સાત્વિક જીવનના યાત્રીઓ,
રામનવમીના પાવન પ્રસંગે રામરાજ્યના માહોલ સમા શ્રધ્ધા ધામમાં આપ સર્વેનું અભિવાદન કરતા હું આનંદ અનુભવી રહ્યો છું. આપની જીવનયાત્રા આનંદયાત્રા બની રહે અને રામરાજ્યની અનુભૂતિ કરતા રહો તેવી શુભેચ્છા.
સૂર્યવંશી શ્રીરામચંદ્રજીએ સાત્વિક પુરૂષાર્થી જીવનનો આદર્શ સમાજમાં વહેતો કર્યો અને સાચા સંનિષ્ઠ કર્મયોગી બની લોકહૃદયમાં પોતાનું સ્થાન અંકિત કર્યું.
હું રાજયોગીજી ભારદ્વાજ વંશજ, ઋષિ સંસ્કારને આત્મસાત કરી, નિ:સ્વાર્થ સેવામાં જીવન સમર્પિત કર્યું અને કરતો રહું છું. નિ:સ્વાર્થ સેવાને મેં મારો જીવનમંત્ર બનાવ્યો છે. મા ભગવતીની પ્રેરણા, માર્ગદર્શન મને અવિરત મળતા રહે છે, મારા જીવનમંત્ર સેવાને સૃષ્ટિમાં પ્રસરાવતો રહું તેવી મારી ઈચ્છા છે, મારો સંકલ્પ છે. મારા સંકલ્પને કાર્યાન્વિત કરવા માતાજી સાથે હું અનુસંધાન સાધતો રહું છું, પ્રેરણા, માર્ગદર્શન મેળવતો રહું છું. જગતના માણસો સકારાત્મક, સાત્વિક જીવન જીવે તેવી મારી હૃદયની ભાવના છે. મા ભગવતી પાસે મારી બાળસહજ પ્રાર્થના છે કે જગતના માનવો, સર્વ જીવો, સુખ શાંતિથી જીવે, અન્યને જીવવા દે અને સુખશાંતિનું સામ્રાજ્ય પ્રસરી રહે તેવી મારી ઈચ્છા છે, મારો સંકલ્પ છે. મારા સંકલ્પના ત્રણ ચરણ છે.
૧. નવી સૃષ્ટિની પરિકલ્પના – પ્રથમ ચરણ
જ્યારે પણ પરમાત્મા નવી સૃષ્ટિનું સર્જન કરે ત્યારે માતાજીને મારી પ્રાર્થના છે કે મને તેમની કમિટીમાં બોલાવે.
મારી ભાવના એવી છે કે સૃષ્ટિના જડ, ચેતન જીવોમાં ક્યાંય અસુખ, અસુવિધા કે અરાજકતા રહે નહીં. દરેક જીવના વિચાર, વાણી, વ્યવહારમાં સકારાત્મકતા જ રહે.
૨. નૈતિક મૂલ્યોનું પરિમાર્જન – દ્વિતીય ચરણ
વર્તમાન સૃષ્ટિમાં સાત્વિકતા, સંસ્કારિતા અને સહિષ્ણુતાના વાતાવરણ માનવ જીવનમાં પ્રસરી રહે તેવા શુભ આશયથી નવજાત શિશુથી પાંચ વર્ષ સુધીના નિર્દોષ બાળકના અણુએ અણુમાં સકારાત્મકતા, સાત્વિકતા પ્રસરી રહે તે હેતુથી બાળકની જીભ પર તુલસીપત્રની દાંડીથી ૐ મા ૐ લખવું અને જમણા કાનમાં નવ સિધ્ધાંતનું પઠન કરવું. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુસ્વાસ્થ્ય માટે આ પ્રયોગ છેલ્લા દસ વરસથી કરવામાં આવી રહ્યો છે. આ પ્રયોગના સારા પરિણામો અનુભવાય છે. આવા બાળકોમાં અને યુવાનોમાં તેજસ્વિતા, સંસ્કારિતા વર્તાય છે.
૩. પાપ કર્મ મુક્તિ કવચ – તૃતીય ચરણ
સાત્વિક સૃષ્ટિ નિર્માણના ત્રીજા ચરણમાં જગતના માણસોના માનસમાં સાત્વિકતા, સકારાત્મકતા અને સંસ્કારીતાનો વ્યાપ વધે, ધર્મ અને અધ્યાત્મનું અનુસરણ કરે તેમજ અત્યાર સુધીના જીવનમાં જાણ્યે અજાણ્યે થયેલા પાપકર્મમાંથી મુક્ત થઈ સાત્વિક જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ કરે તેવા શુભ આશયથી, માતાજીના આદેશ અને પ્રેરણાથી પાપ કર્મ મુક્તિ કવચ અભિમંત્રિત કરેલ છે. પચીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના ભાવિક શ્રધ્ધાળુ વ્યક્તિ ધર્મ અને અધ્યાત્મના માર્ગનું જ અનુસરણ કરવાનો દ્રઢ સંકલ્પ કરે તેવી વ્યક્તિને જ પાપ મુક્તિ રક્ષા કવચનો સ્પર્શવિધિ એક જ વખત કરવાથી અત્યાર સુધીના જીવનમાં જાણ્યે અજાણ્યે થયેલા પાપ કર્મમાંથી મુક્તિ મળી જશે. વર્તમાન જીવનના ક્રિયમાણ અને સંચિત પાપ કર્મમાંથી મુક્તિ મળી શકશે. વર્તમાન જીવનની, આગળની જીવનયાત્રા સાત્વિક અને સકારાત્મક રાખવાનો અને સદગુણો વિકસાવવાનો સંકલ્પ કરવો પડશે. મારો આ આધ્યાત્મિક વારસો મારા શ્રધ્ધાળુ ભાવિકો જાળવશે જ તેવા મારા આશીર્વાદ છે.