માનવજીવનમાં મર્યાદા

વ્હાલા રામજીના વ્હાલા બાળકો,

આજે રામનવમી છે, આજે અયોધ્યામાં પરમાત્માએ પરમ પુનિત માતાપિતા દશરથ રાજા અને કૌશલ્યાજીના પવિત્ર ગૃહસ્થયના ફળસ્વરૂપે રામજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું.

પરમાત્માએ સંસારની રચના કરી પોતાના જ બાળકોમાં પ્રેમ, કરુણા, દયા અને મર્યાદાના ગુણો પ્રસ્થાપિત કરવા માટે માનવરૂપ ધરીને પોતાના આચરણ દ્વારા પોતાના આદર્શો રજૂ કર્યા અને જગતના લોકોને જીવન જીવવાનો સીધો, સરળ અને મર્યાદાયુક્ત માર્ગ બતાવ્યો. રામજન્મ ઉત્સવની ઉજવણીનો મર્મ સાર્થક કરવા માટે આપણે રામજીના જીવનના આચરણને અને આદર્શોને આપણે દૈનિક જીવનમાં અપનાવવા જરૂરી છે. દર વર્ષે ઉજવાતો આ મહાઉત્સવ આપણી વિસરાતી, ઘસાતી, ભૂલાતી યાદોને સંકોરે છે, તાજી કરે છે.

સાંપ્રત સમયમાં માનવજીવનના દરેક ક્ષેત્રમાંથી પ્રેમ અને મર્યાદાનું, નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આર્ય સંસ્કૃતિ, ધાર્મિક વૃત્તિ અને સાત્ત્વિક સંસ્કારો વિસરાતા જાય છે. સાત્ત્વિક જીવનશૈલીનો હ્રાસ થઈ રહ્યો છે. બે કિનારા વચ્ચે વહેતી નદી લોકમાતા કહેવાય છે, અને લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ અર્પી શકે છે, પરંતુ બે કિનારાની મર્યાદા તૂટી જતાં નદી લોકોમાં વિનાશનું, અરાજકતાનું તાંડવ સર્જે છે.

શીલ અને સુસંસ્કૃતિ માનવજીવનની બે મર્યાદા છે. શીલ અને સંસ્કૃતિની મર્યાદા તૂટી જાય છે ત્યારે માનવ જીવન, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રની આબરૂ, પ્રગતિ છિન્ન ભિન્ન તારાજ થઈ જાય છે.

અમર્યાદિત જીવનશૈલીમાંથી જ અનાથાલયો, વૃદ્ધાશ્રમો, વિકાસગૃહોનો ઉદ્ભવ થયો છે. અસમતુલ, અસંયમિત કુટુંબ પ્રથા, અસમતુલ દામ્પત્યજીવન, આત્મહત્યા, વિગેરે દૂષણો પણ અમર્યાદિત જીવનશૈલીની જ નિપજ છે.

આજના યુવાન યુવતીઓનો અશ્લિલ અમર્યાદિત પહેરવેશ, વાણી, વર્તન અને વ્યવહાર એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ માત્ર જ છે, જે આપણી યુવાપેઢીના શીલ, સંસ્કાર અને આપણી આર્ય સંસ્કૃતિને લૂંટી રહી છે. અનુચિત વાણી, વર્તન, વ્યવહાર, ઉત્તેજિત્ત ખાણીપીણી, રાત્રિ કલબો, અશ્લિલ મીડીયા પ્રદર્શન-દૃશ્યો વિગેરે દૂષણોએ માણસોમાં માનસિક, શારીરિક અને સામાજિક રોગો ઉત્પન્ન કર્યા છે.

પરમાત્મા પોતાના જ બાળકોમાં સાત્ત્વિક પરિવર્તન લાવવા માટે પોતાના જ પ્યારા સાત્ત્વિક સજ્જનો, સંતો, સદગુરૂઓને જવાબદારી સોંપે છે અને જરૂર પડ્યે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે છે.

મારી તો અંતઃકરણની ભાવના અને લાગણી છે કે, વૈજ્ઞાનિક, યાંત્રિક અને આર્થિક પ્રગતિની સાથે સાથે આપણી આર્ય સંસ્કૃતિ, નૈતિક મૂલ્યો, સુસંસ્કાર અને સાત્ત્વિકતાસભર જીવનશૈલીની પણ પ્રગતિ થવી જોઈએ.

આપણી શિક્ષણ સંસ્થાઓ, રાજ્યસત્તાઓ, માતાપિતા અને યુવાન – યુવતીઓ પોતાના કાર્યક્ષેત્રમાં નૈતિક મૂલ્યોને અપનાવે, મર્યાદામુક્ત વ્યવહાર કરે, તો આપણી લુપ્ત થઈ રહેલી આર્ય સંસ્કૃતિને પુનર્જિવિત કરી શકાય.

શાળા- કોલેજના વિધાર્થીઓ અને શિક્ષકો વચ્ચે ગુરૂ-શિષ્યની ગરિમા સચવાવવી જોઈએ. બાળમંદિરથી જ આ ગુરૂ શિષ્યનો વાત્સલ્યયુક્ત પવિત્ર સંબંધ પ્રસ્થાપિત થવો જોઈએ. બાળમંદિરથી જ પવિત્ર મર્યાદાઓની બુનિયાદ રચાવવી જોઈએ. બાળમંદિર, નર્સરી, પ્રાયમરી સ્કૂલ કે જ્યાં બાળ માનસનું ઘડતર થઈ રહ્યું છે ત્યાં સમજદાર, વાત્સલ્યસભર, પીઢ સંસ્કારી, શિક્ષિત, વિવેકી વર્તન, સહૃદયી પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા શિક્ષકોની નિમણૂંક થવી જોઈએ. બાળ માનસમાં સંસ્કારનું સ્વસ્થ, સાત્ત્વિક બીજારોપણ થાય તો જ ભાવિ યુવાન નાગરિક આપણા સુસંસ્કાર, સુસંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોની ધૂરા સંભાળી શકે.

કુટુંબ, સમાજ અને રાષ્ટ્રમાં રામરાજ્યની સ્થાપના, રામરાજ્યનું વાતાવરણ, પ્રસ્થાપિત કરવા માટે સાત્ત્વિક સંતો, સદગુરૂના સલાહ-સૂચન, માર્ગદર્શન અને આશીર્વાદને આવકારવા જોઈએ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી