેરેનાં બીજ વાવે અને અમુક સમય પછી જ ક્ર્મશ: પરિપક્વ થયા પછી જ પાકે છે.
શ્રવણના માતાપિતાનો શ્રાપ, દશરથરાજાને રામજીના વનવાસ વેળાએ, તેમના જીવનકાળ દરમિયાન જ ભોગવવો પડ્યો હતો. રામજીના વિયોગમાં મૃત્યુ પામ્યા હતા.
આમ કર્મ કર્યા પછી તે કર્મ સંચિત થઈને રહે છે. ક્રમશ: તેમાં વિકાસ અને પરિવર્તન થયા પછી સમયાંતરે પરિણામ આપે છે.
પ્રારબ્ધ કર્મ – કેટલાંક કર્મોનું ફળ આ જીવનકાળ દરમિયાન પાકે નહીં, પરંતુ વર્તમાન જીવન સમાપ્ત થયા પછી એક કે અનેક જન્મો પર્યંત ક્ર્મશ: પાકતું જાય, પરિણામ મળતું જાય અને ભોગવાતું જાય. જન્મજન્માંતરથી સંચિત થયેલાં સાત્વિક અને અસાત્વિક કર્મો વ્યક્તિનું પ્રારબ્ધ નિર્માણ કરે છે. આ જન્મમાં અને વર્તમાન જીવનકાળ દરમિયાન આપણને કોઈપણ જાતના પુરૂષાર્થ વગર ધનસંપત્તિ, સગા સહોદર, શારીરિક સ્વાસ્થ્ય સંપત્તિ, બૌધ્ધિક અને આધ્યાત્મિક સંપત્તિ મળી છે. અને અનાયાસે મળતી રહે છે તે આપણા પ્રારબ્ધ કર્મનો જ પરિપાક છે. દા.ત. એક જ માતાપિતાના બાળકોનો ઉછેર, સંસ્કાર અને સગવડો એક સરખા હોવા છતાં જીવનકાળ દરમિયાન બાળકોના શારીરિક, બૌધ્ધિક, આર્થિક અને આત્મિક વિકાસ તેના પ્રારબ્ધ કર્મ અનુસાર જ થાય છે.
ભીષ્મપિતામહ્ ને બાણશૈયા પર સૂઈ રહીને પ્રાણ ત્યાગ કરવાનું દુ:ખ ભોગવવું પડ્યું હતું. અગાઉના તોત્તેર જન્મના કર્મનું ફળ આ જન્મે આ સમયે પરિપક્વ થતા બાણશૈયા પર સૂઈ રહી ને ભોગવવું પડ્યું હતું.
રાવણ અને વિભીષણ સગા ભાઈઓ હતાં છતાં એક રામનો શત્રુ અને બીજો રામ ભક્ત બન્યો. સાત્વિક કર્મ હોય કે અસાત્વિક કર્મ, કર્તાએ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. સાત્વિક કર્મ સુખી પ્રારબ્ધ અને અસાત્વિક કર્મ દુ:ખી પ્રારબ્ધ નિર્માણ કરે છે.
મનુષ્ય જન્મમાંજ આપણે પ્રારબ્ધ ભોગવીએ છીએ અને પ્રારબ્ધનું નિર્માણ પણ કરી શકીએ છીએ કારણકે મનુષ્યમાં બુધ્ધિનો વિકાસ થયેલો છે. તેથી સારા નરસાનો વિવેક જાળવી શકે છે. મનુષ્યેત્તર અન્ય પશુપંખી, પ્રાણીઓ, જીવ જંતુઓ તેમના જીવનકાળ દરમિયાન તેમનું પ્રારબ્ધ ભોગવે છે, વર્તમાન જીવનનું કર્મ તેમનું પ્રકૃતિજન્ય, સ્વભાવગત હોય છે. તેથી વર્તમાન જન્મનું કર્મ બંધનકર્તા નથી.
કર્મ બંધનમાંથી કેવી રીતે મુક્ત થવાય ?
કર્મબંધનમાંથી મુક્ત થવા માટે આપણા સાત્વિક કર્મમાંથી અહમ્, આસક્તિની બાદબાકી થઈ જાય ત્યારે જ આપણું કર્મ બંધનમુક્ત – યોગયુક્ત બની જાય. સ્વનો સબંધ કર્મમાંથી છૂટી જાય અને પરમાત્માની પ્રીતિ અર્થે જ કર્મ થાય. પરમાત્મા સાથે જોડાઈ જવાય. કર્તાભાવ ઓગળી જાય. પરમાત્મા માટે જ અને પરમાત્મા થકી જ કર્મ થાય છે. આપણે એક સાધન માત્ર છે. તેવો ભાવ કર્મબંધનમાંથી છૂટી શકાય. મુક્ત થઈ શકાય. મુક્ત રહી શકાય.
પરમાત્મા માટે જ કર્મ કરવાની ભાવના સમસ્ત અસ્તિત્વમાંથી જાગે અને તે ભાવના સાથે જ ફરજ નિભાવાય ત્યારે જ કર્મ યોગ બની જાય, યજ્ઞ બની જાય, કર્તા બની જાય. કર્તા ફક્ત સાધનમાત્ર, નિમિત્ત માત્ર જ બની રહે. આવો અનાસક્ત ભાવ કેળવાય ત્યારે જ કર્મ બંધનમાંથી છૂટી શકાય.
સાત્વિક કર્મ કરતી વખતે આપણે આટલી સતર્કતા સજાગતા કેળવીએ –
(૧) મારો અહમ્, સ્વાર્થ મારા કર્મોમાં ભળ્યો નથી
(૨) મારું સાત્વિક કર્મ કેવળ પરમાત્માની પ્રીતિ અર્થે અને સમષ્ટિના કલ્યાણ માટે જ થાય છે
(૩) મારું પ્રત્યેક કર્મ પરમાત્માની પૂજા અર્થે જ થાય છે
આવી ઉદાત્ત ભાવના સાથે બાળસહજ નિર્દોષતા, નિર્મળતા વ્યક્તિત્વમાંથી નિરખવી જોઈએ. પરમાત્મામાં જ પોતાના અસ્તિત્વને ઓગાળી નાખીને સર્વત્ર અને સર્વમાં પરમની ઉપસ્થિતિ અનુભવાય, પોતાના જીવનની સર્વ ક્રિયાઓ પરમાત્મા માટે જ કરાતી ક્રિયાઓ અનુભવાય, માલિકભાવ મટીને દાસભાવ, બાળભાવ ઉદભવે ત્યારે જ કર્મબંધનમાંથી છૂટી શકાય. કર્મયોગી બની શકાય.
ચાલો, આજથી જ અને અત્યારથી જ આપણે આપણા કર્મોને યોગ બનાવવાનો દ્રઢ સંકલ્પ કરીએ અને કર્મયોગી બનવાનો પુરૂષાર્થ કરીએ.
પરમાત્માની સૃષ્ટિના ચમકતા તારલા બનીએ.
(૧) પરમાત્માને પ્રિય હોય તેવું જ સ્વના ઉત્કર્ષનું અને સમષ્ટિના કલ્યાણનું જ કામ કરીશું
(૨) પરમાત્મા જ મારા માલિક, મારા પિતા, અને સર્વસ્વ છે. પરમાત્મા માટે જ અને પરમાત્મા થકી જ કર્મ થઈ રહ્યુ છે. ફરજ બજાવાઈ રહી છે, તેવો પરમની પૂજા કરવાનો ભાવ અને સતર્કતા મનમાં સતત જાગતી રાખીશું
(૩) આપણું પ્રત્યેક કામ, ફરજ ધર્મ પરમાત્માની પ્રીતિ અર્થે જ પરમની પૂજા સમજીને કરીએ
(૪) અનન્યભાવે, પૂરી નિષ્ઠાથી અને ઉત્સાહથી, પ્રસન્નતાથી કર્મ કરીએ
(૫) પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને, એકરસ બની જઈને, આપણા કર્મોને, તાજાં મધમધતાં સુવાસિત ફૂલ બનાવી દઈને પરમના ચરણમાં સમર્પિત કરીએ, ગળાનો હાર બનાવી દઈએ આપના જીવનનું પ્રત્યેક કર્મ સાત્વિક અને યોગમય બની જાય. આપ કર્મયોગી બની જાવ અને આપનું જીવન યજ્ઞમય બની જાય તેવા આશીર્વાદ.