પરમાત્મા ક્યારે અવતરશે?

વ્હાલા વ્રજવાસીઓ,
આજે શ્રીકૃષ્ણજીનો જન્મોત્સવ છે, શ્રાવણ વદ અષ્ટમી શ્રી કૃષ્ણજીનાં જન્મથી અમર અને ધન્ય બની ગઈ. અરાજકતા, અનૈતિકતા, અન્યાય અને અધાર્મિકતાના આચરણભર્યા યુગમાં શ્રીકૃષ્ણ ભગવાનના પ્રાગટ્યની અતિ આવશ્યકતા વર્તાય છે. દેશ- વિદેશના કેટલાય યુવાન ચાહકોને મનમાં પ્રશ્ન ઉદભવે છે કે “પરમાત્મા આવી અસાત્વિકતા કેમ ચલાવી લે છે?” શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં આપેલાં વચન અનુસાર પરમાત્માએ પૃથ્વી પર અવતરવાનો સમય શું પાકી નથી ગયો? પરમાત્મા શેની રાહ જોઈ રહ્યાં છે?
વ્હાલા પ્રિયજનો, આપની અકળામણ, અધીરાઈ,મૂંઝવણ હું સમજી શકું છું. હું આપની સાથે જ છું. મારા પ્રિય સખાના સંપર્કમાં હું સતત રહું છું અને પ્રાર્થના પણ કરતો જ રહું છું.
પરમાત્માને અવતરવા માટે યાદ દેવરાવાની જરૂર નહી પડે. પરમાત્માના સૃષ્ટિ સંચાલનનું કાર્ય નિયત સમયાનુસાર ચાલતું જ રહે છે. આપણે રામ અને કૃષ્ણના અવતાર પછી હવે કલ્કિ અવતારની કલ્પનામાં રાચીએ છીએ. એટલે પળે પળે અવતરણ કરતાં અને અવતાર કાર્ય નિભાવતા પરમાત્માની વિવિધ અને વિપુલ શક્તિને આપણે નગણ્ય ગણીએ છીએ. પરમાત્મા નિર્ગુણ,નિરાકાર સ્વરૂપે સૃષ્ટિમાં સદાય વિલસી રહ્યાં છે. માતા- પિતા,સંત, સજ્જન, સદગુરુ અને સાત્વિક આત્માઓના સ્વરૂપમાં પરમાત્મા પોતાનું ઐશ્વર્ય, બુદ્ધિ, શક્તિ અને પ્રેરણાના રૂપમાં પ્રગટ થતાં જ રહે છે. સંતો,સજ્જનો, અને સાત્વિક મનુષ્યોના રૂપમાં પરમાત્મા દુઃખી,ની:સહાય,નિરાધાર માણસોને સહાય કરે છે, મદદ કરે છે. દિશાસૂચન- માર્ગદર્શન કરે છે. ઘણી વખતે કામચલાઉ તત્કાળ અમુક વિશિષ્ટ શક્તિ, બુદ્ધિ,પ્રેરણા, પ્રદાન કરે છે અને વ્યક્તિનું જે તે કાર્ય પૂર્ણ થતાં તે વિશિષ્ટ શક્તિ વિરામ પામે છે.
માનવીના સાત્વિક પુરૂષાર્થમાં પ્રાણ,બળ પૂરવા, સહાયતા કરવા પરમાત્મા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દોડી આવે છે . જેવી રીતે મુશ્કેલીમાં મુકાયેલા બાળકને બચાવવા, સહાય કરવા માતા ત્વરાથી દોડી આવે છે. સંનિષ્ટ, નિર્દોષ, નિ:સહાય બાળકોને મદદ કરવા પરમાત્મા હંમેશા તત્પર જ હોય છે. જરૂર છે આપણે બાળક જેવા નિર્મળ, નિર્દોષ બનવાની.
સંસારની સમસ્યાઓ સુલઝાવવા માટે આપણે સધન પ્રયત્ન કરવો જોઈએ. પુરુષાર્થ આદરવો જોઈએ. આપણો પુરુષાર્થ વામણો પુરવાર થાય ત્યારે ભગવાનને અંતરના ઊંડાણથી પ્રાર્થના કરીએ છીએ. પરમાત્માથી સહાયની, શક્તિની, પ્રેરણાની યાચના કરીએ. આપણા પુરુષાર્થનો એકડો ઘુંટાય પછી જ પરમાત્માની મદદ મળી શકે.પુરુષાર્થના એકડા આગળ બુદ્ધિ, શક્તિ,પ્રેરણા,સહાયના મીંડા મૂકી પુરુષાર્થની કિંમત, શક્તિ અનેકગણી વધારી દે છે. આપણા પુરુષાર્થની જયોતને પ્રજ્જવલિત રાખવા માટે

પરમાત્માની કૃપાનું, મદદનું, આશીર્વાદનું ઇંધણ પુરાતું જ રહેશે. પુરુષાર્થની જયોત જલાવવાનો પ્રયત્ન આપણે ચાલુ રાખીશું અને પરમાત્મા મારી સાથે જ છે તેવી આત્મશ્રદ્ધા સાથે સમસ્યાઓને, સંઘર્ષોને સુલઝાવવાનો પ્રયત્ન કરીશું તો પરમાત્માની વિરાટ શક્તિ, બુદ્ધિ, પ્રેરણા આપણામાં સંક્રાંત થતી વર્તાશે જ.
પરમાત્માની ગેબી સહાય કોઈ વ્યક્તિના કે પરિસ્થિતિના રૂપમાં મળી હોય તેવા અનુભવો આપણા જીવનમાં ઘણી વખત બનતા હોય છે, જેને આપણે ઘણી વખત ચમત્કારમાં ખપાવીએ છીએ અને પરમાત્માની શક્તિનું અભિવાદન કરીએ છીએ. આપણે આપણા પુરુષાર્થનો એક હાથ લંબાવીશું તો પરમાત્મા તેમના હજાર હાથ લંબાવી મદદ કરશે જ. જરૂર છે આપણી અખૂટ શ્રદ્ધા, અનન્ય શરણાગતિ અને અથાગ પુરુષાર્થની.
પરમાત્માની વિરાટ શક્તિ કઈ રીતે કામ કરે છે અને પરમાત્મા સ્વયમ ક્યા સ્વરૂપે અવતરે છે – પ્રગટ થાય છે અને તેના ભક્તોને મદદ કરે છે તે નીચે દર્શાવેલા થોડા અનુભવોથી જોઈએ.
૧. ન્યુજર્સી અમેરિકામાં ચિંતન મુકેશભાઈ નામે એક યુવક મધરાતે મોટર વે પર ગાડી બગડી જવાથી
ની:સહાય દશામાં ઊભો હતો, અને માતાજી તેમજ ગુરુદેવને મદદ માટે પ્રાર્થના કરતો હતો. વિરુદ્ધ
દિશામાં જતી ગાડીમાંથી બે અમેરિકન ભાઈઓએ આ યુવાન ચિંતનને મદદ કરી અને તેની સાથે તેના
ઘરે જઈ તેના માતાપિતાને સોંપી આવ્યાં.તેઓએ કહ્યું કે “કોઈક અગોચર શક્તિએ અમને પ્રેરણા કરી
અને અમે મદદ માટે આવ્યા.

૨. રાજયોગીને કાંકણપુર ગામે જતાં રસ્તામાં લુંટારાઓએ લુંટી લીધા પણ લુંટારાનાં સરદારના કાનમાં
અવાજ સંભળાયો કે, “આ તો માતાજીનો ભક્ત છે તેને છોડી દો.” લુટારાનાં સરદારને આવું કહેનાર
કોણ હશે ?

૩. “સાહેબ તમને તો ઠંડું દૂધ ભાવે છે” એમ કહીને ગરમ દુધનો પ્યાલો કે જેમાં ગરોળીનો ગલ પડ્યો છે
તે ગ્લાસ વેઇટરના સ્વરૂપમાં આવીને કોણ બદલી ગયું?

૪. નરસિંહ મહેતા ની હૂંડી, કુંવરબાઈનું મામેરું, શામળશાના વિવાહ તેમજ માતા-પિતાના શ્રાદ્ધ વેળાએ
નરસિંહ મેહતાને સ્વયમ પરમાત્માએ માનવ રૂપ ધરીને મદદ કરી હતી.

૫. મીરાંબાઈ, સખુબાઈ ,સુરદાસ જેવા અનેક નામી – અનામી ભક્તોને પરમાત્માની દિવ્ય શક્તિએ જ
મદદ કરી છે.
ત્યાર બાદ જન્માષ્ટમીના પર્વ નિમિતે કોઈ પણ પ્રકારની માન્યતાથી રમતા જુગાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં તેઓશ્રીએ કહ્યું કે. જન્માષ્ટમી નિમિતે જુગાર રમવું સારું નથી. આ પર્વને દિવશે જુગાર રમનાર આવતાં ભવમાં ભીખારી થશે. તેઓશ્રીએ ભક્તોને કહ્યું કે, તમારા મિત્રોને પણ આ સમાચાર કહેજો. ૧૯૯૪-૧૯૯૫માં તેઓશ્રીએ શ્રીકૃષ્ણ સાથેની સરખામણીમાં લખેલ કવિતામાં કેટલીક પંક્તિઓ ઉમેરીને તેમણે વાંચી…

ખુદને ખબર નથી, હું શું લખી રહ્યો છું
શા માટે શ્રીકૃષ્ણને સરખાવી રહ્યો છું.
માતૃત્વ તણો સ્પર્શ યશોદાને શ્રીકૃષ્ણનો
માતૃત્વ તણો સ્પર્શ પરમેશ્વરીનો રાજયોગીને …..
ધારણ કર્યો હતો ગોવર્ધન અંગૂલિના સહારે
ધારણ કર્યું છે નીલોષા, સેવા તણા સહારે….
ધર્યું જ્ઞાન, જગતને ગીતા તણું ધર્યું કર્મ ,જગતને સેવા તણું …..


પરમાત્મા મનુષ્યરૂપે અવતાર લે છે ત્યારે અસુરો, આતંકવાદીઓના વિનાશ અને ધર્મની પુન:સ્થાપના તેમજ સંતોના રક્ષણ માટે જ ફક્ત અવતરણ નથી કરતાં પરંતુ પોતાના જીવન, કવન, વાણી, વર્તન, વ્યવહાર દ્વારા માનવજાત ને જીવન જીવવાની શીખ આપે છે. પરમાત્માની વિરાટ શક્તિને સમજવાનો પ્રયત્ન કરતાં રહીએ તેવા આશીર્વાદ સહ..

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી