જીવનને રામમય બનાવીએ

વ્હાલા અવધવાસીઓ,

આજે શ્રધ્ધામાં રાજસંગે રામજન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે. અવધમાં પરમાત્માનું રામજીના સ્વરૂપમાં અવતરણ થયું હતું. યુગો વીત્યા છતાં પણ રામજી લોકહૃદયમાં અંકિત થઈ ગયા છે. કોઈપણ મહાન આત્માઓ, સંતપુરૂષો, અવતારી પુરૂષોની જન્મજયંતિ ઉજવવા પાછળનો હેતુ તેમના જીવનકાળ દરમિયાનના તેમના વિચારો, કાર્યો, આદેશો અને આદર્શો થકી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસનો, અભ્યુદયનો સંદેશો જગતમાં પ્રસરાવવાનો છે. આવા મહાન દૈવી આત્માઓને પણ અસામાજિક તત્ત્વો, દુષ્ટ વ્યક્તિઓના દુર્વ્યવહારનો ભોગ બનવું પડે છે.

સ્વજનો સ્વજન સ્વર્ગ

સ્વજનો જન જનાજો.

માતા કૈકેયી સ્વજન હોવા છતાં જે રીતનો વ્યવહાર કરી, રામજીને વનવાસ મોકલ્યા અને દશરથ રાજાનો જનાજો નીકળ્યો. જો કૈકેયીએ દાસી મંથરાની વાતને વિવેકના ગરણે ગાળી હોત, સહનશીલતા દાખવી હોત તો ઈતિહાસમાં કૈકેયીનું સ્થાન અન્ય રાણીઓની હરોળમાં રહી શક્યું હોત. અધમ અને અલ્પ બુદ્ધિવાળી મંથરાની દ્વેષયુક્ત સલાહ વેળાએ કૈકેયીએ કાચા કાનના બનવું જોઈતું નહોતું. કાન ભંભેરણીથી કેટલાયના ઘર બરબાદ થતાં અને જીવન ઉજડતા અનુભવી શકાયાં છે.

માનવ મન ઈચ્છાઓ અને વાસનાઓનું કેન્દ્ર સ્થાન છે. સાત્વિક  અને અસાત્વિક વૃત્તિઓના પ્રવાહો મનમાં અવિરતપણે વહેતા જ હોય છે.

કઈ વૃત્તિનો વ્યાપ વધારે કે ઓછો છે, તેનો આધાર વ્યક્તિના વર્તમાન જીવનનો સંસ્કાર વારસો, ઉછેર માટે મળેલું વાતાવરણ, શિક્ષણ, સંગતિ અને ગત જન્મોજન્મના પ્રારબ્ધ કર્મનો વારસો તેના જીવનને પ્રભાવિત કરે છે. અશુભ, અસંસ્કારી, અસાત્ત્વિક સંસ્કાર વારસો, વાતાવરણ અને દુષ્ટ સંગતિ વ્યક્તિના જીવનને અધોગતિના પંથે દોરી  જાય છે.

મંથરા, કૈકેયી, ધોબી, વાલી, રાવણ, કુંભકર્ણ – આ બધા રામાયણના આસુરી, અસાત્વિક પાત્રો છે. આજે કોઈ માતાપિતા પોતાના બાળકોના નામ મંથરા, કૈકયી, વાલી, કુંભકર્ણ કે રાવણ રાખતાં નથી.

આજના ઉત્સવના શ્રોતાવર્ગને, વાચક વર્ગને જણાવું છું કે, આપ આપના મનને ઢંઢોળો, મનનું પૃથક્કરણ કરો, તટસ્થ ભાવે નિરીક્ષણ કરો કે, આપનામાં ક્યાંક

મંથરાની           –        કાનભંભેરણી – નિંદાવૃત્તિ,

કૈકયીની           –        કાચા કાનની વૃત્તિ, રાગદ્વેષ અને જીદ્દી વૃત્તિ

ધોબીની           –        નિંદા વૃત્તિ

કુંભકર્ણની        –        આળસ, પ્રમાદ અને અતિશય ઉંઘણશીવૃત્તિ

વાલીની           –        કામવૃત્તિ, વાસનાઓનો અઘટિત તૃપ્તિનો પ્રયાસ

રાવણની          –        છળ, કપટ, ચોરી, હિંસા, ઉપરાંત કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને

અહમવૃત્તિનો વાસ છે.

આપણા મનમાં કયું પાત્ર ઘૂસી ગયું છે, ક્યાં પાત્રનું પ્રાધાન્ય છે તેનું પરિક્ષણ તટસ્થભાવે કરવું જોઈએ.

આવા દુષ્ટ, અઘટિત પાત્રોની જમાવટ આપણી અંદર હોય તો તેને જાકારો આપવો જોઈએ, નિયંત્રણમાં રાખવા જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, વેરઝેર, નાસ્તિકતા, નિંદા, અભિમાન, રાગદ્વેષ, ચોરી, હિંસા વગેરે અશુભ વૃત્તિઓ આપણા દુશ્મનો છે. આપણી અંદર રહેલા રામતત્વને, સાત્વિક્તાને, સદ્દગુણોને અશુભ વૃત્તિઓના વાદળોએ ઢાંકી દીધા હોય છે, એટલે વ્યક્તિ અશિષ્ટ આચરણ કરવા પ્રેરાય છે.

આ અશુભ વૃત્તિઓને નિયંત્રણમાં રાખવી જોઈએ. વ્યક્તિએ દૃઢ મનોબળ કેળવવું જોઈએ. મનમાં ઉદ્ભવતા આવેગો, ઈચ્છાઓ, વાસનાઓની પૂર્તિ વિવેકના ગરણે ગાળીને પછી જ કરવી જોઈએ. ચિત્તમાં હંમેશા સદભાવનાઓ ભરવી જોઈએ. સદભાવના પ્રગટાવવા માટે સદગ્રંથોનું વાંચન, સ્વાધ્યાય, સત્સંગ, સદગુરૂનું શરણ અને સેવાનો માર્ગ અપનાવવો જોઈએ.

નીતિમય જીવન, નૈતિક મૂલ્યોનું પ્રતિવાદન કરવું જોઈએ. દૈનિક ઉપાસના પ્રાર્થના દ્વારા અશુભ વિચારો, ઉદ્વેગોને મનમાં ઉદ્ભવવા ન દો. એવો ભાવ કરો કે “પરમાત્મા મારી સાથે જ છે. હું પવિત્ર છું, પરમાત્માની કૃપા મારા પર વરસી રહી છે, પરમાત્મા મારું માર્ગદર્શન કરી રહ્યાં છે.” સ્વયમ્ પર અનુશાસન કરતાં શીખો. સત્યનો, પરમનો માર્ગ અપનાવવાથી અસત્, અશુભ વૃત્તિઓને નિયંત્રણમાં લાવી શકાશે.

આજના પાવન દિવસે દૃઢ સંકલ્પ કરો કે,

“મારે રામ જેવા મર્યાદા પુરુષોત્તમ બનવું છે.”

“મારી ભીતરમાં અને મારા કુટુંબમાં, રામરાજ્યની સ્થાપના કરવી છે, રામરાજ્યનો અનુભવ કરવો છે.”

“મારે ભરત જેવો ભાતૃપ્રેમ, કેળવવો છે.”

“મારે લક્ષ્મણ અને ઉર્મિલા જેવી સહનશીલતા અને ત્યાગનો ભાવ કેળવવો છે.”

“મારે સીતા જેવી પવિત્રતા, પતિવ્રતાના ગુણો કેળવવા છે.”

“મારે હનુમાન જેવા સંનિષ્ઠ સેવક બનવું છે.”

“મારે કૌશલ્યા અને સુમિત્રા જેવા આદર્શ ઘરના વડીલ બનવું છે, સાસુના સ્વરૂપમાં ‘મા’

  બનવું છે.”

“મારે રામમય બનવું છે.”

આપનો સંકલ્પ સિદ્ધ થાય તેવા આશીર્વાદ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી