વ્હાલા શ્રધ્ધાળુ આત્મીયજનો,
શ્રધ્ધા ધામમાં માતાજીએ એના બાળકો સાથે નિવાસ કર્યે આજે ૨૯ વર્ષ પૂર્ણ થયા અને ત્રીસમાં વર્ષમાં પદાર્પણ કર્યું. નવમી ડિસેમ્બરને ઉપાસના દિન તરીકે ઉજવવામાં આવે છે.
શ્રધ્ધા ધામનું ઐશ્વર્ય, શ્રધ્ધા, ભક્તિ, શક્તિ, સાત્વિક સ્પંદનો ભાવિકોમાં નૂતન ચેતનાનો સંચાર કરતા રહે છે. ભાવિકની શ્રધ્ધા, ક્ષમતા, તપની તીવ્રતા અનુસાર તેની ચેતના સ્પંદિત થયા કરે છે. તેના આશા, અરમાનોને ગતિ મળતી રહે છે.
પરમના શરણમાં, સ્મરણમાં વ્યક્તિ પોતાના ચિત્તનો લય કરે છે ત્યારે જ નૈસર્ગિક સુખનો આનંદ મેળવી શકે છે. શ્રધ્ધાનો સત્સંગ, સાત્વિક વાતાવરણ, માતાજીની સૂક્ષ્મ હાજરીની અનુભૂતિથી આપણા આત્માનું કાંચન, તેનો પ્રકાશ બહાર આવે છે. ચંદન ઘસાતું જાય ત્યારે જ તેની સુવાસ પ્રગટે છે, પ્રસરે છે. સત્સંગમાં, સંતના સાનિધ્યમાં લીન થઈએ છીએ ત્યારે આપણા વ્યક્તિગત અને વ્યવહારિક જીવનમાં નવી સુવાસ પ્રગટે છે. એકવાર સત્સંગનો રસ જાગે પછી (મેગનેટ) લોહચુંબકની જેમ શ્રધ્ધાની સંધ્યાનો ઘંટારવ મનમાં અને સમસ્ત અસ્તિત્વમાં ગુંજી ઊઠે છે અને સમગ્ર અસ્તિત્વ સ્થૂળ કે સૂક્ષ્મ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શ્રધ્ધા ધામમાં જોડાઈ જાય છે. જગતના ભૌતિક સુખો, સાધનો પાછળ આપણી આત્મિક સંપત્તિ વેડફાઈ ન જાય તેની સતત જાગૃતિ રાખી આત્માના કલ્યાણ માટે, સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવા માટે પરમના શરણ, સાનિધ્યનો નિયમ કરવો જ જોઈએ, આદત પાડવી જ જોઈએ.
સાચો, શાશ્વત, સાત્વિક આનંદ આપનાર તત્વ તો આપણા અંતરમાં જ રહેલું છે. આ આત્મતત્વને સમજવા, અનુભવવા માટે ઉપાસનાના તપથી મનને તપાવવું પડે.
માનવજીવનમાં સંપત્તિ અને વિપત્તિ, સુખ અને દુઃખ, દિવસ અને રાત્રીના દ્વંદોનું સરખું જ સ્થાન છે. વિપત્તિથી, દુઃખથી આપણામાં પુખ્તતા આવે છે, સહનશીલતા કેળવાય છે. આંબાની કેરી સુરજના તાપથી તપે પછી જ તેમાં પરિપક્વતા અને મીઠાશ આવે છે. દરેક પરિસ્થિતિમાં માનસિક ક્ષમતા કેળવવાની જરૂર છે.
ઘટાટોપ વૃક્ષ તાપમાં તપીને શીતળતા આપે છે અને લીલુંછમ રહે છે. કારણ કે વૃક્ષના મૂળિયાને ધરતીની શીતળતા મળ્યા કરે છે. માનવજીવનમાં પણ મનમાં, હૃદયમાં ભક્તિની શીતળતા બની રહે તો સંસારનો તાપ સહન કરવા છતાંય સુખ, શાંતિ, આનંદ અને પ્રેમની શીતળતા બની રહે છે.
જો આપણે કુટુંબ, સમાજ અને વિશ્વમાં શાંતિ પ્રસરાવવી હોય તો શરૂઆત ઘર આંગણેથી, આપણા જીવનમાં શાંતિનું, સહૃદયતાનું સામ્રાજ્ય સ્થાપવું પડે.
આપણે આપણા જીવનની મહત્તા સમજવી જોઈએ. જીવન દર્શન કરવાનું છે. આત્માના ઐશ્વર્યસમા સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા જ સાચી સંપત્તિ છે. જે તત્વો જીવનમાં સાચી શાંતિ આપી જીવનને શુદ્ધ બનાવી શકે છે.
કોઈપણ વ્યક્તિ પોતાના પુરૂષાર્થથી જ મહાન, સજ્જન, સંત બની શકે છે. અંતરનું ઓજસ વધારવા માટે, પ્રગટાવવા માટે ઉપાસનાના વિવિધ આયામો જેવા કે નામસ્મરણ, મંત્રજાપ, ધ્યાન, પ્રાર્થના, સ્વાધ્યાય, સત્સંગનો પ્રવાહ અવિરત રીતે મનમાં વહેતો રાખવો જોઈએ. મારા આપ સૌને આશીર્વાદ છે.