અમૂલ્ય શક્તિ સંપત્તિ

વ્હાલા આત્મિયજનો,

ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વેનું અંત:કરણથી સ્વાગત છે. આપ સર્વેના પ્રેમ, લાગણી અને અહોભાવને હું બિરદાવું છું. ગયા વર્ષે ગુરૂપૂર્ણિમાના પ્રસંગે મેં આપ સર્વેને જણાવ્યું હતું અને આદેશ આપ્યો હતો કે, આપના માતાપિતાની ચરણવંદના કરી આશીર્વાદ મેળવી ને પછી જ આપના પૂજય ગુરૂદેવના દર્શન વંદન કરજો, માતાપિતા પ્રથમ આપણા ગુરૂ છે. બાળકના જીવન વિકાસના હિતેચ્છુ છે. બાળકનો સર્વાંગી વિકાસ કરવામાં મહત્વનું યોગદાન આપે છે. માતાપિતાની ભાવપૂર્ણ સેવા કરવી અને અંત:કરણના આશીર્વાદ મેળવવા એજ માનવજીવનનું મહામૂલું નજરાણું છે.

સદગુરૂ આધ્યાત્મિક માતાપિતા છે. આધ્યાત્મિક પંથના ભોમિયા – જાણકાર – માર્ગદર્શક છે. ગુરૂદેવ તો ઈષ્ટદેવને મળવા માટે નું પ્રવેશદ્વાર છે. સદગુરૂના સામ્રાજ્યમાં હંમેશા સત્યનો, આનંદનો, કલ્યાણનો, જ્ઞાનનો અને દિવ્યતાનો દીપક અખંડ જલતો રહે છે. આપણે દ્રઢ સંકલ્પ અને અનન્ય શ્રધ્ધા સાથે ગુરૂપ્રદેશમાં પ્રવેશ પામી જીવનયાત્રાને દિવ્ય પ્રકાશના પંથે ગતિ કરાવવી જોઈએ. સદગુરૂદેવનાં આદેશોનું પાલન કરીને સદગુરૂસમ, સદગુરૂમય અને પરમના પ્યારા બનવા પ્રયત્ન કરવો જોઈએ. આપણા પુરૂષાર્થમાં પરમની કૃપા અવશ્ય ભળશે જ.

માનવ જન્મની સાથે જ પરમાત્માએ અમુક શક્તિઓનો સંચય આપણામાં કર્યો છે. જીવનયાત્રા દરમિયાન આપણી આ વિવિધ શક્તિનો વિકાસ અને વિસ્તાર થતો જાય છે.

  આપણી વિશિષ્ટ વિવિધ શક્તિઓ આ પ્રમાણે છે.

(૧) મનની શક્તિ                  (૫) શ્રધ્ધા               (૯) વિવેક, વિનય

(૨) બુધ્ધિની શક્તિ               (૬) જ્ઞાન

(૩) સદગુણોની શક્તિ            (૭) હિંમત – બળ

(૪) પ્રેમની શક્તિ                  (૮) હૃદયના ભાવ

  આ બધીજ શક્તિનો સંચય શરીરની અંદર થયેલો છે. એટલે પ્રથમ તો શરીરના પંચ મહાભૂતો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તત્વોને સમતોલ રાખવાથી શરીરનું સ્વાસ્થ્ય નિયંત્રણમાં અને નિયમમાં રહે છે. શરીરના વિવિધ અવયવો સ્વચ્છ, સ્વસ્થ અને સ્વાસ્થ્યયુક્ત રહે તે માટે આપણા આહાર, વિહાર અને જીવનવ્યવહાર નિયમિત, સંયમિત અને સાત્વિક રાખવા જોઈએ.

“શરીર માધ્યમ્, ખલુ ધર્મ સાધનમ્”

શરીરના માધ્યમથી જ ધર્મનું આચરણ કરી શકાય છે. વળી શરીર એ આત્માનું મંદિર છે, અટેલે એ પરમાત્માનું પણ નિવાસ સ્થાન છે. શરીરની સ્વસ્થતા અને પવિત્રતા ટકાવી રાખવા માટે સમજણની ઉંમરથી જ પ્રયત્ન કરવો જોઈએ. સંત, સદગુરૂ, સત્સંગ અને સ્વાધ્યાયના માહોલમાં જ તેને રાખવું જોઈએ. અપવિત્ર, અશિષ્ટ આચાર વિચાર અને આહાર તેને અભડાવી ન જાય તેની કાળજી અને સતર્કતા રાખવી જોઈએ.

આપણી વિવિધ શક્તિઓનો વિકાસ કેવી રીતે થાય છે. તેને ઉર્ધ્વગામી કેવી રીતે બનાવી શકાય અને પરમના પ્રદેશમાં જ વિહાર કરાવી શકાય તે વિષે વિચારીએ અને આચરણમાં ઉતારીએ.

(૧) મનની શક્તિ :- મન એ વિચારોનું વહન કરે છે. આપણા વિચારો કાર્યનું બીજ છે. પરિપક્વ અને તંદુરસ્ત વિચારો જ ફળદ્રુપ વિચાર બીજ નિર્માણ કરી શકે. મનને તંદુરસ્ત, પવિત્ર, સાત્વિક અને સર્જન શીલ બનાવવા માટે મનને સેવા, સ્વાધ્યાય, સત્સંગ અને સાત્વિક વાતાવરણમાં જ પ્રવૃત્ત રાખવું જોઈએ. મનની એકાગ્રતા લાવવા માટે ઉપાસના, મંત્રજાપ અને ધ્યાનનો માર્ગ અપનાવવો જોઈએ. મજબુત, દ્રઢ મનોબળથી મનની શક્તિ, નિર્ણય શક્તિ વધારી શકાય છે. આનંદ, શાંતિ અને પ્રસન્નતા અનુભવી શકાય છે. પરમના પ્રદેશમાં વિહરવા માટે, પરમાત્માના સાત્વિક કાર્યમાં સહભાગી થવા માટે એકાગ્ર, પવિત્ર અને તંદુરસ્ત મનની આવશ્યકતા છે.

(૨) બુધ્ધિ :- મનના વિચારોને બુધ્ધિની એરણ પર ચઢાવીને ચકાસવા જોઈએ પછી જ તેને કાર્યાન્વિત કરી શકાય. જીવનમાં સફળતા મળવી એ બુધ્ધિનો માપદંડ છે. બુધ્ધિની સમૃધ્ધિ વધારવા માટે રચનાત્મક વિકાસના કાર્યોમાં બુધ્ધિને જોતરવી જોઈએ. પરમની સૃષ્ટિના રહસ્યોને જાણવામાં, શોધવામાં, ઉકેલવામાં અને અનુભવવામાં બુધ્ધિનો ઉપયોગ કરવાથી પરમની નજદીક અનુભવવાનો આનંદ મળે છે. સેવાના સ્વરૂપમાં નિ:સ્વાર્થભાવે વ્યક્તિગત કે સામાજિક સમસ્યાઓ સુલઝાવવા માટે બુધ્ધિની શક્તિ કામે લગાડવાથી બુધ્ધિને તીક્ષ્ણ – ધારદાર બનાવી શકાય.

(૩) સદગુણો :- દયા, કરૂણા, ધીરજ, પ્રમાણિકતા, સદભાવ, સમતાભાવ, સહનશીલતા, અહિંસા, નિર્ભયતા, ક્ષમાના ગુણો વધતા ઓછા અંશે દરેક વ્યક્તિમાં જન્મજાત હોય છે જ. આ સદગુણોનો વ્યાપ વધારવાથી તેમજ માનવતાના કાર્યોમાં, સેવાના કાર્યોમાં તેનો યથાશક્તિ તન, મન, ધનના માધ્યમ દ્વારા ઉપયોગ કરવાથી આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. સત્સંગ, સદગુરૂનું શરણ, સ્વાધ્યાય, સંત સમાગમ અને સેવા કાર્યોથી સદગુણોનો વ્યાપ વધારી શકાય છે. સદગુણો આપણા જીવનને ઉજ્જવળ અને પવિત્ર બનાવે છે. સદગુણોથી પરમાત્માના પ્રદેશના યાત્રી બની શકાય છે.

(૪) પ્રેમ :- પ્રેમની પૂંજી પરમાત્માએ આપણને જન્મની સાથે જ આપેલી છે. બાળ સ્વરૂપ કેટલું પ્રેમાળ અને મીઠું લાગે છે. સંસારની પળોજણમાં અટવાઈ જતાં પ્રેમનું સ્વરૂપ પાંગળું, ધૂધળું બની જાય છે. ઈર્ષ્યા, ક્રોધ, રાગ, દ્વેષ, લોભ, નિંદા અને અહમ્ ભાવ તેમજ કુટેવો, દુર્વૃત્તિઓના વાદળો પ્રેમના પ્રકાશને ઢાંકી દે છે.

નિ:સ્વાર્થ પ્રેમની ભાગીરથીને વહેતી રાખવા માટે અહમભાવને અળગો કરી પરમની સૃષ્ટિના પ્રત્યેક જડ ચેતન સર્જનને આત્મીય ગણીને પ્રેમની હૂંફ આપીએ. પ્રેમની શક્તિમાં વૃધ્ધિ કરવા માટે પહેલાં તો પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. આપણામાં રહેલા કે વિકસતા દુર્ગુણોને દૂર કરવા, મીટાવવા હંમેશા પ્રયત્ન કરવો જોઈએ.

જ્યોત સે જ્યોત જગાતે ચલો,

           પ્રેમ કી ગંગા બહાતે ચલો,

રાહમેં આયે જો દીન દુ:ખી

           ઉનકો ગલેસે લાગાતે ચલો…….પ્રેમકી ગંગા………

પ્રેમથી સમસ્ત અસ્તિત્વને છલકાવી દઈએ તો પ્રેમસ્વરૂપ પરમાત્માના અને પરમના પ્યારા સંતોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકાશે.

(૫) શ્રધ્ધાની શક્તિ :- શ્રધ્ધા અને વિશ્વાસ ઉપર જ જીવન ગતિ કરે છે. અને વિકાસની ક્ષિતિજો ઉઘાડી આપે છે. બાળકનો માતાપિતા પરનો વિશ્વાસ, શ્રધ્ધા, શિષ્યની સદગુરૂ પર શ્રધ્ધા, દરદીની ડાકટર પરની શ્રધ્ધા વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. પરમાત્માને નજરે નિહાળ્યા ન હોવાં છતાં આપણા ઈષ્ટદેવમાં અનન્ય શ્રધ્ધા રાખવાથી જીવનમાં આનંદ અને શાંતિનો અનુભવ થાય છે.

“શ્રધ્ધાથી શિવત્વને જાગૃત કરી શકાય છે.”

માનવીના ભૌતિક અને આધ્યાત્મિક જીવનનું અવલંબન શ્રધ્ધા છે. આપણા ઈષ્ટદેવની ઉપાસના, પ્રાર્થનાનો આધાર આપણી શ્રધ્ધા જ છે. શ્રધ્ધાની શક્તિઓનો વિકાસ કરવા માટે આપણી શ્રધ્ધામાં આપણને શ્રધ્ધા હોવી જરૂરી છે. શાસ્ત્રોનો અભ્યાસ, સંતોનો સંગ, સત્સંગ અને સજ્જનોના અનુભવોમાંથી પ્રેરણા મેળવીને આપણી શ્રધ્ધાને દૃઢીભૂત મજબૂત કરી શકાય છે. અશકયને શકયમાં પરિવર્તન કરવાની શક્તિ શ્રધ્ધામાં છે. શ્રધ્ધા વડે જ શ્રધ્ધાનો આવિર્ભાવ થાય છે અને આપણા સમસ્ત અસ્તિત્વમાં શાંતિ અને સંતોષનો અહેસાસ થાય છે. મીરાની મોહનમાં શ્રધ્ધાએ વિષને અમૃત બનાવી દીધું. નરસિંહ મહેતાની “નટવરમાં” શ્રધ્ધાએ તેની હૂંડી સ્વીકારી દીકરી કુંવરબાઈનું મામેરું અને દીકરા શામળશાના વિવાહ પરમાત્માએ સ્વયમ્ પધારીને સાંસારિક પ્રસંગો પાર પાડી આપ્યા.

 શ્રધ્ધાની શક્તિથીજ પરમની પ્રાપ્તિ, અનુભૂતિ, પ્રેરણા અને પ્રેમ પ્રાપ્ત કરી શકાય છે.

(૬) જ્ઞાનની શક્તિ :- માનવ મનમાં – મગજમાં જન્મોજન્મના જ્ઞાનનો સંચય, સંગ્રહ થતો રહે છે. સુષૂપ્ત રીતે સંગ્રહાયેલા આ જ્ઞાનનો ખજાનો લઈને જ બાળક જન્મે છે. સમય, સંજોગો, યોગ્ય શિક્ષણ અને વાતાવરણથી સુષૂપ્ત રીતે સંગ્રહાયેલા જ્ઞાનને ઉજાગર કરી શકાય છે. વિકાસ કરી શકાય છે. જ્ઞાનમાં વૃધ્ધિ કરી શકાય છે. બાળકોનો સ્વભાવ, આવડત, રૂચિ, ગમા અણગમાની વૃત્તિ વિગેરે તેના પૂર્વજન્મના કર્મ અને જ્ઞાનનો પડછાયો છે.

વર્તમાન જીવનમાં સાત્વિક જ્ઞાનના વિકાસ માટે યોગ્ય શિક્ષણ, સ્વાધ્યાય, સત્સંગ અને સદગુરૂના શરણની સાથે સાથે, નિયમિત ઉપાસના, પ્રાર્થના, મંત્રજાપ, શિસ્ત, સંયમ અને સાત્વિક વાતાવરણ અતિ આવશ્યક છે. માનવ કલ્યાણ, સમષ્ટિના શ્રેયાર્થે અને “સ્વ”ની ઉર્ધ્વગતિ માટે જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. પરમાત્મા “જ્ઞાનનો ભંડાર” છે. પરમના જ્ઞાન સાગરના અમૃતને નિયમિત પીવાનો પ્રયત્ન કરવો જોઈએ.

(૭) હિંમત બળ :- સ્વરક્ષણ, સ્વબચાવ કરવાની શક્તિ લઈને જ બાળક જન્મે છે. શિક્ષણ અને પ્રેકટીસથી હિંમતનો વિકાસ કરી શકાય છે. વિષમ પરિસ્થિતિમાં ડર્યા વગર, હિંમતથી પરિસ્થિતિનો સામનો કરી શકીએ, સુલઝાવી શકીએ, ભય અને સમસ્યાની હિમશીલાને હિંમત અને બળના અંગારથી ઓગાળી દઈએ. સફળતાની સીડીઓ હિંમતથી જ ચઢી શકાય છે. હિંમત નબળાઈને નસાડી મૂકે છે. અન્યાયને ન્યાયમાં પરિવર્તન કરી શકે છે. હિંમતે મર્દા તો મદદે ખુદા. હિંમતથી ગભરાયા વગર એક ડગ માંડો, પરમના પ્રકાશના ઝબકારે અનેક ડગ મંડાઈ જશે નિર્ભય બનીએ અને નીડરતા કેળવીએ.

(૮) હૃદયની ભાવના :- પ્રેમ, પ્રકાશ અને પ્રસન્નતા સ્વરૂપે વિલસી રહેલ આત્મતત્વ એ માનવજીવનની અમૂલ્ય મૂડી છે. હૃદયનો ધબકાર જીવન ટકાવી રાખે છે. પ્રાણતત્વના સુમેળથી જીવન ગતિ કરે છે. વિકાસ પામે છે. હૃદયનો પ્રેમ, ભાવ, લાગણી, આનંદ, પ્રસન્નતા અત્મીયતાનો નાતો બાંધી આપે છે. આત્મીયતાનો ભાવ જીવનમાં અને વિશ્વમાં શાંતિ અને સદભાવ પ્રસરાવી શકે છે.

હૃદયના ભાવ, લાગણીની શક્તિને સમૃધ્ધ કરવા માટે સદગુણોનો વિકાસ કરવો જોઈએ. મનની મલિનતાને મંત્રજાપના વારિથી સતત સાફ કરતાં રહેવું પડે. સેવા, સ્વાધ્યાય, સત્સંગ અને પ્રાર્થનાથી સમસ્ત અસ્તિત્વને સભર કરી દેવું પડે, વાણી, વર્તન અને વ્યવહારની પવિત્રતા, એકરૂપતા રાખવાથી હૃદયના પ્રેમની લાગણીની સમુધ્ધિમાં, શક્તિમાં વધારો કરી શકાય છે. અંતરાત્માના અવાજને અનુસરવાની ક્ષમતા કેળવી શકાય છે. પરમની સુષ્ટિમાં પ્રેમની રસલ્હાણ કરી શકાય છે.

(૯) વિવેક વિનય :- વિવેક વિનય અને વિનમ્રતાના ગુણો આપણી અંદર પડેલા જ છે. વાતાવરણની કલુષિતતા અને પ્રદુષણરૂપી અસંસ્કારિતાનો આવરણ હેઠળ આપણા આ ગુણો ઢંકાઈ ગયા છે. જેથી સારાસારનો, સદવર્તનનો વિચાર કરવાનું ચૂકી જાય છે. આધુનિક જીવન પ્રણાલિ, શિક્ષણપ્રથા, મીડિયાનો વ્યાપ અને દુરઉપયોગ, ઈલેકટ્રોનીક સાધનોનો અસંયમિત ઉપયોગ વ્યક્તિના ભાવ જગતને અવરોધે છે. બુધ્ધિને ઉધ્ધત બનાવી દે છે.

માતાપિતાના સાત્વિક સંસ્કાર પ્રદાનની ભાવના, માતાપિતા કુટુંબના સભ્યોના સબંધો તેમજ વાણી વર્તન વ્યવહારમાં આત્મીયતા, લાગણીસભર અને પ્રેમાળ સામાજિક સબંધો, સર્વાંગી વિકાસ થાય તેવી સાત્વિક શિક્ષણ પધ્ધતિની સાથે સાથે આધ્યાત્મિક વાતાવરણ, સંત સમાગમ, નિયમિત ઉપાસના, પ્રાર્થનાની આદતથી વિવેક અને વિનયને વિકસાવી શકાય. વિવેકથી આપણામાં સારાસારની બુધ્ધિ ખીલે છે, જીવન સાત્વિક અને ઉર્ધ્વગામી બનાવી શકાય છે. વિવેક અને વિનયથી વિશ્વેશ્વરના પ્યારા બની શકાય છે. આપણી આ અમૂલ્ય શક્તિ સંપત્તિનો વિકાસ કરીને સ્વ અને સમષ્ટિના શ્રેયાર્થે તેનો ઉપાયોગ કરીએ. વ્હાલા બાળકો, આપ સર્વે આપની અમૂલ્ય શક્તિ સંપત્તિને પહેચાનો, તેનો વિકાસ કરો અને પરમના પ્રદેશમાં આપની શક્તિનો ઉપયોગ કરો તેવા આશીર્વાદ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી