મારા બાગના મધમધતા ગુલાબના ફૂલો,
ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે ભાવિકોની પ્રેમ પોટલીને મારી હૃદયગુહામાં વહેતા પ્રેમરસમાં સમાવિષ્ટ કરું છું. સાડત્રીસ વર્ષનો આપણો પ્રેમસબંધ આપના જીવનમાં પ્રેમની પેદાશ વિકસાવવામાં પ્રેરણા પ્રદાન કરી શક્યો જ હશે. પ્રેમનો રાજમાર્ગ તો મેં કંડારી આપ્યો છે. આ રાજમાર્ગ પર પ્રયાણ કરવાનો, ચાલવાનો, દોડવાનો પ્રયત્ન અને પુરુષાર્થ તો આપને કરવો જ પડશે ને!
આપણું મન આપણા સાત્વિક પ્રયત્નમાં સહભાગી બને, સાથ આપે તે રીતે આપણે મનને કેળવવું પડશે. આપણે મનની સૃષ્ટિને સમજીએ.
આપણું મન વિચારોનું વાહક છે, સૂક્ષ્મ શરીરનું એક ઘટક છે. તે દેખાતું નથી પરંતુ સતત કાર્યાન્વિત રહે છે. આપણા મનની ત્રણ અવસ્થાઓ છે.
(૧) જાગૃત મન
(૨) અર્ધ જાગૃત મન
(૩) સુષુપ્ત મન
આ ઉપરાંત સૂક્ષ્મ શરીરના અન્ય ઘટકોમાં બુધ્ધિ, ચિત્ત અને અહંકારનો સમાવેશ થાય છે.
આપણું કારણ શરીર પ્રાણતત્વ, આત્મતત્વનું દ્યોતક છે.
જાગૃત મન :- સાત્વિક, અસાત્વિક વાતાવરણથી પ્રભાવિત થાય છે. આસક્તિ, અનાસક્તિ પણ જાગૃત મનની પેદાશ છે. ઇન્દ્રિયોનો બહેકાવ કે નિયંત્રણ જાગૃત મનના વિવેક પર, વાતાવરણ પર, સંસ્કાર પર, સત્સંગ પર અવલંબિત રહે છે.
અર્ધ જાગૃત મન :- આજ્ઞાંકિત સેવકની જેમ જાગૃત મનના આદેશોને અનુસરે છે. આપણું અર્ધજાગૃત મન શરીરના અણુએ અણુમાં પ્રવેશી મનના આદેશોને કાર્યાન્વિત કરવામાં સહાયક બને છે, મહત્વનો ભાગ ભજવે છે. આપણું સકારાત્મક અને સાત્વિક મનોબળ આપણા સાયકોસોમેટીક રોગોને નિર્મૂલન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
સુષુપ્ત મન :- સ્વપ્નાવસ્થામાં, તંદ્રાવસ્થામાં તેનો પ્રભાવ બતાવે છે. વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ, પૂર્વજન્મોના સબંધો, બનાવો, ઘટનાઓ, હકીકતોનું સ્પષ્ટ કે અસ્પષ્ટ ચિત્ર કે સંકેત દર્શાવે છે.
બુધ્ધિ :- સાત્વિક વાતાવરણ, સુશિક્ષણ અને સત્સંગથી પ્રભાવિત થયેલી હોય તો તેમાં વિવેકનું તત્વ ભળે છે જે મનના વિચારોને ગાળે છે. સારાસારનો વિચાર કરી મનને સન્માર્ગે દોરે છે. બુધ્ધિના વિવેકથી વ્યવહારમાં, કાર્યોમાં, સંબંધોમાં સમતોલપણું, સદ્ ભાવના જળવાઇ રહે છે.
ચિત્ત :- સૂક્ષ્મ શરીરનું આ ઘટક યાદોનું, કર્મોનું સંગ્રહસ્થાન છે. આપણું ચિત્ત જ ચિત્રગુપ્તનો ચોપડો છે. આપણું ચિત્ત કોમ્યુટરની ફલોપી જેવું છે. વિસરાઇ ગયેલી હકીકત યાદ કરતાં માનસપટ પર આવી જાય છે. જેવી રીતે કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં કલીક કરતાં જરૂરી માહિતી સ્ક્રીન પર આવી જાય છે.
અહંકાર :- સ્વભાવ, સ્વમાન, ઇગો, ગમો, અણગમો, ભાવતું, ન ભાવતું વિગેરે હકીકતો આપણા વ્યકિતત્વ સાથે જન્મથી જ જોડાયેલી રહે છે. વાતાવરણ, સંસ્કાર, સમજણ, શિક્ષણ અને સત્સંગ દ્વારા તેમાં પરિવર્તન લાવી શકાય છે.
આપણું સૂક્ષ્મ શરીર અને કારણ શરીર જન્મ જન્માંતરથી જીવાત્મા સાથે જોડાયેલું જ રહે છે. આપણા કર્માનુસાર જન્મ અને જીવન દરમિયાન તેનો પ્રભાવ અનુભવાતો રહે છે. મનુષ્યેત્તર યોનિમાં જીવાત્માએ પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે છે. પરંતુ આ યોનિમાં નવું કર્મ બંધાતુ નથી. પ્રકૃતિ અનુસાર જીવન જીવાતું જાય છે.
મનુષ્યયોનિમાં આપણા પ્રારબ્ધ કર્મ અનુસાર સુખ, સગવડ, સગાં, સહોદર, શરીર સ્વાસ્થ્ય વિગેરે મળ્યાં હોય અને ભોગવતાં હોઇએ, પરંતુ મનુષ્યયોનિમાં આપણે સારા, નરસા, શુભ, અશુભ કર્મોના બંધનમાં બંધાતા જઇએ છીએ જે આપણું સાત્વિક કે અસાત્વિક, સંચિત અને પ્રારબ્ધ કર્મ નિર્માણ કરે છે. મનુષ્યયોનિમાં આપણે અનાસકત ભાવે સાત્વિક કર્મો કરવાનો આગ્રહ રાખીએ, આપણા કાર્યમાં નૈતિક મૂલ્યોનું પ્રતિપાદન કરી, પરમની પૂજા સમજીને આપણું કાર્ય કરીએ તો આપણે કર્મબંધનમાંથી મુક્ત રહી શકીએ.
માયાના આવરણમાંથી મુક્ત રહેવા માટે નિયમિત ઉપાસના, સત્સંગ, સ્વાધ્યાય, ધ્યાન, પ્રાર્થનાનો નિયમ જાળવી રાખવો જરૂરી છે જે એક રક્ષણાત્મક કવચનું કામ કરશે. આ બધાં સૂક્ષ્મ શરીરના પોષક તત્વો છે, જેનું નિયમિત સેવન આત્મતત્વની સમીપ જવામાં, આત્મતત્વને આત્મસાત કરવામાં પ્રેરકબળ બની રહે છે.
વ્હાલા બાળકો, મારે આપનામાં રહેલાં ગુરૂતત્વને જાગૃત કરવા છે, કાર્યાન્વિત કરવા છે, વિકસાવવા છે, ઉર્ધ્વગામી કરવા છે. આપનો સહકાર, પુરૂષાર્થ અને પરમશક્તિ મા ભગવતીની કૃપાશિષથી મારી મહેચ્છા ફળીભૂત થશે તેવી મને શ્રધ્ધા છે.
ગુરૂપૂર્ણિમાના પવિત્ર માહોલમાં આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના પ્રત્યેક ઘટકોને પરમના પ્રદેશમાં સત્યમ્, શિવમ્, સુંદરમના પ્રદેશમાં જ કાર્યાન્વિત કરવાનો, વિહરવાનો, વસવાનો આગ્રહ રાખીએ.
આપણી જીવનયાત્રાનો જે કોઇ સમય રહ્યો હોય, જે કોઇ પડાવ પર આપણે પહોંચ્યા હોઇએ ત્યાંથી જ આપણામાં રહેલા સાત્વિક તત્વ, પ્રેમતત્વ, ગુરૂતત્વને વિકસાવીએ, ઉર્ધ્વગામી બનાવીએ. આપણે સદાય વર્તમાનમાં અને આનંદમાં જ જીવીએ, વિચારીએ, કર્મ કરીએ અને પરમની નજદિક (Orbit) માં જ રહીએ. પરમનો પ્રેમ, પ્રકાશ, સદાય આપણા પર પથરાતો રહે, વરસતો રહે તેવા સાત્વિક, સત્સંગી વાતાવરણમાં જ રહેવાનો આગ્રહ રાખીએ.
“પોઝીટીવ લીવીંગ, પોઝીટીવ થીંકીંગ, પોઝીટીવ એકટીંગ” – સકારાત્મક જીવન, સકારાત્મક વિચાર, સકારાત્મક કર્મ એ જ આપણી જીવનયાત્રાનું ધ્યેય બની રહેવું જોઈએ. સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ પ્રાણતત્વ આપણામાં રહેલા ગુરૂતત્વ જેવાં કે સદગુણો, સુસંસ્કાર, સુવિચાર, જ્ઞાન, વિજ્ઞાન, કળા, આધ્યાત્મિકતા, માનવતા, નૈતિકતાને વિકસાવવામાં, ઉજાગર કરવામાં મહત્વના પૂરક અને પોષક તત્વ સમ બની રહેશે.
વ્હાલા બાળકો, આપ સર્વે તટસ્થપણે આપના મનનું સ્વમૂલ્યાંકન કરતા જ રહો. નિષેધાત્મક વાતાવરણમાં, માયામાં કદાચ ફસાયા હો, લપટાયા હો, તો સાવધાન બની જજો. બહાર આવી જજો.
નિયમિત ઉપાસના, મંત્રજાપ, અજપાજપ, પ્રાર્થના, ધ્યાન, સ્વાધ્યાય, સત્સંગ, સેવાનો નિયમ જાળવી રાખજો. મનમાં વ્યાપેલી મલિનતાને દૂર કરવાનો, સાત્વિકતા, સદગુણોનું સામ્રાજ્ય પ્રસરાવવાનો આ જ એકમાત્ર ઉપાય છે.
નવસિધ્ધાંતોનું આચરણ
માનવતા વ્રત
બાળ સહજ પ્રાર્થના
આધ્યાત્મિક યાત્રાનો ક્રમ જાળવી રાખજો.
એક લૌકિક માતાપિતાને પોતાના બાળકો સુસંસ્કારી, સુશિક્ષિત, સેવાભાવી, સત્સંગી અને તેજસ્વી બને તેવી અંતરની ભાવના હોય છે. તેમની આ ઉચ્ચ ભાવના ફળીભૂત થાય તો તે માતાપિતા આત્મગૌરવની લાગણી અનુભવે છે, ખુશ થાય છે. તેવી જ રીતે એક અધ્યાત્મિક પિતા – ગુરૂદેવ પોતાના ભક્ત – ભાવિક બાળકો નૈતિક મૂલ્યોનું પ્રતિપાદન કરે, સુસંસ્કારી, સેવાભાવી, માનવતાવાદી, પ્રભુ પરાયણ જીવન જીવે તો તેને સદગુરૂ પોતાનું અહોભાગ્ય સમજે છે. ગૌરવની લાગણી અનુભવે છે.
મને વિશ્વાસ છે કે મારા ચાહકો, ભાવિકો, આપના ગુરૂતત્વને વિકસાવશે અને અન્યના જીવનમાં પ્રેરણાનો પ્રકાશ પાથરશે. માનવતાને મહેંકાવશે. મારી આશાનું – વિશ્વાસનું બળ આપ સર્વે બની રહેશો તેવી શુભ ભાવના સહ…