વ્હાલા આત્મીયજનો,
આજે ગુરુપૂર્ણિમા છે. માતાજી ના આદેશ થી જીવન યાત્રા ને ધર્મમય, કર્મમય જ્ઞાનમય બનાવવા ઇચ્છતા ભાવિકોને યોગ્ય આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું સેવાકાર્ય સ્વીકાર કર્યા ને આજે સુડતાલીસ વર્ષ પૂર્ણ થયા છે.
જીવન યાત્રાના વિવિધ આયામોને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે યોગ્ય, હિતેચ્છુ – માર્ગદર્શક હોય તો જીવન મા ઉપસ્થિત થતા વમળો, કંટકોને સહજતાથી સુલઝાવી શકાય, નિવારી શકાય અને જીવનના લક્ષ્ય ને આંબી શકાય.
સદગુરુ નો સમાગમ, સત્સંગ, માતાપિતા ના સંસ્કારો અને શાસ્ત્રો નું જ્ઞાન – સમજ, આપણા જીવનમા દિવાદાડી સમ બની રહે છે. જો આ દિવ્ય જ્ઞાન ને જીવનમા અપનાવાય, આત્મસાત કરી શકાય તો જ.
સદગુરુ તરીકે મારી અંતર ની ઈચ્છા છે, અભિલાષા છે કે મારા પ્યારા બાળકો, આત્મીયજનો ધર્મ ના મર્મ ને સમજીને – આચરણ મા મૂકીને – જીવનયાત્રાને સુખમય, જ્ઞાનમય, મંગલમય બનાવે.
ધર્મમય જીવન જ આપણનેઆધ્યાત્મિકતા ના રાજમાર્ગ પર પદાર્પણ કરાવી શકે.
પહેલા તો આપણે ધર્મ ના મર્મ ને સમજીએ.
પરમાત્મા ના સર્વવ્યાપી નિયમથી જડ ચેતન સૃષ્ટિનું સંચાલન થાય છે એટલે બધી જ ક્રિયાઓ નિયમ મા, સ્વયમ સંચાલિત શિસ્તમાં સમયબધ્ધ રીતે થયા કરે છે.
નિયમો નું ચુસ્ત પણે પાલન કરવું, તેનું નામ ધર્મ – ફરજ. ધર્મ ના આચરણથી જ પરમાત્માની દિવ્યતાનો, ઐશ્વર્યનો અનુભવ થાય છે. આપણા મા દિવ્યતા પ્રગટે છે અને પ્રસરે છે.
આત્મા ની અનુભૂતિ થાય , નવ સિધ્ધાંતો નું આચરણ, સદાચાર, શિસ્ત, સંયમ, સાત્વિકતા, સકારાત્મકતા, પવિત્રતા જેવા ગુણો – ધર્મના પાયારૂપ મૂળ છે.
માનવજીવન – સમાજજીવન ના વિકાસનો આધાર સ્તંભ ધર્મ છે. આપણા વાણી, વર્તન વ્યવહાર મા વિવેક, શિસ્ત, સંયમ ધર્મ ના આભૂષણો છે. આપ સર્વે નું જીવન ધર્મમય બને, આધ્યાત્મિકતાના રાજમાર્ગ પર વિકાસ કરે, પરમ ના પ્યારા બાળક બની માનવતા ને મહેકાવતા રહો. જીવન મા ધન્યતા અનુભવો તેવા મારા આશિરવાદ છે.