શાશ્વત સેવા યજ્ઞ

ગાયત્રી માતાજીના વ્હાલા બાળકો,

ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે આપ સર્વેનો પ્રેમ મારા પ્રેમ ઉદધિમાં સમાઈ રહ્યો છે. આપની શ્રધ્ધા મારા પ્રેમસાગરમાં વહી રહી છે. આજે પાંત્રીસમી ગુરૂપૂર્ણિમા ઉજવાઈ રહી છે.

પંચમહાભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ)થી સર્જાયેલી પરમની આ સૃષ્ટિમાં આપણે પંચમહાભૂતથી બનેલા દેહમંદિરમાં પરમાત્માના બુંદસમ આત્માને વિરાજીત કરીને જીવનયાત્રાને સંસારસાગરમાં વહાવી રહ્યાં છીએ. જીવાનાયાત્રનું મુખ્ય લક્ષ્ય છે પરમાત્માની પ્રત્યેક પળે પ્રેરણા મળતી રહે, અનુભૂતિ થતી રહે અને સ્વરૂપ દર્શન થતાં રહે.

પાંચમી સપ્ટેમ્બર ૧૯૭૬ ની મધ્યરાત્રિએ માતાજીએ માનવસેવાની દિક્ષાઆપી – દિશાસૂચન કર્યું અને પ્રત્યેક પળે માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું છે. આપના ભૌતિક, સંસારિક પ્રશ્નોમાં યોગ્ય માર્ગદર્શન આપી સુલઝાવવાનો પ્રયત્ન માતાજીના એક માધ્યમરૂપે કરતો રહું છું. સાથે સાથે આપ સર્વેનો આત્મિક વિકાસ થાય, આધ્યાત્મિક પંથના પ્રવાસી બનો, ધર્મના મર્મને બરાબર સમજો અને જીવનમાં ઉતારો, તેવો પ્રયત્ન હું કરી રહ્યો છું. મેં તમને આધ્યાત્મિક અને ધાર્મિક પ્રસાદ પીરસ્યો છે. જમવું અને પચાવવું પડશે તમારે.

સમગ્ર શાસ્ત્રના જ્ઞાન સમા નવસિધ્ધાંતો, માનવતા વ્રત, સાત્વિક અને સરળ જીવન જીવવાની માસ્ટરકી, સ્વમૂલ્યાંકન, આધ્યાત્મિક યાત્રા, તેમજ સાત્વિક શુધ્ધ આહાર, વિહાર અને વ્યવહારની વિધિ દર્શાવી છે. આચરણ કરવું તમારા હાથની વાત છે. ડોક્ટરશ્રી દરદીના દરદનું નિદાન કરીને દવા આપે તેમ માતાજીની પ્રેરણા માર્ગદર્શનથી મેં આપની આધિ, વ્યાધિ, ઉપાધિની સમસ્યાઓને સુલઝાવવાનાં આધાત્મિક ઓસડિયાં આપ્યા છે. પીવાં તો તમારે જ પડશે ને!

“આંખમાંથી અમી વર્ષે,

વાણીમાંથી અમૃત ઝરે,

પ્રેમના પુષ્પો સદાય પમરાતાં રહે,

આખી દુનિયા તેને નમે.”

આપણે દુનિયાને ગમીએ તેવો વ્યવહાર આપણો હોવો જોઈએ. આપણો સબંધ પણ પ્રેમના તાંતણે જ બંધાયો છે ને !

પંચમહાભૂતના શરીર સાથે જન્મેલ દરેક વ્યક્તિની જીવનસરિતાના બે કિનારા છે. જન્મ અને મૃત્યુના બે કિનારા વચ્ચે આપણો જીવન પ્રવાહ વહી રહ્યો છે. ક્યારેક તો સરિતા સાગરમાં સમાઈ જવાની જ છે.

મારી જીવન સરિતા સાગરમાં સમાઈ જાય તે પહેલાં માતાજીએ દીક્ષામાં દીધેલ સેવાધર્મને મારે શાશ્વત બનાવી માનવતાના કાર્યોમાં મારી સેવા સરિતાને સદાય વહેતી રાખવી છે.

“નિલોષાતીર્થ મારી સેવાભૂમિ છે,

શ્રધ્ધાતીર્થ મારી ધડકન છે.”

આ બન્ને તીર્થોમાંથી સેવાની સરિતા સદાય વહેતી રહે તેવા શુભ આશયથી માતાજીના આદેશ અને માર્ગદર્શન અનુસાર મેં અમુક વસ્તુઓમાં પ્રાણશક્તિ સંચારિત કરી છે. જેનો ઉપયોગ મારી અનુપસ્થિતિમાં નિ:શુલ્ક સેવા માટે કરી શકાશે.

“રાજયોગીનું ધરા પર હોવું એ માતાજીની આધ્યાત્મિક આતશબાજી ને ક્રાંતિ, તે ક્રાંતિની મશાલ માતાજીએ મને સોંપેલ છે.”

આના અનુસંધાનમાં મેં માતાજી સાથે છેલ્લા દસેક માસથી પરામર્શ કરવા માંડ્યો.. એક સવારે પ્રકાશ પુંજ રેલાયો, હું ચમકી ગયો, આનંદી ઉઠયો, રોમેરોમ રણઝણી ઉઠયું.

માતાજીએ દિશા બતાવી પરંતુ તેનો અમલ કેવી રીતે કરવો તેની વિમાસણ હતી. પ્રયોગ ગુપ્ત રાખવાનો હતો. માતાજીએ પ્રેરણા કરી, ભાવિક ભક્તોની મદદ મળતી ગઈ, સાધનો આવી ગયાં. “મારા જમણા હાથે જે સેવા કાર્ય કરવાનું છે તે હાથની પ્રતિકૃતિ બનાવવાની છે.”

પ્રતિકૃતિ બનાવનાર કારીગરની સૂચના અનુસાર મારે મારો જમણો હાથ ચાર પાંચ કલાક સુધી સ્થિર રાખીને બેસવાનું હતું. “માતાજીની શક્તિ અને સહાયથી હું ખુરસીમાં જ ચાર પાંચ કલાક મારો જમણો હાથ સ્થિર રાખીને બેસી રહ્યો” અને કારીગરે તેની કામગીરી પૂર્ણ કરી. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં મારા જમણા હસ્તની પ્રતિકૃતિ આબેહૂબ તૈયાર થઇ ગઈ. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં જ તેને અભિમંત્રિત કરવાની તેમજ પ્રાણ સંચાર કરવાની વિધિ ચાલુ કરી દીધી. જે આસો નવરાત્રીમાં પૂર્ણ થશે.

(૧) પ્રાણ પ્રતિષ્ઠિત મારો જમણો હાથ :-

પ્રાણ પ્રતિષ્ઠિત મારા જમણાં હાથથી નીચે મુજબનું સેવા કાર્ય કરી શકાશે. પૂર્ણિમા – પુનમનું જળ અભિમંત્રિત કરવાનું. જળ અભિમંત્રિત થયા પછી પાંચ સેંકડ સુધી આ હસ્તમાંથી “ૐ મા ૐ” ધ્વનિ સંભળાશે. શ્રધ્ધા શરણાગતિ ભાવ જરૂરી રહેશે.

શરીરના પીડિત ભાગ પર હસ્ત પ્રસરાવવો. ચિંતામુક્તિ અને શાંતિ માટે વ્યક્તિના મસ્તક પર હસ્ત ફેરવી શકાશે.

(૨) મારી પાદુકા :-

પાદુકા પર મસ્તક ટેકવી પોતાના દુ:ખ, દર્દ મનમાં કહીને પ્રાર્થના કરશે તેને રાહતનો અનુભવ થશે.

(૩) ૧. પ્રથમ ભાલો :-

સુનામીના શમન માટે વિધિવત ભાલાનો ઉપયોગ કરવાનો રહેશે.

     ૨. બીજો ભાલો :-

ધરતીકંપ શમન વિધિ માટે ઉપયોગ કરવાનો રહેશે.

(૪) અભિમંત્રિત રક્ષા કવચ :-

અકસ્માત નિવારણ અને પ્રેતાત્મા મુક્તિ માટે તેનો વિધિવત્ ઉપયોગ કરવાનો રહેશે. ઉપરોક્ત વસ્તુઓના શક્તિસંસાર વિધિની પ્રક્રિયા ચાલુ છે જે જાન્યુઆરી ૨૦૧૨ સુધીમાં પૂર્ણ થઇ જશે.

(૫) દુ:ખ શમન પેટી :-

ભાવિક ભક્તોની આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી સર્જાતી સમસ્યાઓ એક કાગળમાં મુદ્દાસર, ટૂંકાણમાં લખીને માતાજી પાસે રાખેલ બંધ દુ:ખ શમન પેટીમાં મુકવી. માતાજી આપના પ્રશ્નો વાંચશે અને યોગ્ય તે નિરાકરણ કરશે. કોઈએ આ કાગળો વાંચવા નહિ. મહિનાની છેલ્લી તારીખે આ કાગળો બાળી નાખવાના રહેશે.

આ બધી વિરલ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો, કોણે કરવો તેની સ્પષ્ટતા કરી દઉં.

મારી અનુપસ્થિતિમાં

(૧) કૈલાસબેન – બહેનજી અથવા

           કુસુમબેન – મમ્મીજી તેનો વિધિવત ઉપયોગ કરી શકશે.

(૨) મારા પરિવારના પુરૂષ સંતાનો

શ્રી યોગેશભાઈ – શ્રી કંદર્પભાઈ તથા શ્રી પ્રણવભાઈ તેનો ઉપયોગ કરી શકશે. આ વસ્તુઓના ઉપયોગની વિધિ કરતી વખતે કયા મંત્રો કરવા તે જણાવી દઈશ.

આ વસ્તુઓ કોઈ ચોરી કરીને કે અનઅધિકૃત રીતે લઇ જાય કે વાપરે તો તે કામ લાગશે નહિ.

પાદુકા અને હસ્ત લઈને નિલોષા સેવાતીર્થમાં સવારે બાર થી બે સમય સુધી શ્રી યોગેશભાઈ બેસશે. હસ્ત ટેબલ પર મૂકવો. પાદુકા ખુરસી નીચે આસન પર મૂકવી.

મુલાકાતીની ફરિયાદ – તકલીફ અનુસાર અગાઉ દર્શાવ્યા પ્રમાણે તેનો ઉપયોગ કરવો. સાંજે શ્રધ્ધા કુટીરમાં પણ નિયત સમયે આજ પ્રમાણે વિધિ કરવાની રહેશે.

આ વિરલ સેવા કાર્યમાં ભૌતિકતાને કોઈ જ સ્થાન નથી. માતાજી વર્તમાનમાં જે સેવાકાર્ય સંભાળે છે તેમ જ સંભાળી લેશે.

મારી અનુપસ્થિતિમાં કોઈ મંદિર કે આશ્રમ બનાવશો નહિ. શ્રધ્ધા અને નિલોષા આ બે તીર્થ સ્થાનો માતાજીની માલિકીના છે એટલે તેને ક્યારેય વેચી શકાશે નહિં. સામૂહિક પ્રયત્નોથી યાત્રાધામ તરીકે વિકસાવવાનો પ્રયત્ન – પ્રયાસ આવકારદાયક, સ્વીકાર્ય ગણાશે.

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી