વ્હાલા આત્મીયજનો,
માનવતા દિનના શુભ અવસર પર પરમ શક્તિના વહાલા બાળકોની શ્રદ્ધાસભર હાજરીથી મા-બાળ હરખાઈ રહ્યાં છે.
આજે હું માનો બાળ માતાજીની અસીમ કૃપાથી જીવનયાત્રાના ૮૧માં સોપાન પર પ્રવેશી રહ્યો છું. આજે મારી આધ્યાત્મિક નવચેતનાનો ૩૭મો વસંતોત્સવ છે. હું રાજયોગી નરેન્દ્રજી, મા ભગવતીનું નૂતન નામાભિધાન થયેલ, યૌવનમાં પ્રવેશી રહ્યો છું.
કિસ્મતની કિતાબ દરેક વ્યક્તિ જન્મની સાથે જ લઈને આવે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આપણા સૂક્ષ્મ શરીરના ઘટકો છે જે સૂક્ષ્મરૂપે દરેક વ્યક્તિના જન્મની સાથે જોડાયેલાં જ હોય છે. આમાં જે ચિત્ત છે તે જ ચિત્રગુપ્તનો ચોપડો, જેમાં આપણા જન્મોજન્મના સંચિત કર્મોની ગતિવિધિ નોંધાઈ જાય છે. પરમાત્માની એ વ્યક્તિગત માઈક્રોચીપ્સ અતિ ગહન છે. આપણી કિસ્મતની કિતાબનું એક એક પાનું દરરોજ ઉઘડતું જાય છે અને અનુભવાતું જાય છે. જન્મોજન્મના પ્રારબ્ધ કર્મને ભોગવવાની સાથે સાથે આપણે આ જન્મમાં સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવા માટે સ્વતંત્ર છીએ. ફળની અપેક્ષાથી કરાતું સાત્વિક કે અસાત્વિક કર્મ બંધનકર્તા હોય છે.
સાત્વિક સુસંસ્કાર, સાત્વિક વાતાવરણ, સત્સંગ અને પરમની કૃપાશિષ – પ્રેરણાથી જ આપણે આધ્યાત્મિક પંથના યાત્રી બની શકીએ. આધ્યાત્મિક પંથ જ આપણું સાત્વિક પ્રારબ્ધ, સાત્વિક જીવન નિર્માણ કરી આપણને પરમના પ્યારા બનાવી શકે.
પાંચમી સપ્ટેમ્બર ૧૯૭૬ની મધ્યરાત્રિએ મારી કિસ્મતની કિતાબનું પાનું ખુલ્યું. માતાજીએ સ્વયમ્ પ્રત્યક્ષ પધારીને મારી જીવનયાત્રાને સેવાના ક્ષેત્રમાં વળાંક આપીને નૂતન જીવન જીવવાનો રાજમાર્ગ કંડારી આપ્યો. માતાજીનો દિવ્ય પ્રકાશ અને પ્રેરણા મારા જીવનની દીવાદાંડી સમાન છે.
મારા ચાહકો, ભાવિકો, આધ્યાત્મિક પંથના સાચા યાત્રિક બની રહે અને પરમના પ્યારા બની રહે તેવો પ્રયત્ન હું હંમેશાં કરતો રહું છું, મારા પ્રયત્નની સાથે તમારી શ્રદ્ધા, ક્ષમતા અને સહયોગ તો જોઈશે જ ને ?
આપણે આધ્યાત્મિક પંથના યાત્રિક બની રહ્યા છીએ તેની પ્રતીતિ આપણને કેવી રીતે થાય ? નિયમિત ઉપાસના, ભક્તિ, સત્સંગ, પ્રાર્થના વગેરે આયામો આધ્યાત્મિક પંથની પા-પા પગલી જ ગણાય.
આપણું જીવન આત્મચેતના, આત્મશક્તિ અને આત્મબળથી સભર બની જવું જોઈએ. આપણા વાણી, વર્તન, વ્યવહારમાં એકરૂપતા વર્તાય. નવસિદ્ધાંતો આપણા જીવનનો આદર્શ બની જવો જોઈએ. જીવન સરળ અને સહજ રીતે જીવાય, સમત્વભાવ, સંયમ, સહનશીલતા, સાત્વિકતા અને સ્વઅનુશાસન જેવા સદગુણો જીવનમાં પ્રાંગરવા માંડે. આપણી પ્રકૃતિમાં પરિવર્તન આવી જાય. મનના વિચારો ઉર્ધ્વગામી, તેજોમય, સકારાત્મક બની જાય, અથવા બનવા લાગે. આપણે પરમના અને પરમની સૃષ્ટિના સ્વજન બની જઈએ. આપણા જીવનનું સાત્વિક પરિવર્તન એ જ આધ્યાત્મિક પ્રક્રિયા છે.
પરમના પ્યારા બાળકો, આપણે સામાન્ય ક્ષુદ્ર નિર્બળ, નિઃસહાય નથી જ. અજ્ઞાન, અશ્રદ્ધા, અંધશ્રદ્ધા, નિષેધાત્મક વૃત્તિ અને નકારાત્મક વલણથી આપણા આત્માનું ઓજસ ઢંકાઈ ગયું છે. આપણે અજ્ઞાનના, ક્ષુદ્ર માન્યતાના ખાબોચિયાની પાળ તોડીને આપણા ચૈતન્યના ઘૂઘવતા સાગરમાં ભળી જવાનું છે. પરમની ચેતના આપણા રોમેરોમમાં પ્રવાહિત કરી દઈને આપણી અંદર વ્યાપેલા કલ્મશ, તમસને દૂર કરી દઈએ.
આપણે આધ્યાત્મિકતાના રાજમાર્ગ પર યાત્રા કરી રહ્યાં છીએ અને આપણામાં નૂતન જીવનનો સંચાર થઈ રહ્યો છે. તેનો તટસ્થભાવે અનુભવ કરવો હોય તો આપણા જીવનમાં નીચે પ્રમાણે પરિવર્તન અનુભવી શકાય.
૧. આપણા દરેક વ્યવહારમાં વિવેક, વિનય, વિનમ્રતા સરળતા વર્તાય.
૨. નિર્મળ, નિર્દોષ, નિર્દંભ વ્યક્તિત્વ બની જાય.
૩. સમસ્ત અસ્તિત્વમાંથી પ્રેમનો પ્રવાહ અને કરૂણા વહ્યા કરે.
૪. “હું પરમાત્મામય છું અને પરમાત્મા મારી સાથે જ છે”, એવા અહેસાસ હંમેશા થયા કરે.
૫. પરમની કૃપાશિષ, પ્રેરણા, શક્તિનો પ્રવાહ અહર્નિશ વહી રહ્યો છે તેવો અહેસાસ થયા કરે. વ્હાલા બાળકો, આપનું જીવન આધ્યાત્મિક રંગથી રંગાયેલું જ રહે તેવા શુભાશિષ સાથે…