શ્રીકૃષ્ણજીના કૃષ્ણ તત્વને આત્મસાત કરીએ

વ્હાલા વ્રજવાસીઓ,

આજે મારા પ્રિય સખા શ્રીકૃષ્ણજીનો પ્રાગટ્ય દિવસ છે. વ્રજવાસીઓ માટે જન્માષ્ટમીનું પર્વ શ્રીકૃષ્ણ નૂતન વર્ષ છે. સામાન્ય પરિસ્થિતિમાં જનમ્યા છતાં અસામાન્ય વ્યક્તિત્વના સ્વામી બનેલા શ્રીકૃષ્ણજીના જીવનમાંથી આપણે આપણા જીવનમાં શું અપનાવવાનું છે તેના સંદર્ભમાં મારો દ્રષ્ટિકોણ હું પ્રદર્શિત કરું છું.

(૧)     શ્રીકૃષ્ણજીનુ હિંમતવાન વ્યક્તિત્વ-

શ્રીકૃષ્ણના જન્મથી મૃત્યુ પર્યંતની જીવનયાત્રા સમસ્યા, સંઘર્ષ અને ચુનોતીથી ભરેલી રહી છે. દરેક પરિસ્થિતિમાં હિંમતથી સામનો કરી સમસ્યાઓ સુલઝાવી છે. ગુલાબની સાથે જ કાંટા હોય છે. કસોટી સોનાની થાય છે. મુશ્કેલી સંતો-સજ્જનો ઉપર જ આવે છે.

આપણા જીવનમાં પણ, જ્યારે પણ, સમસ્યાઓ-સંઘર્ષો આવે ત્યારે ચુનોતી સ્વીકારી લઈએ. ઉપલબ્ધિઓમાં પરિવર્તન કરીએ, સામનો કરી અને નકારાત્મકતાને વિદારી, સકારાત્મકતા અપનાવીએ. ઝુકવાનું નહીં, હિંમતથી આગળ વધવાનું. નિષ્ફળતા સફળતાનો પાયો છે. ધ્યેયને વળગી રહી આગળ વધવાનું. વિકાસ કરવાનો. નિરાશા હતાશાને વિદારી આનંદમાં જ રહેવાનું. વિવેકથી, પુરૂષાર્થને અગ્રતા આપી જીવનને જ્વલંત જ્યોત બનાવીએ.

(૨)     શ્રીકૃષ્ણજી ચુનોતીઓથી, સંઘર્ષોથી ક્યારેય હતાશ થયા નથી. હારવું, નાપાસ થવું સહજ છે પરંતુ હાર માનવી નહીં, પ્રયત્ન ચાલુ રાખવાનો. સફળતા મળશે જ, પરિવર્તન આવશે જ. ધીરજ રાખીએ. ઉત્સાહને પ્રજ્જવલિત રાખો. “હાર”ને વિજય માળા બનાવો.

મહાભારતના યુદ્ધ વખતે હતાશ થઈ ગયેલા અર્જુનને શ્રીકૃષ્ણજીએ ગીતાજ્ઞાન દ્વારા ઉત્સાહનું સિંચન કર્યું અને વિષાદને વિદારી દીધો. અર્જુને કહેવું પડ્યું, “કરીષ્યે વચનમ્ તવ્”

(૩)     અભિમાની ના બનીએ, હંમેશા વિનમ્ર બનીએ.

વિનમ્રતા શ્રીકૃષ્ણજીના જીવનમાં વણાયેલી હતી. વિનમ્રતા મહાન માણસની પહેચાન છે. રાજકુંવર હોવા છતાં ગોકુળમાં ગોવાળ બની, સામાન્ય ગોપબાળકો સાથે ગાયો ચરાવી. સાંદિપની ગુરૂકુળમાં સામાન્ય વિદ્યાર્થીની જેમ અને સામાન્ય રીતે બધા જ કામ કર્યા. યજ્ઞમાં સેવા સ્વીકારી, જૂઠી પતરાવળી ઉઠાવી, ચરણ પાદુકાઓ ઉઠાવી. મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથનાં સારથી બન્યા. યુદ્ધ નિવારવા દૂત બનીને વિષ્ટિ કરવા ગયા. અને દુર્યોધનના અપશબ્દો, અપમાન સહન કર્યું. સુદામાજીને સત્કારી સાચો મિત્રભાવ નિભાવ્યો.

આપણા પણ જીવનમાં કોઈપણ પ્રસંગ, પરિસ્થિતિ અને સંબંધો નિભાવવા, સત્કારવા આપણા અહમને વિદારી હંમેશા વિનમ્રતાથી, વિવેકથી આદર સત્કાર કરવો. આપણા પદ, પ્રતિષ્ઠા, ધન દોલતને આડે લાવી અભિમાની હોવાનો દેખાવ થાય નહીં તે જોવું જોઈએ. સેવા હંમેશા વિનમ્રતાથી અને વિવેકથી જ શોભે છે.

(૪)     શ્રીકૃષ્ણજી જીવનયાત્રા દરમિયાન કર્મયોગી જ રહ્યા. જીવનમાં આપણે ભાગે આવતું કોઈ પણ નાનું-મોટું કામ પૂરી નિષ્ઠાથી, નૈતિકતાથી, અનાસક્તભાવે કરતા રહીએ તો આપણું કર્મ કર્મયોગ બની જાય. કર્મમાં કુશળતા જરૂરી છે.

શ્રીકૃષ્ણજી મહાભારત યુદ્ધના હિમાયતી ન હતાં. પરંતુ દુર્યોધનની આડોડાઈ, નાસમજ, અહમ્ અને ઈર્ષ્યાભાવે મહાભારત યુધ્ધ ફક્ત અન્યાય સામે, ધર્મના રક્ષણ માટે, અનિવાર્ય બન્યું.

તાત્વિક રીતે આપણી ભીતર જ ધર્મક્ષેત્ર ને કુરુક્ષેત્ર છે. સાત્વિક વૃત્તિ યુધિષ્ઠિર છે અસાત્વિકવૃત્તિ દુર્યોધન છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, એક મન આમ ૧૧ અક્ષૌહિણી સેના છે. શ્રીકૃષ્ણજી આપણો આત્મા – સારથી છે. આત્માને શ્રીકૃષ્ણની નિશ્રામાં-સદવૃત્તિઓનો ઉપયોગ અને વિકાસ જ આપણને વિજય અપાવે છે.

(૫)     શ્રીકૃષ્ણની વાંસળી પોલી-ગાંઠ વગરની છે. મીઠું મધુર બોલે છે. બોલાવ્યા વગર બોલતી નથી. તેથી શ્રીકૃષ્ણની માનીતી બની ગઈ. મધુર, મીઠું, નિષ્કપટ બનવું અને બોલવું. જરૂર વગર શબ્દો વહાવવા નહીં. સુદર્શન ચક્ર વીરતાનું પ્રતીક છે. અન્યાય સામે લડવાની જરૂર છે. અધર્મના વિનાશ માટે જ સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો છે.

આપણે પણ અધર્મ, અન્યાય સામે વીરતા દાખવવી જોઈએ.

જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણજીના જીવનના અંશોને, આદર્શોને આપણે આત્મસાત કરવા હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. તો જ જન્માષ્ટમીની ઉજવણી સાર્થક છે. મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી