વ્હાલા આત્મીયજનો,
આજે મારી જીવનયાત્રા ૮૫ સોપાન સર કરી ૮૬ માં વર્ષમાં પ્રથમ દિવસમાં પ્રવેશ કરી રહી છે. માતાજીના દિવ્ય વાત્સલ્યથી પુષ્ટ થયેલું મારું ભૌતિક અને આધ્યાત્મિક જીવન હંમેશાં “કરિષ્યે તવ વચનમ્” અનુસાર ગતિ કરી રહ્યું છે.
માતાજીએ ૧૯૫૪ માં રણછોડજી મંદિરની પાટ પર પૈસા ગણાવીને મારી ધીરજની, સેવાની, આદરભાવની કસોટી કરી હતી. “૧૯૭૬ માં આ પૈસા લઈને તને મળીશ” તેવું વચન આપ્યું હતું.
૧૯૭૬ની પાંચમી સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ પ્રત્યક્ષ પધારી માતાજીએ મને પ્રથમ સાક્ષાત્કાર કરાવી દિવ્ય વાત્સલ્યની વર્ષા કરી મને ધન્ય બનાવી દીધો. “નોકરીની ચિંતા કરીશ નહિ” કહીને મારા જીવનને સેવામાં સમર્પિત થવાની મારી પ્રાર્થનાને, મારા સંકલ્પને આશીર્વાદ આપી દીધા. વળી,
“યોગક્ષેમ વહામ્યહમ્” ઉક્તિ અનુસાર મારી ભૌતિક, સાંસારિક જવાબદારી હળવી કરી મને માનવતાના મહાસંગ્રામમાં, સેવાના સમરાંગણમાં શિસ્તબદ્ધ સૈનિકના સ્વાંગમાં નિયુક્ત કરી દીધો.
વ્હાલા બાળકો, માનવ જીવનનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માના કાર્યો, સર્જન, સંવર્ધનમાં સમર્પિત થવાનું હોવું જોઈએ. આપણા આ લક્ષ્યને કેવી રીતે સિદ્ધ કરી શકાય ?
મારી દૃષ્ટિએ આપણા આત્માનું પરમાત્મા સાથે સતત અનુસંધાન સધાતું રહેવું જોઈએ. આત્માને માયાના આવરણથી મુક્ત રાખવું પડે. આપણા કર્મને કર્મયોગ બનાવીએ. નિષ્ઠા, નૈતિકતા, પુરૂષાર્થથી કર્મને દીપાવીએ, વિકસાવીએ, અનાસક્ત ભાવ રાખી કર્મબંધનથી મુક્ત રહીએ, તો જ આત્માનું ઉર્ધ્વીકરણ શક્ય બને. સદગુણો, સદવર્તન, વ્યવહારથી આત્માને પુષ્ટ કરીએ. ત્યારે જ આત્માનું પરમાત્મા સાથે મિલન શક્ય બને. પરમાત્માની અપાર, અનંત શક્તિઓ આપણા આત્મામાં બીજરૂપે રહેલી છે. આ બીજરૂપે રહેલી શક્તિઓને વિકસિત કરવા સાધના, સત્સંગ, સમર્પણના વારિથી સતત સિંચન કરતા રહેવું પડે.
પરમાત્માનો પ્રત્યક્ષ કે પરોક્ષ સાક્ષાત્કાર, અનુભૂતિ, પ્રેરણા, માર્ગદર્શન, સહાય દરેક વ્યક્તિ માટે શક્ય છે. સુલભ છે જ. જરૂર છે ફક્ત નિઃસ્વાર્થ, નિર્ભેળ, નિર્દોષ બાળ સહજ વ્યક્તિત્વ ખીલવવાની.
મારા આપ સર્વેને આશીર્વાદ છે.