ગુરુપૂર્ણિમાના પર્વે તારીખ ૧૨-૭-‘૯૫ ના રોજ પૂજ્ય રાજયોગી નરેન્દ્રજીએ પી. જી. મહેતા હોલમાં ઉપસ્થિત ભક્તોને સંબોધતા જણાવ્યું હતું:
આવ્યા બધાં ભેગા મળી મંદિર મહીં
[આ હોલને મેં મંદિર કહ્યો છે.]
સાથમાં પ્રેમપુષ્પો લાવિયાં
[અહીં તો પ્રેમપુષ્પોની જ જરૂર છે.]
ચરણે ધરી પ્રેમપુષ્પો કૃતાર્થ થાતાં
[તમે જે પ્રેમપુષ્પો ચરણે ધરો છો, એ ધરીને કૃતાર્થ થઈ જાઓ છો. પછી એ પ્રેમપુષ્પોને હું શું કરું છું?]
ચરણો તણાં પ્રેમપુષ્પો ધારણ કરુ હૃદયમંદિરમાં
[તમારા પ્રેમ પુષ્પોને હું મારા હૃદયમંદિરમાં મુકું છું.]
હૃદય મંદિર થકી વહાવું પ્રેમતણું ઝરણું જીવનજળરૂપે
[તમે જ પ્રેમનાં પુષ્પો મૂક્યાં, મારા હૃદયમાં સંગ્રહ્યા ને મારા હૃદયમાંથી ઝરણાં રૂપે, જીવનજળ રૂપે હું તમને પરત આપું છું.]
જેના થકી એક એક માનવી એક એક રાજયોગી.
પરમ તત્વના રસ્તે કેમ જવું તે હું તમને કહું છું :
ચીંધ્યો રાજમાર્ગ પરમ તત્વ તણો
[મેં તમને સીધો પરમ તત્વનો રાજમાર્ગ બતાવી દીધો છે. એ રાજમાર્ગ પર તમે ચાલ્યા જાવ.]
રસ્તો બનાવી, સંહાર કરો ષડરિપુ તણો
[મેં રાજમાર્ગ ચીંધ્યો, પણ એના પર તમે પોતાનો રસ્તો બનાવો. જેમ સિમેન્ટ કોન્ક્રીટને ઠોકીને ફીટ કરે છે એ રીતે રસ્તો બનાવી ષડરિપુનો સંહાર કરી એ સિમેન્ટ કોંક્રીટને ઠોકી રસ્તા પર ચાલ્યા જાવ.]
સિંચન કરો, મન, વચન, કર્મની પવિત્રતાતણું નીર.
[પરમ તત્વના રસ્તે જવા માટે મન, વચન, કર્મની પવિત્રતા તણા નીરનું સિંચન કરો.]
આચરણ કરો રાજયોગી તણા નવ સિદ્ધાંતો
[તો પછી શું થશે?]
રાજમાર્ગ પર દોડયા જાશો, પરમ તત્વ તણા આવાસમાં,
[એના ઘર સુધી પહોંચી જશો]
સ્થાન મળશે, માન મળશે, પરમ તત્વને પામી જશો.
[તમે આટલું કરો. બહુ થઈ ગયું. બધું જ પામી જશો. બધું મળી જશે તમને.]
હવે આપણી આર્ય સંસ્કૃતિ વિશે વાત કરું :
આપણી આર્ય સંસ્કૃતિનો વિકાસ વિજ્ઞાનના સિદ્ધાંત પર રચાયો છે અને તેનું હાર્દ આધ્યાત્મિકતા છે. જ્ઞાન, વિજ્ઞાન અને ધર્મ પર જ આપણી સંસ્કૃતિનું બંધારણ છે. ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ છે. સાંપ્રત સમયમાં આપણે સુવ્યવસ્થિત અને સંસ્કારયુક્ત કુટુંબ અને સમાજ જોઈતો હોય તો આપણે આપણી આર્ય સંસ્કૃતિના પ્રણેતા ઋષિમુનિઓના ગૃહસ્થાશ્રમ તરફ દ્રષ્ટિપાત કરવો જ પડશે.
કુટુંબના સભ્યો એકબીજા પ્રત્યે માન, આદર અને પ્રેમનું વાતાવરણ જન્માવે, આત્મીયતા કેળવે, ભૂલી જવું અને માફ કરવું (Forget and Forgive) ની ભાવના કેળવે તો જ વર્તમાન અને ભાવિ પેઢીમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ જન્મી શકશે. આપણે આપણા કુટુંબથી જ શરૂઆત કરીએ. લંડન-અમેરિકામાં થઈ છે. અહીં હું આજે જાહેર કરું છું.
પત્ની પોતાના પતિ પ્રત્યે માન, આદર અને પૂજ્યની ભાવના કેળવે, પતિને પરમેશ્વર સમજી તેની ચરણવંદના કરે. આ પ્રમાણેની પ્રથા ચાલુ રાખવાથી ઘરમાં સંપ અને સુલેહનું વાતાવરણ પ્રસરશે. ચરણવંદના પામનાર વડીલને માન-આદરની લાગણી પામવા માટેની પાત્રતા કેળવવાની ફરજ પડશે. તમને કોઈ પગે લાગે તો તમારે પણ તમારી પાત્રતા કેળવવી પડે કે મારે આ પાત્રતા કેળવવાની છે. માણસ જાતે જ સુધરશે. તેમ જ કુટુંબના સભ્યોને પ્રેમ, રક્ષણ અને પોષણ આપવાને લાયક બનવું પડશે. આવા સુખ, શાંતિ અને આનંદના વાતાવરણમાં જ કુટુંબ જીવનની ઘણી સમસ્યાઓ આપમેળે જ ઉકલી જશે. લંડન-અમેરિકામાં એવું કર્યું છે કે પતિ પત્ની સવારે ઊઠે ત્યારે પત્ની પહેલા પતિને પગે લાગે, બાળકોના દેખતા જ પગે લાગે. જેથી બાળકો તેના મા- બાપને પગે લાગે. પતિએ પણ તેની ફરજ નિભાવવા એને લાયક બનવા તૈયાર રહેવું પડે. બાળકોએ વડીલોને પગે લાગવાનું શરૂ કરી દેવું જોઈએ.
દરેક ઘરમાં પોતાના ઇષ્ટ દેવ-પરમતત્વનો વાસ છે તેવી શ્રદ્ધા અને ભાવના કેળવવી. કુટુંબના જ એક વડીલ સભ્ય પરોક્ષ-અગોચર હોવા છતાં પ્રત્યક્ષ-ગોચરમાં છે તેમ માની, આપણા ઘરમાં અને કુટુંબમાં આપણી શક્તિ મર્યાદા પ્રમાણે સ્થાન આપવું. દરેક ઘરમાં પૂજા સ્થાન હોવું જ જોઈએ. પરમતત્વ હાજર છે એ રીતે વર્તન કરવું. કુટુંબના દરેક સભ્યોએ દરરોજ દિવસમાં એક વખત રાતે સૂતા પહેલા સાથે બેસી ૧૦-૧૫ મિનિટ સત્સંગ કરવો જોઈએ. મંત્રજપ, ધૂન, ભજન, આધ્યાત્મિક વાચન વગેરે કરવું જોઈએ. પરમતત્વની પરોક્ષ હાજરીમાં તમને પ્રત્યક્ષતાનો અનુભવ અવશ્ય થશે જ. જો દરરોજ આમ કરશો તો બાળકોનું પણ ભાવિ ઘડાશે.
દરેક સંપ્રદાયમાં વ્રતનો મહિમા હોય છે. મન અને ઇન્દ્રિયોનો વિગ્રહ અને ઇષ્ટની ભાવપૂર્વકની ઉપાસના એ કોઈ પણ વ્રતની આધારશીલા છે. આજે હું આપ સર્વને એક નવું જ વ્રત કરવાનું સૂચવું છું. એ વ્રત છે માનવતા વ્રત.
આ વ્રતનો મહિમા મનુષ્યના હૃદયમંદિરને સ્વચ્છ કરવાનો, માનસિક શાંતિ અને આત્મસંતોષ મેળવવાનો છે.
વ્રતની પદ્ધતિ
આ વ્રત મહિનામાં બે વખત બીજા અને ચોથા રવિવારે કરવાનું, જેથી બધા જ ઘરમાં હોય.
૧. સ્નાન-શૌચાદીથી પરવારી અડધો કલાક પરમ શક્તિ મંત્ર “ૐ મા ૐ” ના જપ કરવા.
૨. શુદ્ધ સાત્વિક ઘરનો જ બનાવેલો ખોરાક એક વખત જમવો.
૩. મનમાં દ્રઢ સંકલ્પ કરવો કે આજે મારા વાણી, વર્તન અને વ્યવહારથી કોઈને પણ દુઃખ ન પહોંચે. આ વ્રત માનવતાનું વ્રત.
૪. આખા દિવસ દરમ્યાન આપણાથી શક્ય હોય તે રીતે તન, મન અને ધનના ત્રિવેણીસંગમ વડે અન્યને મદદરૂપ થવાય તેવું આયોજન કરી અમલ કરવો. પોતાની પરિસ્થિતિ મુજબ કરવાનું. દા.ત. નિઃસહાયને સહાય કરવી, નિરક્ષરને અક્ષરજ્ઞાન આપીને, બિછાને પડેલ બિમાર દર્દીને દવા લાવી આપવી, શુશ્રુષા કરવી, જમાડવી વગેરે.
૫. માનવતા વ્રતનું પાલન કરવા માટે નીચે દર્શાવેલ સંયમ કેળવવાની જરૂર છે :
મનનો સંયમ : મારાથી કોઈનો ખરાબ વિચાર ન આવી જાય- કોઈનું ખરાબ ન ઇચ્છું.
વાણીનો સંયમ : મારાથી કોઈનું ખોટું ન બોલાય. કોઈનો તિરસ્કાર ન થાય. કોઈ સાથે ઝઘડો ન થાય.
નયનોનો સંયમ : નયનો એવા છે કે ઘણી વખત માણસ કોઈને જુએને એને ઉન્માદ આવી જાય છે, કોઈને જુએ તો ખુશ થાય, કોઈને જુએ તો નાખુશ થાય. એટલે સંયમ રાખવો પડે. દરેક વ્યક્તિને પ્રેમથી જોવી. ભલે ગમે તે વ્યક્તિ હોય. આપણી પાસે આવે એટલે એને પ્રેમથી રાખવી, પ્રેમથી જોવી. સ્વાગત કરવું.
કર્ણનો સંયમ : જે મારે સાંભળવાનું છે તે સારી વસ્તુ જ સાંભળું છું. ખોટી વસ્તુ નહીં. જે સારું છે તેટલું જ ગ્રહણ કરે ને ખોટું છે તે ગ્રહણ ન કરે.
૬. રાતે સૂતા પહેલા પરમ શક્તિ મંત્રના જપ ૧૦ મિનિટ કરી આખા દિવસના કાર્યનું સરવૈયું કાઢી જોજો. ખૂબ જ શાંતિ અને સંતોષનો અનુભવ થશે. સંતોષનો અનુભવ થશે.
મને જે માનતા હોય, મારામાં વિશ્વાસ ધરાવતા હોય તેઓએ આ વ્રત કરવું જરૂરી છે.
આ માનવતા વ્રતનું ચુસ્તપણે નિયમિત પાલન કરશો તો કુટુંબ અને સમાજમાં તમે સૌના પ્રીતિપાત્ર બની શકશો. આ વ્રત કરશો તો જીવનમાં ઘણી શાંતિ મળશે.
જીવનજળ બંધ
તા. ૧૦-૭-‘૯૫ ને સોમવારે રાતે સ્વપ્નમાં માતાજી પધાર્યા અને મને જણાવ્યું કે તા. ૨૫-૯-’૯૫ થી જીવનજળ આપવાનું બંધ કરવાનું ને વધુ માહિતી રૂબરૂમાં આપીશ ! આટલું કહીને માતાજી ચાલ્યા ગયા.
હવે તા ૨૫-૯-‘૯૫ સોમવારથી જીવનજળ આપવાનું બંધ કરવાનું, પણ પછી શું વિકલ્પ ? વિકલ્પ તો માતાજી જ આપી શકે. વિદ્યાર્થી હોશિયાર થાય એટલે તેની વધુ ભારે કસોટી થાય એવું લેસન વર્ગના ગુરુ આપે. હવે મારા ગુરુજી રૂબરૂમાં શું કહે છે, શું આદેશ આપે છે તેની પ્રતીક્ષા કરવાની રહી.
હતો અમૃતકુંભ જીવનજળ રૂપી, પરત ચાલ્યો અસલી સ્થાને.
મહોર મારી ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૫ સુધીની,
સેઇફ ડીપોઝીટ વોલ્ટ તણી થાપણ મૂળ માલિક પરત લઈ ગયાં.
બે દાયકાનો મહાવરો જીવનજળ તણો, એ મહાવરો સ્વપ્નમય બની જશે.
જેમ પંખી માળામાંથી ઉડી, અવકાશને આંબી જતું,
તેમ જીવનજળ મુજ હસ્તમાંથી ઊડી જાશે,
નજર સમક્ષથી હટી જાશે, જીવનજળ તણી બોટલો.
આ નાજુક અંગુલીઓને, વનવાસ જીવનજળ તણો.
જીવનજળ તણી બોટલોનું ને હસ્તનું, મિલન વિસરી જવાનું.
હૃદય તલપતું તલપતું રહેશે.
આદેશ સેનાપતિનો, સૈનિક બિચારો શું કરે ?
રૂબરૂ મુલાકાત સેનાપતિ તણી, પ્રાપ્ત થાશે સર્ટિફાઇડ ગેઝેટ.
જેમણે નવો મંત્ર લેવાનો છે તેમને માટે મારું એવું મંતવ્ય છે કે પરમ શક્તિ મંત્રનો જપ બે વર્ષ સુધી તમે પોતે કરો ને આચરણમાં મૂકો ને પછી દીક્ષા લો. પછી ગુરુ મંત્ર લેવા તમે આવજો. મારા આપ સર્વર્ને આશીર્વાદ છે.