માતાજીએ માનવતાની મશાલ મારા હાથમાં સોંપી

વ્હાલા આત્મીયજનો,

આજે માનવતાદિન છે. મારી જીવનયાત્રા જીવનના ૮૧ સોપાન માતાજીના સહારે પાર કરીને ૮૨ માં સોપાનમાં પ્રવેશી રહી છે.

સેવાની અને માનવતાની જ્યોત જલાવી પાંચ સપ્ટેમ્બર ૧૯૭૬ની મધ્યરાત્રિએ મારા જીવનમાં દિવ્ય પ્રકાશ પાથર્યો. માતાજીએ મારી પ્રાર્થનાને અનુમતિ આપીને જણાવ્યું કે :-

“જ્યોત સે જ્યોત જલાતે ચલો
પ્રેમ કી ગંગા બહાતે ચલો
રાહમેં આયે જો દીનદુઃખી
સબકો ગલે સે લગાતે ચલો.”

માતાજીએ પ્રેમની, સેવાની, માનવતાની મશાલ મારા હાથમાં સોંપી અને સાતમી સપ્ટેમ્બર ૧૯૭૬ના પાવન દિવસે, જીવનના ચુંમાળીસમા વર્ષે માનવ સેવાની શરૂઆત કરાવી. સઘળું આયોજન માતાજીની પ્રેરણા, પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીથી, માર્ગદર્શનથી, પ્રેરણાથી વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. નિઃસ્વાર્થ, નિઃશુલ્ક સેવાની ક્ષિતિજો વિસ્તરતી ગઈ. આધિ-વ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત કોઈપણ વ્યક્તિ જ્ઞાતિ, જાતિ, ધર્મના બંધનો સિવાય મુલાકાત લઈ માર્ગદર્શન મેળવી શકે છે.

વ્યક્તિગત અને સમષ્ટિની સેવાની ક્ષિતિજો વિસ્તરતી ગઈ. વિવિધ માનવસેવાના પ્રકલ્પો ઉઘડતા ગયા, વિકસતા ગયા અને પૂર્ણ થતા ગયા.

માતાજીના આદેશથી આદરેલા માનવતાના મહાસાગરમાંથી સુખના, શાંતિના, સમસ્યા સુલઝાવવાના મોતી લેવા માટે માણસો આવવા લાગ્યા, પ્રેમામૃતનો, વાત્સલ્યનો અનુભવ કરવા લાગ્યા. માનવતાના મહાસાગરમાં ડૂબકી મારવા લાગ્યા અને માનવતાના મોતી વીણવા લાગ્યાં.

 માનવતાનો અને સેવાનાં કાર્યમાં પાયાની જરૂરિયાત છે:

૧. નિઃસ્વાર્થ ભાવ

૨. અનન્ય શ્રદ્ધા અને શરણાગતિ

૩. નવસિદ્ધાંતનું આચરણ

૪. માનવતાના રંગે રંગાયેલું સમસ્ત અસ્તિત્વ

પાયાની જરૂરિયાત સમજનાર વ્યક્તિ માનવતાના કાર્યમાં પોતાનું યોગદાન આપી શકે.

સાંપ્રત સમયમાં સમાજમાં, વ્યક્તિમાં નૈતિકતાનું અધઃપતન થઈ રહ્યું છે. અસાત્વિકતાનું સામ્રાજ્ય વિકસી રહ્યું છે. ત્યારે માનવતાની શરૂઆત ક્યાંથી કરવી ?

દરેક વ્યક્તિમાં દેવત્વ, માનવતા, દાનવતા અને પશુતાના સંસ્કાર વત્તા ઓછા પ્રમાણમાં હોય છે જ. શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસર વ્યક્તિત્વના સ્વભાવ પર અસર કરે છે.

આપણે વ્યક્તિમાં રહેલા દાનવતાના અને પશુતાના અવગુણો, સંસ્કારોનું નિર્મૂલન કરી માનવતાનું અને દેવત્વનું સામ્રાજ્ય સ્થાપવાનું છે. સાત્વિક સૃષ્ટિના નિર્માણ માટે નવજાત બાળકોના આંતરજગતને,

ૐ મા ૐ મંત્ર જાપ અને નવસિદ્ધાંતના ઉચ્ચારણથી પવિત્ર કરવાનું છે. સાથે સાથે જીવનજળનું સેવન પણ જરૂરી છે. જીવનજળ બાળકના-વ્યક્તિના સમસ્ત અસ્તિત્વને સાત્વિકતાથી સભર કરી દે છે. ૧૯૭૬ સપ્ટેમ્બરની સાતમી તારીખે પ્રગટેલી માનવતાની મશાલ તેનો દિવ્ય પ્રકાશ રેલાવતી, માનવતાના કાર્યોને પ્રસરાવતી ભરયુવાનીમાં ૩૮માં વર્ષમાં પ્રવેશી રહી છે, પ્રેમળ જ્યોતનો પ્રકાશ વ્યક્તિના માનસને અજવાળશે, પ્રેમસભર કરશે તેવી અભ્યર્થના સહ…

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી