સદભાગ્યનું નિર્માણ કરીએ

શિવ પરમાત્માના વ્હાલા બાળકો,

આજે શિવાલયમાં ભાવિકોની ભીડ જામશે. શિવલિંગ બિલ્વપત્રોથી આચ્છાદિત થઇ જશે. જળ અને દૂધનો અભિષેક થશે. વિવિધ વ્યંજનોથી શિવલિંગની પૂજા કરવામાં આવશે. ૐ નમઃ શિવાય ના નાદથી શિવાલય ગૂંજી રહેશે. રુદ્રી પાઠ, શિવમહિમ્ન સ્તોત્ર પાઠ, મંત્રજાપ વિગેરે ભાવ ભક્તિથી આજનું પર્વ ઉજવાશે. પ્રતિવર્ષ આ પ્રમાણેનો પર્વ ઉજવણીનો શિરસ્તો ચાલુ રહે છે. શિવાલયમાંથી બહાર નીકળ્યા પછી કે પર્વ ઉજવણી પતી ગયા પછી સંસારમાં પ્રવેશ પામતાં જ માણસ માયામાં ખોવાઈ જાય છે. શિવમય બનેલું મન, માયાના વમળમાં ખેંચાઈ જાય છે.

આપણું શરીર પણ એક શિવાલય જ છે.

શિવતત્વનો આત્મતત્વ કે પ્રાણતત્વના રૂપમાં તેમાં (શિવાલયમાં) નિરંતર વાસ છે. શિવતત્વની સાથે જીવતત્વનું નિરંતર જોડાણ – અનુસંધાન થતું રહે, આપણું મન સદાય શિવ પરમાત્માના સ્મરણમાં જ રમમાણ રહેતું હોય તો જ મહાપર્વના હાર્દને આત્મસાત્ કરી શકાય, માણી શકાય.

શિવતત્વ એ જ્ઞાન અને સદગુણોનો સાગર છે. આપણી અંદર વિલસી રહેલ શિવતત્વને પામવા માટે, અનુભૂતિ કરવા માટે આપણે આપણાં જીવતત્વ પર છવાયેલા માયાવી વાદળો, દુર્ગુણોના જાળા, અસાત્વિક આચાર વિચારને વિદારવા પડે. સદગુણોની વેલને પોષવી પડે અને પાંગરવા દેવી પડે. સદગુણો થકી જ આપણે આપણાં સદભાગ્યનું નિર્માણ કરી શકીએ.

આજે અંતરના ઊંડાણથી, ભાવનાની ભરતીથી શિવ પરમાત્માને પ્રાર્થના કરીએ કે,

“પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ”

આપણી ભાવવાહી પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે પ્રેરણાનો સ્ત્રોત અને સાત્વિક શક્તિનો પ્રવાહ આપણી અંદર વહેવા લાગે છે. આપણું સદભાગ્ય નિર્માણ કરવાનો પુરૂષાર્થ આપણામાં જાગૃત થાય છે.

પરમાત્માની કૃપા અને પ્રેરણા,

આપણી સાત્વિક બુદ્ધિ અને

આપણો સાત્વિક પુરુષાર્થ

આ ત્રણેનો ત્રિવેણી સંગમ આપણું સદભાગ્ય નિર્માણ કરવાનું બળ પુરું પાડે છે. આપણાં સાત્વિક પુરુષાર્થથી સદગુણોને અપનાવીએ, વિકસાવીએ અને નવપલ્લવિત રાખીએ. સત્સંગ, સ્વાધ્યાય અને ધ્યાનની પ્રક્રિયા દ્વારા સાત્વિક જ્ઞાન સંપાદન કરીએ અને સ્વ તેમજ સમષ્ટિના ઉત્કર્ષ માટે, શ્રેય માટે તેનો વિનિયોગ કરીએ. જ્ઞાનનો ઉદય થવાથી અને સદગુણોનો વ્યાપ વધવાથી મન અને ઈન્દ્રિયોનાં વિકારો, વ્યાપારો આપોઆપ જ નિયંત્રણમાં આવી જશે. માયામય બનેલ જીવ શિવમય બનવા લાગશે.

આપણાં સદભાગ્યનું નિર્માણ કરવા માટે મારા અનુભવસિધ્ધ નીચે દર્શાવેલ સદગુણોથી આપણા વ્યક્તિત્વને વિભૂષિત કરીએ અને શિવ-જીવની ઐક્યતા, અદ્વૈત સાધીએ.

(૧)     સરળ સ્વભાવ કેળવીએ.

(૨)     સમત્ત્વ – સમતા ભાવ રાખીએ.

(૩)     સંયમ – વાણી, વર્તન અને વ્યવહારમાં સંયમ રાખીએ.

(૪)     પ્રમાણિક રહીએ.

(૫)     મધુર – વાણીમાં, નિખાલસતા અને મીઠાશ દાખવીએ.

(૬)     પ્રમાણિકતા અપનાવીએ.

(૭)     પુરુષાર્થી બનીએ.

(૮)     સ્વાવલંબી બનીએ.

(૯)     શિસ્તના આગ્રહી બનીએ.

(૧૦)   સદાય પ્રસન્ન અને આનંદમાં રહીએ.

(૧૧)   નિર્ભય બનીએ.

(૧૨)   નિરાભિમાની બનીએ.

(૧૩)   વિવેકી બનીએ.

આપના જ્યોતિર્મય જીવનની શુભકામના સહ આશીર્વાદ..

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી