ઉપાસનાના ગૌરી શિખરને સર કરીએ

પરમના પ્યારા વ્હાલા આત્મીયજનો,

આજથી સત્તાવીસ વર્ષ પહેલા તા. ૯-૧૨-૧૯૮૯ ના દિવસે        મા ભગવતી ગાયત્રી માતાજીએ શ્રધ્ધા ધામમાં મંગલાચરણ કર્યું હતું. શ્રધ્ધામાં માતાજીએ નિવાસ કર્યો, પોતાનું નિજધામ બનાવ્યું. સવા કરોડ મંત્રજાપની હસ્તલિખિત પ્રતોથી સમગ્ર વાતાવરણ આંદોલિત થઈ રહ્યું છે. માતાજીના પાટોત્સવના આ પાવન પર્વને ઉપાસના પર્વ તરીકે ઉજવવાનો ક્રમ સ્વીકાર્યો છે.

શ્રધ્ધા તીર્થમાં શ્રધ્ધાવાન ભાવિકોની ભક્તિને પુષ્ટ કરી માતાજીએ વાત્સલ્યની ગંગાને વહેતી કરી છે. શ્રધ્ધા ધામમાં દરરોજ સંધ્યા ટાણે સત્સંગ, જ્ઞાનગોષ્ઠિ અને આધ્યાત્મિક વાતો, અનુભવો, ભજનથી વાતાવરણમાં આનંદ, સાત્વિકતા, સકારાત્મકતા પ્રસરી રહે છે.

આજના ઉપાસના પર્વે આપણે આપણી વ્યક્તિગત ઉપાસનાનો વિકાસ કરીએ અને જીવનને શિવમય બનાવીએ. મારા આધ્યાત્મિક અનુભવના આધારે આપણે નીચે દર્શાવેલ ઉપાસનાના શિખરને સર કરવા અને શિવત્વને અનુભવવા માટે, પામવા માટે ક્રમશઃ નવ સોપાનો સર કરીએ અને આપણી જીવનયાત્રાને આધ્યાત્મિકતાના રંગે રંગી દઈએ.

નવ સોપાનો –

(૧)     ઉપાસનામાં સમય, સંયમ, શિસ્ત, શ્રધ્ધા, શરણાગતિ, પ્રેમ અને ઈષ્ટ પ્રત્યે આત્મીયભાવ જરૂરી છે.

(૨)     પરમની જડ ચેતન સૃષ્ટિમાં આત્મીયભાવ કેળવીએ.

(૩)     બાળક સમ નિર્દોષ, નિર્મળ, સરળ બનીએ.

(૪)     સાત્વિકતા, સકારાત્મકતા, સદગુણો અને સેવાથી જીવનને  શણગારીએ.

(૫)     અનાસક્ત ભાવે કર્મ કરી મુક્તિમાર્ગના અધિકારી બનીએ.

(૬)     આધ્યાત્મિક સંપત્તિને આત્મસાત કરીએ.

(૭)     વાણી, વર્તન, વ્યવહારમાં એકરૂપતા દાખવીએ.

(૮)     મન, વચન, કર્મથી પવિત્ર રહીએ.

(૯)     મંત્રજાપ, નામસ્મરણ, પ્રાર્થના, ધ્યાન, સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ ને


ઉપાસનાના અવિભાજ્ય અંગ બનાવીએ.

ઉપાસનાના ગૌરી શિખર પર બિરાજીત આપણા ઈષ્ટદેવ- શિવ પરમાત્માને પામવા માટે આપણે નવ સોપાનો સર કર્યા હોય કે કરવા પ્રયત્ન થઈ રહ્યો હોય તો આપણા આંતરબાહ્ય વ્યક્તિત્વમાં, વ્યવહારમાં શું-કેટલું પરિવર્તન આવ્યું છે તે પણ આપણે જોવું જોઈએ ને!

આપણે જ આપણું સ્વમૂલ્યાંકન કરીએ અને આપણા આધ્યાત્મિક વિકાસનું પરિક્ષણ કરીએ.

મારી ઉપાસનાના સાતત્યથી :-

(૧)     મારી શ્રધ્ધા અને શરણાગતિનો વ્યાપ વધ્યો છે?

(૨)     મારા જીવનમાં નિર્ભયતાનો ભાવ પ્રગટી રહ્યો છે?

(૩)     મારામાં સદગુણો, સાત્વિકતા અને પ્રમાણિકતાનો આવિર્ભાવ થઈ રહ્યો છે?

(૪)     નવ સિદ્ધાંતોનું અનુસરણ થઈ રહ્યું છે?

(૫)     મન, વચન, કર્મની એકરૂપતા-પવિત્રતા જાળવવા સજાગ રહી શકું છું?

(૬)     “ચાર માસ્ટર કી” પ્રેમ, જ્ઞાન, સહન અને ક્ષમાના ગુણને આત્મસાત કરી શકું છું?

(૭)     અન્ય ધર્મ, સંપ્રદાય, સંતો પ્રત્યે માન, આદર, સંવેદના ધરાવી શકું છું?

(૮)     શ્રધ્ધા-અંધશ્રધ્ધા, રિવાજો-કુરિવાજો, રૂઢિ ચુસ્તતા વિગેરે પરિબળોમાં વિવેકયુક્ત ક્રાંતિ સર્જી શકું છું?

(૯)     પરમની પ્રેરણા, અવાજ, અનુભવ અને પ્રાર્થનાનો પ્રતિસાદ હું

અનુભવી શકું છું? સમજી શકું છું?

વ્હાલા બાળકો, આપણી ઉપાસના હંમેશા ચેતનવંતી, ગતિશીલ, વિકાસશીલ બની રહેવી જોઈએ. આશીર્વાદ સહ ૐ મા ૐ

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી