શિવ-જીવનું મિલન

ગાયત્રી માતાના વહાલાં બાળકો,

વીજ ઝબૂકી, મેઘ ગર્જ્યો, મોર ટહુક્યો,

અષાઢી પૂનમે ભક્ત સમુદાય ઉમટ્યો,

ભક્તગણ પ્રેમ થકી વંદન કરે,

પરમશક્તિ પ્રેમથી આશિષની વર્ષા કરે.

આજે મારા આધ્યાત્મિક જીવનનાં ૧૮ વર્ષ પૂરાં કરી ૧૯ મા વર્ષમાં પ્રવેશ કરું છું. આધ્યાત્મિક ક્ષેત્રે હવે હું યૌવનમાં પ્રવેશ્યો છું. આ યૌવન શારીરિક દૃષ્ટિએ નહિ, પણ બ્રહ્મરૂપી રસનું પાન કરવા માટે અને એનો આસવાદ માણવા માટે.

‘અહાહા! જેણે ચાખ્યો અતિ અજબ એ બ્રહ્મ રસને,

સંસારો તણી માયા, શૂન્ય સમી ભાસે,

નથી વહાલાં માનવો, જગત મહીં સાર જરીએ,

સત્કૃત્યોનાં કર્મોથી પરમતત્વને પ્રાપ્ત કરીએ.’

“કંઈ આધિ વ્યાધિ થકી સતત કાયા ક્ષીણ થતી,

ધજા ધોળી ઘડપણની માથે ફરકતી,

શ્રીમંતોના હૈયે નિશદિન વસે ચોર ભય છે.

નાશવંત સંસારમાં ભયરહિત પરમતત્ત્વ છે.”

આજે અત્રે હું જે કંઈ કહીશ, બોલીશ તેને કોઈ શાસ્ત્ર સાથે અથવા આપણા કોઈ ૫ણ ધાર્મિક ગ્રંથો સાથે સંબંધ નથી. મેં જે જોયું, જાણ્યું, અનુભવ્યું તેનો નિચોડ રજૂ કરૂં છું:

“જણાતા’તા લાંબા દિવસો જે દુ:ખભર્યાં,

જણાતા’તા ટૂંકા દિવસો જે સુખ ભર્યા.”

ભાષાની દૃષ્ટિએ અગર વ્યાકરણની દૃષ્ટિએ મારું દ્રષ્ટિબિંદુ જૂદું હશે. આજે આપને અમુક ગૂઢ રહસ્યો જણાવું છું:

૧. શિવ અને જીવ વિષે, શિવ-જીવના મિલન વિષે અને  આપણા શરીરમાં શિવ અને જીવ કયાં રહેલા છે!

૨. ‘ૐ મા ૐ’ મંત્રને ગૂઢાર્થ.

૩. મારા આપેલા નવ સિદ્ધાંતોનો મનુષ્યના શરીરના ભાગો સાથે સંબંધ.

શિવ અને જીવ વિષે

શિવ અને જીવ મનુષ્યના શરીરમાં જ સમાયેલા છે. તેને ઓળખવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.

“પરમતત્ત્વે યંત્રો અર્પયા, મનુષ્ય શરીરને,

એ યંત્રોમાં શિવ-જીવનું નિરૂપણ કર્યું,

પ્રવાસ શિવ-જીવનો, ભવસાગર મહીં,

સાગરના મંથન થકી મળિયાં નવ સૂત્રો.”

મનુષ્યના શરીરને પરમતત્વે સુંદર બનાવ્યું છે. તેની રચના અજોડ છે. શરીરની અંદર જે હૃદય છે તે શિવ છે અને જે મગજ છે તે જીવ છે. સામેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યોતિસ્વરૂપ શિવનું લિંગ ઊંધી રીતે રહેલું છે.

અને તે રીતે શિવ આપણા મગજ-જીવ તરફ દ્રષ્ટિ રાખે છે. હવે આપણે જોઈએ કે આપણું મગજ આપણા શરીરની બધી જ ક્રિયાઓનું નિયંત્રણ કરે છે અને શિવ આ જીવની દરેક ક્રિયાઓ પ્રત્યે સતત નજર રાખે છે.

શિવ અને જીવના મિલન વિષે

શિવ અને જીવના મિલન અને વિયોગ વિષે હું આપને દ્રષ્ટાંતથી જણાવું.

એક શેઠ હતા. બાળપણમાં ગરીબીમાં ઉછર્યા હતા. પૂર્વજન્મનાં સંચિત્ કર્મોથી લક્ષ્મી પ્રાપ્ત કરી શકયા. તેમની પાસે કહેવાતા ભૌતિક સુખનાં સાધનો ઉપલબ્ધ હતા અને સંસાર પણ સુખી હતો. શેઠ ચોવીસ કલાક મોહમાયાથી વિંટળાયેલા રહેતા અને ઈશ્વરસ્મરણ વચ્ચે હિમાલય જેટલું અંતર હતું.

“મનુષ્યો જે વ્રત તપ અને દાન કરતા,

બીજા જન્મે તેઓ વિષ્ણુપત્નીને પ્રાપ્ત કરતા;

પ્રભુને વિસારી સુખભોગો કરી કરી,

પડે ચક્રાવામાં જનમ-મરણે ફરી ફરી.”

એક દિવસ શેઠ ઓસરીમાં બેસીને હિસાબના ચોપડા લખતા હતા. તેવામાં એક ભિક્ષુકે આવીને ભિક્ષાની માગણી કરી, શેઠે તિરસ્કારથી તેને ચાલ્યા જવા કહ્યું. ભિક્ષુક ચાલ્યો ગયો. શેઠે એક કોડીનું પણ દાન ન કયું. દાન કરવા માટે પણ પૂર્વજન્મનાં કર્મ જરૂરી છે. દાન તન, મન અને ધનથી થઈ શકે છે. તનનું દાન માણસ પોતાની જાતે કરી શકે છે. દા. ત. કોઈ પણ મનુષ્યને કોઈ પણ જાતની મદદ કરવી જેવી કે આંધળાને રસ્તો ઓળંગાવવો, તરસ્યાને પાણી પાવું, પીડિતની સેવા કરવી.

મનનું દાન માનસિક રીતે વ્યથિત વ્યક્તિને લાગણી અને સહાનુભૂતિ આપે અને દરેક રીતે સાથ, સહકાર, પ્રેમ, હૂંફ આપે.

ધનનું દાન વ્યક્તિની કીર્તિ, તકતી કે નામ સાથે જોડાયેલું હોય તો તે સાચું દાન નથી. સાચું દાન ત્યારે જ કહેવાય કે તમે જાતે જઈને જ પીડિતને પોતાના હસ્તે મદદ કરો અને તે પણ નિઃસ્વાર્થ સેવા ભાવનાથી. અહમરહિત સેવા ભાવનાથી કરેલું દાન જ સાચું દાન કહી શકાય.

ભિક્ષુકના ચાલ્યા ગયા પછી થોડી જ વારમાં શેઠાણી શેઠ માટે ચા-નાસ્તો લાવીને બેઠાં. શેઠે ચોપડો લખવાનું બંધ કરીને ચા-નાસ્તો કરવા બેઠા. ઓચિંતુ એક કૂતરું આવ્યું. કૂતરાએ નાશ્તા પર તરાપ મારી પરંતુ નાસ્તાના બદલે શેઠનો માનીતો અને લાડીલો ચોપડો મોઢામાં આવી ગયો અને ચોપડો લઈને દોડવા માંડયું. આ જોઈને શેઠ સફાળા તરત જ કૂતરાની પાછળ દોડવા લાગ્યા. આગળ કૂતરો અને પાછળ શેઠને ભરબજારે દોડતા જોઈતે લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. કૂતરો દોડતો દોડતો ગામ છોડી સીમમાં આવ્યો અને ખેતરોનો અટપટો માર્ગ લીધો. દોડતા દોડતાં રસ્તામાં એક અવાવરુ કઠેરા વગરનો કુવો હતો તેમાં કૂતરો પડયો અને પાછળ શેઠ પણ સમતોલપણું ગુમાવતાં કુવામાં પડયા આ તો એવું થયું કે,

“આગળ દોડે શ્વાન પાછળ દોડે શેઠ,

સંસારના મૃગજલળ મહીં દોડે અનેકાનેક.”

કૂવામાં કેડ સમાં પાણી હતાં તેથી શેઠ અને કૂતરો ડૂબ્યા નહીં પરંતુ શેઠનો ચોપડો પલળી ગયો અને આકાશ જેવો સ્વચ્છ થઈ ગયો. શેઠ કુવામાં કૂતરાને મારવાનો પ્રયાસ કરતા હતા પરંતુ ગામ લોકોએ કહ્યું, “શેઠ કૂતરાને મારશો નહીં, નહિતર કૂતરું તમને કરડશે.” શેઠ કહે, “ભાઈ, મને બહાર કાઢો !” ગામલોકો કહે, “શેઠ, અમોને રસ્તો બતાવો કે અમે તમને કેવી રીતે બહાર કાઢીએ !” કારણકે શેઠના મનમાં એવો અહમ્ હતો કે બુદ્ધિનો ખજાનો તેમની પાસે જ છે. અને બીજા બધાનો ઉપલો માળ ખાલી છે. શેઠે કહ્યું, “ભાઈ તમને જેમ યોગ્ય લાગે તે રીતે મને બહાર કાઢો” અહીં શેઠનો અહમ્ ઓગળતો લાગ્યો.

ગામલોકોએ લાકડાની નાની ચારપાઈ બાંધીને કૂવામાં ઊતારી અને શેઠ અને કૂતરો તેમાં બેસીને બહાર આવ્યા. બહાર આવતાંની સાથે જ કૂતરાએ શેઠના પગે બચકું ભર્યું અને દોડી ગયું. શેઠે ચોપડો ગુમાવ્યો અને કૂતરું કરડવાનું બેવડું દુ:ખ લઈને વ્યથિત હૃદયે ઘરે આવ્યા.

આનો આધ્યાત્મિક અર્થ એવો થાય કે મનુષ્ય આખી જિંદગી ભોગ, વિલાસ, મોહમાયા પાછળ દોટ મૂકે છે અને તેની પાછળ જિંદગી વેડફી નાખે છે. જ્યારે અંતકાળ નજીક આવે છે ત્યારે ખબર પડે છે કે મેં કોઈ સત્કાર્ય કર્યું નથી કે ઈશ્વરસ્મરણ કર્યુ નથી પરંતુ તે વખતે બહુ જ મોડું થઈ ગયું હોય છે. શેઠે મોહમાયામાં જિંદગી વિતાવી અને અંતે અંધકારરૂપી કૂવામાં પડયાં.

આવા સમયે સાચા સદગુરુનો ભેટો થાય તો જ તે તમને બચાવી શકે.

શેઠ આ બનાવ પછી છ મહિના સુધી જીવ્યા, પરંતુ આ સમય દરમિયાન પણ ઈશ્વરસ્મરણ કે દાન-ધર્મ કર્યાં નહિ અને અંતે તેઓ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. જ્યારે આ શરીરમાંથી શિવ તેમને છોડીને જઈ રહ્યો હતો ત્યારે કહેતો ગયો કે,

“સલામ મારા સંસારી જીવને,

તુજ પાસથી આજ જાઉં એકલો,

નવ કરશો કોશિષ ત્યાં પ્રવેશવાની,

હાથ નથી સરનામું તમ પાસ,

તમ પાસ સંસારી તણું નામું.”

શિવ, આખી જિંદગી ચેતવતો રહ્યો કે સત્કર્મો કરો, પરંતુ જીવ ષડરિપુમાં અટવાઈ ગયો હતો. જેથી શિવની વાત તેને ગળે ઊતરી નહિ, જેથી શિવ એકલો ચાલ્યો ગયો અને શિવ-જીવનું મિલન થઈ ન શકયું.

શિવ-જીવના મિલન માટે મન, વચન, કર્મથી પવિત્ર બની નવ સિદ્ધાંતોનું પાલન થાય અને ષડરિપુઓને નાથવામાં આવે તો જ શિવ-જીવનું મિલન થાય.

બીજું દૃષ્ટાંત :

એક ખેડૂત હતો. ખાધેપીધે સુખી હતો. મન, વચન અને કર્મથી પવિત્ર રહેતો હતો. ષડરિપુઓને તેણે કાબૂમાં લીધા હતા અને તેના જીવનમાં નવ સિદ્ધાંતોનો અમલ કરતો હતો. મહેનત અને પુરુષાર્થ કરવામાં આનંદ માણતો હતો. આ સંસારમાં મધમાખી કરતાં વધુ ઉદ્યમી કોઈ નથી. એ પોતાના કર્તવ્યમાં ઓતપ્રોત થઈ જાય છે કે જેના થકી આ ધરતી પર અમૃત સમાન મધ ઉત્પન્ન કરી શકે છે. દીવો પોતે બળશે પરંતુ પોતાના ભોગે બીજાને પ્રકાશ આપશે. અગરબત્તી પોતે સળગી જશે પરંતુ વાતાવરણને સુગંધી બનાવશે. સુખડ પોતે કપાઈ જશે પરંતુ કુહાડીને સુગંધિત કરી દેશે. ફૂલ પોતે હોમાઈ જશે પરંતુ તે સુવાસ આપી જશે. જેવી રીતે વાદળમાંથી મુક્ત થયેલા સૂર્ય-ચંદ્ર જગતને પ્રકાશ અર્પે છે તેવી જ રીતે આ દુનિયાના મોહમાયામાંથી મુક્ત થયેલ તે ખેડૂત પોતાના જીવનને શોભાવતો હતો અને તેને કારણે તેનામાં શિવ અને જીવનું ઐકય-મિલન સધાયા હતા. જ્યારે તે ખેડૂતનો અંત: સમય નજીક આવે છે ત્યારે શિવ જીવને કહે છે કે,

“જગત તણા સંસારે સાથે રહ્યા, સાથે કર્મો કરીયા.

અનંતની સફરમાં નિશ્ચય સાથે રહીશું.”

અહીં શિવ-જીવનું મિલન થાય છે અને તે થકી શિવ-જીવને અનંતની સફરમાં પોતાની સાથે લઈ જવાનું કહે છે. આપણે જાણી લીધું કે શિવ-જીવ આપણામાં રહેલાં છે અને તેમનો સંયોગ કે વિયોગ કરવો તે આપણા હાથની વાત છે. જેમકે,

“ચાવી છે ખજાનાની તમ પાસ

સત્કર્મથી ખોલો ખજાનો, મિલન છે શિવ જીવનું.”

કુંડલિની જાગૃતિના ચક્રો

હવે નવ સૂત્રો એટલે કુંડલિની જાગૃતિના નવ ચક્રો. નવ ચક્રોમાં પાદચક્રથી જીવચક્ર સુધીનાં હોય છે. કુંડલીની જાગૃતિ માટે આ નવ ચક્રોને ગતિશીલ બનાવવા પડે ને તેના માટે ઘણો પરિશ્રમ કરવો પડે ને સાચા જાણકાર-સદગુરુ હોય તો જ આ નવચક્રોને ભેદી શકાય અથવા તો પરમ તત્વની મીઠી નજરથી કુંડલિની જાગૃતિ શક્ય બને. પરંતુ આ કાર્ય ઘણું જ કઠિન છે. તેના બદલે હું તમને કુંડલીની જાગૃતિ કરવા માટે મારા નવ સિદ્ધાંતો આપું છું અને તે સિદ્ધાંતોનું આચરણ કરવાથી, અમલમાં મૂકવાથી અવશ્ય કુંડલીની જાગૃતિ થઈ શકશે. મારા માનવા મુજબ શિવ અને જીવનું મિલન એ કુંડલિની જાગૃતિ જ છે.

‘ૐ મા ૐ’ મંત્રનો  ગૂઢાર્થ

માતાજીએ પરમશક્તિ મંત્ર ‘ૐ મા ૐ’ આપ્યો છે તે ખરેખર તેની અનહદ કૃપા છે. આ મંત્રમાં બે શિવ અને બે જીવનું મિલન થયેલું છે તે સ્પષ્ટ જણાઈ આવે છે.

‘ૐ’ પરમતત્વનું જ્યોતિસ્વરૂપ છે, જેથી તેને આપણે શિવ કહીએ.

‘મા’ જીવ છે. પરંતુ તે એક છે, પણ ‘મા’ માં જે કાનો (|) આવે છે તે કાનો એટલે યશોદાનો કાનો અને કાનો એટલે બાળક એટલે ‘હું’ (રાજયોગી નરેન્દ્રજી) માનો બાળ. હવે આ ‘મા’ શબ્દથી અંદર મા+બાળક એમ બે જીવ આવ્યા અને બીજો ‘ૐ’ પરમતત્વ સ્વરૂપ શિવ છે. આમ આ પરમશક્તિ મંત્ર ‘ૐ મા ૐ’ માં બે શિવ અને બે જીવનું મિલન થયેલું છે. આ મંત્રને આત્મસાત કરી તેનું અહર્નિશ રટણ-સ્મરણ કરી જીવનને સાર્થક કરી લેવું જરૂરી છે.

‘ૐ મા ૐ’ મંત્રનો ભાવાર્થ

“હે પરમશક્તિ દાતા, ‘ૐ’કાર સ્વરૂપ મા ભગવતી, મારા મન, વચન, કર્મનું આપ નિયંત્રણ કરો.”

નવ સિધ્ધાંતો સાથે શરીરના નવ ભાગો

મારા નવ સિદ્ધાંતો બધા કહે છે કે જીવનમાં ઉતારવા બહુ કઠિન છે, પરંતુ જો તમે જાતે પ્રયત્ન કરશો તો તે બહુ આસાન છે. હું આપણા નવ ભાગોની વાત કરું તો-

૧. હૃદય                                      ૪. આંખ                                   ૭. પગ

૨. મસ્તક- મગજ                          ૫. ગરદન                                  ૮. મુખ

૩. હાથ                                      ૬. કાન                                     ૯. નાક

પરમતત્વે જે આ અંગોની ભેટ મનુષ્યને આપેલી છે તેની અંદર જ આ નવ સૂત્રોને સાંકળી લીધા છે. મારે તો ફક્ત તે બતાવવાના જ રહેશે :

(૧) ઇષ્ટમાં સંપૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ રાખવી.                હૃદય

(૨) નિ:સહાયને સહાય કરવી                                        મસ્તક-મગજ

(૩) દુ:ખીઓના દિલના આંસુ લૂછવા                               હાથ

(૪) કોઈની ઈર્ષ્યા કરવી નહીં                                         આંખ

(૫) કોઈની સાથે વિશ્વાસઘાત કરવો નહીં                          ગરદન

(૬) પરનિંદાથી દૂર રહેવું                                              કાન

(૭) પુરુષાર્થને અગ્રતા આપી સતત કાર્યશીલ રહેવું               પગ

(૮) નિ:સ્વાર્થ સેવા કરવી                                             મુખ

(૯) અહમનો ત્યાગ કરવો                                            નાક

આ નવ સૂત્રોને ઓળખવા માટે તમારા શરીરના નવ ભાગોની અંદર એક એક સૂત્ર વહેચી નાખો અને તમે ‘નાક’ યાદ કરો એટલે તરત જ અહમનો ખ્યાલ આવે. ‘આંખ’ ને યાદ કરો એટલે ‘ઈર્ષ્યા કરવી નહીં’ તેનો ખ્યાલ આવે. આવી રીતે આ નવ સૂત્રો તમને યાદ રહેશે અને શરીરના કયા ભાગે તેનું પાલન કરવાનું છે તે યાદ રહેશે અને તેનો અમલ કરી શકાશે.

“નવ સૂત્રો તણો સહારો છે અમ જીવનમાં,

જંગ જીતશુ જીવનના નવ સૂત્રો તણા સહારે.”

આજે મેં જે કાઈ કહ્યું તેનું ઘરે જઈ મનન કરજો, ચિંતન કરજો અને તેને અમલમાં મુકવા પ્રયાસ કરજો.

ધગધગતા સૂર્યને જોઈને ડરી જવાનું નથી. ચંદ્રની શીતળતા આવવાની જ છે. રાત-દિવસ, સુખ-દુઃખ, ચડતી-પડતી, જય-પરાજય, સમુદ્રની ભરતી-ઓટ જીવનની અંદર આ બધાનો સમન્વય તો છે જ પરંતુ તેને કેવી રીતે પાર પાડવો તે જવાબદારી આપણી પોતીકી છે.

“નથી જડતો કિનારો, મઝધાર પર બેઠો છું,

પુરુષાર્થના હલેસાં થકી કિનારો તમ પાસ.”

મારો આપ સર્વને આદેશ છે કે–

મન-વચન-કર્મથી પવિત્ર બનો, ષડરિપુનો સંહાર કરો, મારા નવસૂત્રોને જીવનમાં અપનાવો.

અંતમાં માતાજીને મારી વિનંતી છે કે –

“રાજયોગી બાળ ભાવે માને પ્રાર્થના કરે,

સર્વ દુ:ખ હરો સકળ આ સંસારના;

આનંદની હેલી કરો, પ્રેમની લ્હાણી કરો.

સ્વાસ્થ્યની રક્ષા કરો, લક્ષ્મીની બક્ષિસ કરો.”

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી