વ્હાલા આત્મીયજનો,
ગુરૂપૂર્ણિમાના આડત્રીસમાં ઉત્સવમાં આપ સર્વે ભાવિકો ભાવગંગામાં ભીંજાતા ભક્તિરસનું રસપાન કરતા, આપના પ્રેમસ્પંદનો મારા અસ્તિત્વને પુલકિત કરી રહ્યાં છે. આજનો મંગલદિવસ આપનો આધ્યાત્મિક જન્મદિવસ કહેવાય. આપ સર્વે ધર્મ અને આધ્યાત્મિક પંથના યાત્રીઓ બની રહો અને આપના જીવન ધ્યેયને હાંસિલ કરવા સાત્વિક પુરૂષાર્થ કરતા રહો તેવા મારા આશીર્વાદ છે.
આજના શુભ દિવસે સદગુરૂદેવના ભાવજગતમાં નવા ભાવિકો પદાર્પણ કરે છે અને સીનીયર (જૂના) ભાવિકો આત્મિક વિકાસનું મૂલ્યાંકન કરી જીવનયાત્રાને પરમના પ્રેમ પ્રદેશમાં ગતિ કરાવી રહ્યા છે.
ગુરૂપૂર્ણિમાનો મહિમા સદગુરૂદેવના દર્શન, ચરણવંદના અને આશીર્વાદમાં જ સિમિત થઈ જતો નથી. પૂર્ણિમાના ચંદ્રની જેમ આપનું જીવન પણ પૂર્ણ રીતે ખીલી રહે, વિકાસ પામતું રહે. તેવો સંકલ્પ કરવાનો મહિમાં દિવસ છે.
મારી દ્રષ્ટિએ અને મારા મંતવ્ય અનુસાર ભાવિક ભક્તોએ ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે નૂતન જીવન માટે નીચે દર્શાવ્યા પ્રમાણે સંકલ્પબધ્ધ થવાનું છે.
૧. જીવન પરિવર્તન કરવાનું છે. નૂતન જીવન પ્રાપ્ત કરવાનું છે.
૨. ગુરૂતત્વને આત્મસાત કરવાનું છે. સદગુરૂદેવના આદેશો અને આદર્શોને વ્યવહાર જગતમાં અપનાવવાના છે.
૩. આત્મચેતનાને જાગૃત કરવાની છે અને ઉર્ધ્વગામી બનાવવાની છે.
૪. જીવનના કલ્મશને વિદારવાનો અને સાત્વિકજ્ઞાનના પ્રકાશને આત્મસાત્ કરવાનો છે.
૫. જીવનયાત્રાને ધર્મમય બનાવવાની છે.
૬. આધ્યાત્મિક પંથે ગતિ – પ્રગતિ કરવાની છે.
૭. જીવને શિવમય બનાવવાનો છે.
વ્હાલા બાળકો, અનન્ય શ્રધ્ધા અને સંપૂર્ણ શરણાગતિની સાથે સાથે નવસિધ્ધાંતોને જીવનમાં અપનાવવાનો પુરૂષાર્થ ચાલુ રાખીશું તો નૂતન જીવનમાં પરમાત્માની પરમશક્તિનું બળ પ્રાપ્ત થતું જ રહેશે.
પરમમય બનવાના જીવનના ધ્યેયને આત્મસાત કરવાનો રાજમાર્ગ તો મેં કંડારી આપ્યો છે. આપનું જીવન ધર્મમય બને, આપ આધ્યાત્મિક પંથના યાત્રી બનો તેવી સાત્વિક જીવનશૈલી અપનાવવાનો અનુરોધ હું કરતો જ રહું છું. આપના જીવનવ્યવહારમાં તેનું આચરણ કરવાનો સંકલ્પ અને પુરૂષાર્થ તો આપે કરવો જ પડશે ને ?
ધર્મમય જીવન એટલે શું ?
ધર્મમય જીવનમાં પોતાના ઈષ્ટદેવમાં સંપૂર્ણ શ્રધ્ધા અને શરણાગતિ પાયાની જરૂરિયાત છે, આપણી ફરજ પ્રત્યેની નિષ્ઠા અને નૈતિકમૂલ્યોનું પ્રતિપાદન ધર્મમય જીવનનું એક અંગ છે. આપણા ઈષ્ટદેવની પૂજા, અર્ચના વિધિવિધાન, ભજન, કીર્તન, દર્શન વિગેરે આયામોમાં જ ધર્મ સીમિત થઈ જતો નથી.
આપણા વ્યક્તિત્વમાં અને જીવનવ્યવહારમાં સદગુણોનો વ્યાપ વધે, સંતોષ, સહનશીલતા, ક્ષમા, સંયમ, સર્વધર્મ સમભાવ, સત્ય, પ્રેમ, કરૂણા અને સેવાના ગુણો વિકસે ત્યારે જ આપણે ધાર્મિક કહેવાઈએ, ધર્મમય જીવનના અધિકારી બની શકીએ.
આધ્યાત્મિકતા એટલે શું ?
ધર્મમય જીવનમાંથી જ આધ્યાત્મિકતાનો આવિર્ભાવ થાય છે. પરમની સૃષ્ટિના પ્રત્યેક જડચેતન સર્જનમાં આત્મભાવ જાગે, સર્વ પ્રત્યે પ્રેમ, દયા, કરૂણા અને સેવાનો ભાવ જાગે, આત્માનો અન્ય જીવનના આત્મા સાથે આત્મીયભાવ પ્રસ્થાપિત થાય, સ્વજનનો ભાવ વિકસે અને પરાયાનો ભાવ નાબુદ થઈ જાય, સમત્વનો ભાવ જાગે. વિશ્વબંધુત્વની ભાવના કેળવાય, ત્યારે જ આપણે આધ્યાત્મિકતાને આત્મસાત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ તેમ કહી શકાય.
સત્ય, પ્રેમ, કરૂણા અને સેવાના આભૂષણો સાથે આપ સર્વે નૂતનજીવનને શોભાયમાન અને ગૌરવવંતુ બનાવો તેવા શુભાષિશ સાથે…
પ્રેમી બનીને આવ્યો છું, પ્રેમ કરતો રહીશ.
દુનિયાના સર્વ દુઃખોને, દૂર કરતો રહીશ.
ખેલતો રહીશ, કુદતો રહીશ, આધ્યાત્મિક ક્રાંતિ સર્જતો રહીશ, દુનિયાના સર્વ દુઃખોને, દૂર કરતો રહીશ.