વ્હાલા ઉપાસક આત્મીયજનો,
આજે નવમી ડિસેમ્બર, માતાજીનો પાટોત્સવ અને ભાવિકોનો ઉપાસના દિન. નવમી ડિસેમ્બર ૧૯૮૯ ના પાવન દિવસે માતાજીએ પોતાના મયુરબાળ અને તેમના પરિવાર સાથે શ્રધ્ધા ધામમાં નિવાસ કર્યો.
બત્રીસ વર્ષથી ઉપાસનાનું આ વટવૃક્ષ ઉપાસના, સેવા, સત્સંગ અને શ્રધ્ધાથી પોષાતું રહ્યું છે. સમર્પણના વારિથી આ ઉપાસનાના વટવૃક્ષના મૂળિયા સદાય ભીંજાતા રહ્યા છે.
નિયમિત ઉપાસના આપણા સંસ્કાર બીજને અંકુરિત કરે છે. ધર્મતત્વની કળીઓ ખીલે છે. આધ્યાત્મિક જગતમાં પ્રવેશવા માટે ઉપાસના એનું પ્રથમ દ્વાર છે સદગુરૂનું સાનિધ્ય અને સત્સંગ.
ધર્મના મર્મને સમજવા અને આચરણમાં મુકવા માટે, સદગુણોનો વ્યાપ વધારવા માટે, નિયમિત ઉપાસના, સત્સંગ, સ્વાધ્યાય પણ જરૂરી છે. આપણા આંતરબાહ્ય વાતાવરણને પવિત્ર બનાવવા માટે પરમનું સાનિધ્ય એક પોષક તત્વ બની રહે છે.
માતાજીના આદેશથી જ મેં મારા કર્મને જ ધર્મ સમજીને જીવનને ગતિશીલ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપણે જો જીવનમાં ધર્મનું પાલન કરીએ તો ધર્મ પણ આપણું પાલન કરે જ છે.
નિયમિત ઉપાસનાથી આપણા વ્યક્તિત્વમાં સકારાત્મકતા, સંવેદનશીલતા, સહનશીલતા અને સમતા ભાવની આભા વર્તાય છે. આપણા વાણી, વર્તન, વ્યવહારમાં પરિવર્તન આવે છે.
દાન, દયા અને પરોપકારનો પ્રવાહ સદાય વહેતો રાખવો પડે. આપણું સાત્વિક કર્મ જ આપણા ધર્મને પોષે છે.
હું તો માનું છું કે, “વ્યક્તિનું સાત્વિક કર્મ જ ધર્મ છે.” સાત્વિક કર્મ જ પરમની પૂજા છે. પરમનું સાનિધ્ય જ આપણા સમસ્ત અસ્તિત્વ અને વ્યક્તિત્વને પોષતું રહે છે.
મારા નવ સિદ્ધાંતોનું આચરણ જ આપના જીવન વૃક્ષના મૂળને પોષતું રહેશે અને અન્ય નિઃસહાય જીવોના સહૃદયી, સહભાગી બની રહેશે.