રાજ ગુરૂતત્વ એક ઘૂઘવતો સાગર છે

વ્હાલા આત્મીયજનો,

ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરૂપ્રેમગંગાના પ્રવાહમાં સ્નાન કરવા માટે, પવિત્ર થવા માટે, મનના મેલને મીટાવવા માટે આપ સર્વેને આમંત્રુ છું.

માતાજીના આદેશ અને પ્રેરણાથી આયોજાયેલ મારી આધ્યાત્મિક જીવનયાત્રાનું ગુરૂતત્વ આજે આડત્રીસ વર્ષ પૂર્ણ કરી ઓગણચાલીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે.

મહાભારતના રણસંગ્રામ વેળાએ શ્રીકૃષ્ણજી પાંડવોના સહાયક, માર્ગદર્શક બન્યા અને યુધ્ધમાં અર્જુનના રથના સારથી બન્યા. વિષાદયુક્ત અર્જુનના મોહને, ગ્લાનિને દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણજીએ ગીતાજ્ઞાન દોહરાવ્યું, જીવનની વાસ્તવિકતા સમજાવી અને કર્મમાર્ગમાં પ્રવૃત્ત કર્યો. જીવનનો મર્મ અર્જુનજી સમજ્યા અને વિજયશ્રીને વર્યા.

મારા વ્હાલા બાળકો, આપ સર્વેપણ અર્જુનના પાત્રમાં જ છો. જીવનની અને સંસારની સમસ્યાઓથી ઘેરાયેલા છો. આપના સદગુરૂજીને આપના જીવનરથના સારથી બનાવીને સમસ્યાઓને સુલઝાવવી છે. જીવનના હાર્દને સમજવું છે. પરમના પ્યારા બાળ બનવું છે, વળી જીવન છે ત્યાં સુધી જીવનયાત્રાને માણવી છે, સદગુણો અને સાત્વિકતાથી સભર કરવી છે.

અઢાર દિવસના મહાભારતના યુદ્ધ પછી પાંડવોને વિજયશ્રી અપાવી શ્રીકૃષ્ણજી નિજધામ દ્વારિકા પધારી ગયા અને પોતાના રાજકાર્યમાં પ્રવૃત્ત થયા. શ્રીકૃષ્ણજીએ ગીતાજીનો અમરગ્રંથ માનવ સમાજને આપ્યો.

છ સપ્ટેમ્બર ૧૯૭૬થી મા ભગવતી મારા સમર્થ સદગુરૂદેવના માર્ગદર્શન અને પ્રેરણાથી સંસારના સમરાંગણમાં, વિષાદના વમળમાં જીવનની ઝંઝાવાતોમાં ફસાયેલા, રોગ શોકથી રીબાતા, પ્રાકૃતિક, અપ્રાકૃતિક ઉલઝનોથી ઘેરાયેલા માનવીઓની સમસ્યાઓ સુલઝાવવાની, ઝંઝાવાતોનું શમન કરવા આધ્યાત્મિક માર્ગદર્શન, શક્તિપ્રદાન સારવાર, દિવ્ય રસાયણો આપું છું. જીવનજળ શ્રધ્ધાળુઓના જીવનમાં અમૃત સંજીવનીનું કામ કરે છે.

નવસૂત્રોનું આચરણ, નિ:સ્વાર્થ સેવા અને પરમની કૃપા દ્વારા દર્શાવેલ આદેશોનું અક્ષરસઃ પાલન કરવાથી વ્યક્તિ જીવનમાં રાહત અનુભવે છે સફળતા પ્રાપ્ત કરે છે.

ગીતાજીના સારરૂપ નવસિધ્ધાંતોનું આચરણ સંસારસાગરમાં તરવાની, પાર ઉતરવાની નાવ છે. મા ભગવતીને કે આપના ઈષ્ટદેવને આપની જીવન નાવના ખેવૈયા – નાવિક બનાવજો. અર્જુનની જેમ પ્રેરણા, આદેશ અને માર્ગદર્શનનું અક્ષરસઃ પાલન કરજો. સફળતા મળશે જ.

મહાભારતના યુધ્ધ પછી યુધિષ્ઠિરજીએ ભીષ્મપિતામહને વિનમ્રતાથી પૂછ્યું કે અમે પાંડવો વિજયશ્રીને તો વર્યા પરંતુ પુરૂષાર્થ અને ભાગ્યમાં શ્રેષ્ઠતા કોની? પિતામહે કહ્યું કે વત્સ, પુરૂષાર્થ ભાગ્યને અનુસરે છે પરંતુ પુરૂષાર્થ વિના ભાગ્ય પાંગળું છે. વળી દૈવી કૃપા હોય તો પણ પુરૂષાર્થ તો જરૂરી છે. દા.ત. ભાગ્યબળે કે દેવકૃપાથી આપણને ભાવતા ભોજનનો થાળ મળે પરંતુ વાનગીઓ જમવાનું, પચાવવાનું કામ તો આપણે જ કરવું પડે ને !

દીવામાં તેલ – ઇંધણ ખૂટી જતાં દીવો બુઝાઈ જાય છે તેવી જ રીતે કર્મ પૂરું થતાં ભાગ્યની સક્રિયતા, દૈવી કૃપા ઘટી જાય છે, ઓસરતી જાય છે.

જીવનમાં સાત્વિક પુરૂષાર્થ દ્વારા સાત્વિક પ્રારબ્ધનું નિર્માણ કરવાનું છે અને દૈવીકૃપાના અધિકારી બનવાનું છે. આપણે અર્જુન જેવા સાત્વિક, સરળ, જિજ્ઞાસુ, આજ્ઞાકારી બનવાનું છે. “કરિષ્યે વચનમ્ તવ” આપના આદેશને હું અનુસરીશ. અર્જુનજીએ શ્રીકૃષ્ણજીના વચનોમાં વિશ્વાસ રાખી જીજ્ઞાસા સંતોષી, વિષાદને ત્યજીને પોતાના ક્ષત્રિયધર્મમાં પ્રવૃત્ત થયા.

મારો એક ભાવ પણ હું આજે પ્રગટ કરું છું.

ગુરૂપૂર્ણિમા વર્ષમાં એક જ વખત આવે છે, પરંતુ બાકીની અગિયાર પૂર્ણિમા દર મહિને એક વખત આવે છે. ગુરૂપૂર્ણિમાના દિવસે સદગુરૂજીના જ્ઞાનથી પ્રજ્જવલિત થયેલી, સતેજ થયેલી, સંકોરાયેલી આપણી જ્ઞાનની જ્યોત બાકીની અગિયાર પૂર્ણિમાએ પણ પ્રજ્જવલિત રહેવી જોઈએ. આ જ્ઞાન શિખા આપણા જીવનને આધ્યાત્મિકતાના ઉત્તુંગ શિખરો સર કરવામાં સહાયરૂપ બને. આપણે અન્યના જીવનમાં જ્ઞાનનો, પ્રેમનો, દયાનો, અહિંસાનો પ્રકાશ પાથરવાની ક્ષમતા કેળવીએ.

આપણે જ આપણો દીપક બનીએ. સત્સંગ અને સાત્વિક જ્ઞાનનું ઇંધણ પૂરતા રહીએ અને શ્રધ્ધા શરણાગતિ અને ઉપાસનાના સહારે જીવન નાવને પરમાનંદના પ્રદેશમાં લાંગરીએ.

સેવાયજ્ઞની શરૂઆતથી જે ભાવિક ભાઈબહેનો બાળકો મારા સાનિધ્યમાં અને સત્સંગમાં છે તેમનામાં ધાર્મિક, આધ્યાત્મિક અને વૈચારિક પરિપક્વતા આવી જ હશે. વાણી, વર્તન, વ્યવહારમાં, આહાર વિહારમાં પરિવર્તન આવ્યું જ હશે. નિયમિત ઉપાસના, પ્રાર્થના, સકારાત્મક વલણ, સેવાનો નિયમ જાળવી રાખ્યો હશે!

આપ સ્વયમ્ આપના ગુરૂ બનો. અંતરનો અવાજ, પ્રેરણા, માર્ગદર્શનને અનુસરો. આપની સમસ્યાઓ જાતે જ સુલઝાવો. સદગુરૂનું શરણ, સ્મરણ, દર્શન અને પરમની કૃપાના અધિકારી બની રહો.

થોડા વર્ષોથી ગુરૂતત્વની પરિધિમાં જોડાયેલા ગુરૂભાવિકોને હું એક સંદેશો દોહરાવું છું. જેની ધાર્મિક અને અધ્યાત્મિક ગતિ સ્થગિત થઇ ગઈ છે તેવા જૂના ભાવિકો માટે પણ આ સંદેશો છે.

હતી આષાઢી પૂર્ણિમા ૧૯૭૭ તણી,

હતી એ પ્રથમ ગુરૂપૂર્ણિમા માના બાળતણી,

સૂર્ય ચંદ્ર ફરતા રહે, જીવન વિકાસ થતો રહે

બીજ બોદાય, પાલન પોષણ થાય,

ઘેઘુર વૃક્ષ લહેરાય.

આજે યૌવનના શણગાર સજી,

રૂમઝુમતી આવી ગુરૂપૂર્ણિમા,

નફા ખોટનું સરવૈયું

આડત્રીસ વર્ષતણું,

શું પ્રાપ્ત કીધું આ જીવન મહીં ?

ખાધું પીધું મોજ કરી

જીવન વ્યતિત કર્યું

એ સંદેશો નથી મુજતણો.

મુજ સંદેશો દોહરાવું આજ ફરી ફરી

જીવન વિકાસ કરો

આત્મિક ઉન્નતિ કરો,

પ્રેમને પોષતાં રહો

સાત્વિક્તાને શણગારતા રહો

પ્રથમ બનો સાચા માનવ

મહામાનવ બનવાનો

પુરૂષાર્થ કરતા રહો.

વ્હાલા બાળકો,

જીવી રહ્યો છું

તમારા પ્રેમભર્યા

અશ્રુઓ પીને

એ જ મારી અમૃત સંજીવની.

આ એક ઘૂઘવતો, ઉછળતો સાગર છે.

એને સીમાઓ નથી

એનાં ઉછળતા મોજાંઓ

દરેક હૈયાને સ્પર્શે છે,

ભીંજવે છે.

વ્હાલા ભાવિકો,

મારામાં રહેલું ગુરૂતત્વ

એક ઘૂઘવતો સાગર છે

આ રાજસાગરમાં પરમતત્વની અસંખ્ય, અમૂલ્ય આધ્યાત્મિક સંપત્તિ છુપાયેલી છે. મરજીવા બની શોધવાનું, ડૂબકી મારવાનું સાહસ કરજો.

માનવ, મહામાનવ, દેવમાનવ બનવાનો રાજમાર્ગ મળી જશે. પરમને પામવાની ક્ષિતિજો વિસ્તરતી વર્તાશે. પરમના ઐશ્વર્યને પામી જવાશે.

રાજસાગરની ગેહરાઈમાં ડૂબકી મારવાની હિંમત ન હોય તો નાસીપાસ ન થશો. પ્રાથમિક ધોરણે આટલું તો અવશ્ય કરજો જ.

૧.  નવ સિધ્ધાંતનું આચરણ અવશ્ય કરજો.

૨. વાણી વર્તન વ્યવહારમાં એકરૂપતા જાળવજો.

૩. જીવન વ્યવહારમાં સાત્વિકતા અને નૈતિકતાને જરૂર અપનાવજો.

૪. આપના જે તે કાર્યક્ષેત્રમાં પરમની પૂજા સમજી પૂરી નિષ્ઠાથી જવાબદારી નિભાવજો. કર્મયોગી બનવાનો આગ્રહ રાખજો.

૫. ઉપાસનાનો નિયમ જાળવજો.

પરમાત્માને સમય આપજો, પરમાત્મા તમને સર્વસ્વ આપશે.

આશીર્વાદ

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી