પૂજ્ય બ્હેનજીની ભાવોર્મિ:
પૂજ્ય બ્હેનજીએ કહ્યું કે…
ગુરુદેવના કાર્ય વિષે આપણે જાણ્યું. પૂજ્યશ્રીએ આ કાર્ય કોના માટે કર્યું ? આપણા બધા માટે. આપણી આધી, વ્યાધી, ઉપાધી ટાળવા માટે. બીજું કે આપણા સહુનો ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ થાય એવો ભાવ ગુરૂદેવનો છે. ગુરૂદેવના કાર્ય વિષે આપણે જાણ્યું પણ એમાંથી આપણને શું ફાયદો? આપણા બધાનો ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ થાય એ બાબતમાં હું મારી ભાવોર્મિ રજુ કરું છું:
પૂજ્યશ્રી કહે છે એવો મારો ભાવ છે….
સેવાની સરિતા વહાવી રહ્યો છું.
માતનો આદેશ અપનાવતો રહું છું.
માનવતાની મહેંક પ્રસરાવતો રહું છું.
આત્મીયજનોના જીવનબાગ મહેંકાવતો રહું છું.
આત્મચેતના ભાવિકોની સંકોરતો રહું છું.
ધર્મનો મર્મ સમજાવતો રહું છું.
અધ્યાત્મપંથે પ્રયાણ કરાવતો રહું છું.
જીવનયાત્રાને ધન્ય બનાવતો રહું છું.
વ્હાલા બાળકો,
પુરુષાર્થ આપનો આશિષ માત-બાળની,
સાકાર કરી જીવન બાગ સજાવતા રહો.
ધર્મ અધ્યાત્મની પાંખો પ્રસારો
સત્ય, પ્રેમ, કરુણાના સ્વસ્તિક પૂરતા રહો.
સત્સંગ, સેવા, ઉપાસનાનો નિયમ અપનાવતા રહો.
પરમનું સાનિધ્ય અનુભવતા રહો.
રાજગીતાનું અમૃતપાન કરતા રહો.
શિવ મિલન કરતા રહો.
માનવતાના મંગળ પર્વે
રાજયોગીજીનો જયજયકાર કરતા રહો.
હવે આજના ઉત્સવે પૂજ્યશ્રીને કાંઈક કહેવા માટે વિનંતી કરાઈ. પૂજ્યશ્રીએ રામાવતારની વાત કહેતા કહ્યું કે…
કેવટે રામજીને નદી પાર કરાવી. સામે કાંઠે ગામ લોકો ભેગા થઈ ગયા હતા. કેવટે પહેલા શ્રીરામના ચરણ ધોયા હતા અને પછી નાવમાં બેસાડ્યા હતા. રામજીને નદી પાર કરાવી સામે પાર ઉતારી દીધા હતા.
પૂજ્યશ્રીએ કહ્યું કે હવે હું જે કાંઈ કહીશ તે તમને કોઈ જગ્યાએ નહીં મળે. એ રાજ દરબારમાં જ મળશે. નદી ક્રોસ કરીને જ્યારે રામજી બહાર નીકળ્યા ત્યારે ગામ લોકોએ કહ્યું કે અમને કોઈ ઉપદેશ આપો, કંઈક કહો. ત્યારે રામજીએ કહ્યું કે, “મારું આખું જીવન એ જ ઉપદેશ છે. પણ હું તમને બધાને એટલી ખાતરી આપું છું કે હું તમારા બધાનું રક્ષણ કરીશ. જ્યારે જરૂર પડશે ત્યારે રક્ષણ કરવા ઊભો રહીશ.” આટલું કહીને રામજી વિદાય થયા. આ વાત તમને કોઈ જગ્યાએ મળશે નહીં. કોઈ પુસ્તક કે શાસ્ત્રમાં પણ આ વાત મળશે નહીં.
હવે હું મારી વાત કરું મારો જન્મ ગોધરામાં ૧૯૩૨માં થયો ત્યારથી જ માતાજીએ મને સંભાળી લીધો અને એમની ઈચ્છા મુજબ જ મને તૈયાર કર્યો તથા આગળને આગળ વધારતા ગયા અને બસ આગળ વધારતા જ ગયા, વધારતા ગયા. પણ મને ૪૦ વર્ષ સુધી એમણે અંધારામાં જ રાખ્યો. મને ખબર ના પડી કે મારી પાછળ તેમનો હાથ છે અને તેઓ મારી પાછળ જ છે.
હું મારા પર મગરૂર રહેતો હતો કે આ બધું હું મારી જાતે જ કરું છું પણ એમાં મારું કશું હતું નહિ, બસ માતાજી જ પાછળ રહીને બધી મદદ કરતા હતા અને ૪૦ વર્ષ બાદ મને પૂજામાં આવીને દર્શન આપ્યા. દર્શન થયા પણ મને ખ્યાલ ના આવ્યો.
મારી સ્મૃતિ બહાર જતું રહ્યું. મને ખ્યાલ ના આવ્યો કે આ માતાજી છે અને માતાજી આવા હોય.
પછી ૪૦ વર્ષ બાદ હું અમદાવાદ આવ્યો અને ’૭૬ માં જ્યારે સાક્ષાત્કાર થયો ત્યારે ખબર પડી કે માતાજી આવા છે અને માતાજી જ બધા કામ કરે છે. ત્યાર પછી તો માતાજીએ મારી પાસે અનેક કામો કરાવડાવ્યા અને એ બધાના સાક્ષી તમે છો.
અનેક કાર્યો હું કરતો ગયો અને એમ કરતા કરતા આજે હું ૮૮ માં વર્ષમાં પ્રવેશ કરું છું અને હજુ પણ માતાજી મારી પાસે ખુબ કાર્યો કરાવશે એની મને ચોક્કસ ખાતરી છે.
મારા આપ સહુને આશીર્વાદ છે. ટુંકાણમાં મેં મારું આખું જીવન કહી દીધું.