નવસૂત્રો એ પરમની કૃપા દ્વારા દર્શાવેલ આદેશોનું સંકલન છે. આ નવસૂત્રોનું આચરણ, નિ:સ્વાર્થ સેવા અને આદેશોનું અક્ષરસઃ પાલન કરવાથી વ્યક્તિ જીવનમાં રાહત અનુભવે છે, સફળતા પ્રાપ્ત કરે છે.
ગીતાજીના સારરૂપ નવસિધ્ધાંતોનું આચરણ સંસારસાગરમાં તરવાની, પાર ઉતરવાની નાવ છે. મા ભગવતીને કે આપના ઈષ્ટદેવને આપની જીવન નાવના ખેવૈયા – નાવિક બનાવજો, અર્જુનની જેમ પ્રેરણા, આદેશ અને માર્ગદર્શનનું અક્ષરસઃ પાલન કરજો.
શ્રદ્ધા
ભય, મોહ ને વિષાદને કારણે માનવીની સર્વ શક્તિઓ અર્જુનની જેમ હણાઈ ચૂકી હોય, મનમાં વેદનાનાં વાદળો ઘેરાયેલાં હોય ત્યાં તેને શ્રધ્ધા રાખવાનો વિચાર જ કેવી રીતે ઉદભવે ? શ્રધ્ધા કેવી રીતે સેવી શકે ? ઈશ્વરથી તો તે સંપૂર્ણપણે અજ્ઞાત છે. ઈશ્વર અકળ, અદ્રષ્ટ, અગોચર છે, તેને જોયો નથી, જાણ્યો નથી, સ્પર્શ્યો નથી, તેનો કોઈ અનુભવ નથી, તો તેને વિશે શ્રધ્ધા કેવી રીતે ઉદભવે ?
માનવીનું પહેલું કામ શ્રધ્ધા રાખવાનું છે. શ્રધ્ધા સેવ્યા પછી જ એનો અનુભવ થઇ શકે છે.જેમ શાંત જળમાં એક કાંકરો નાખતાં જળમાં તરંગો ઉદભવીને દૂર દૂર સુધી ફેલાય છે, તેમ હૃદયપટ પરથી શ્રધ્ધાના એક અંશને ધારણ કરતા જ ઈશ્વરના અસ્તિત્વનો, તેની કૃપાના અનુભવનાં આંદોલનો ઉદભવી હૃદયને શાતા અર્પશે. શ્રધ્ધા વડે જ શ્રધ્ધાનો આવિર્ભાવ થાય છે. આ આવિર્ભાવ પામેલી શ્રધ્ધા જ વ્યક્તિને જન્મ આપે છે અને તેનું પોષણ કરે છે.
શ્રધ્ધા વડે જ શ્રધ્ધાનો આવિર્ભાવ થાય છે. ત્યાંથી આગળ વધી કહું કે, વ્યક્તિની નિજી ભાવના દ્વારા હૃદયમાં ભય, શરમ, સંકોચ ને હીનપણાની લાગણીનો સદંતર અભાવ હોય ત્યાં શ્રધ્ધાનો આવિર્ભાવ થાય છે. વ્યક્તિને મનમાં કંઈક કરવાની ભાવના છે, છતાં તેના હૃદયમાં લઘુતાગ્રંથિ ઘર કરી ગઈ હોય તો તેની શ્રધ્ધા જાગૃત થઇ શકતી નથી.
શ્રધ્ધા સૂક્ષ્મ ભાવના છે. કોઈ પદાર્થની જેમ તેને બતાવી, સ્પર્શી શકાતું નથી. શ્રધ્ધાનો કેવળ અનુભવ કરવાનો રહે છે. જેને જેવી શ્રધ્ધા હોય તેને તેવો અનુભવ થાય.
શ્રધ્ધાનાં કોઈ ધારાધોરણ– નિતિનિયમો કે મર્યાદા નથી હોતાં. શ્રધ્ધા અપરિમેય હોય છે. મનુષ્યના હૃદયમાં આ શ્રધ્ધાનો ઉદભવ થાય છે, ત્યાં જ એ વિકાસ પામે છે, ત્યાં જ એ વિહાર કરે છે, ત્યાં જ એનાં વિવિધ પરિણામો ને પરિમાણો સર્જાય છે, ત્યાં જ શ્રધ્ધા એનાં વિવિધ દર્શન કરાવે છે.
શરણાગતિ
આપણે જયારે માતાજીની શ્રધ્ધાપૂર્વક શરણાગતિ સ્વીકારી છે, ત્યારે જીવનમાં જે અનુકૂળતાઓ-પ્રતિકૂળતાઓ સર્જાય તેમાં પણ માતાજીના દર્શન કરવા ઉચિત છે. આ જીવન તેણે જ આપ્યું છે. એટલે જીવનમાં જે કંઈ આવે છે તે પણ ઈશ્વરે જ મોકલ્યું છે. એટલે એનો સ્વીકાર કરવામાં જ ઈશ્વરના-માતાજીના આધિપત્યનો સ્વીકાર છે. એ જ સાચી શરણાગતિ છે. એમાં તો માનવીની શ્રદ્ધાની-ભક્તિની કસોટી રહેલી છે. માતાજી પ્રત્યેના પ્રેમનું પારખું છે.
શરણાગતિ એટલે પરમતત્વના શરણમાં જવું અને રહેવું. એને વશ થઇ જવું. એના આધિપત્યનો સ્વીકાર કરવો. સમસ્ત સૃષ્ટિ પર એની આણ પ્રવર્તી રહે છે એ ન ભૂલવું. પ્રકૃતિના પ્રત્યેક તત્વમાં ઈશ્વરની લીલાનું પ્રવર્તન જોવું.
શરણાગતિ એટલે ઉપાસકે પોતાનું સંપૂર્ણ અસામર્થ્ય સ્વીકારવું. પરમતત્વના સામર્થ્યને જ પ્રવૃત્તિશીલ બનાવવાની, રહેવાની ઉપાસકના અંતરની ઈચ્છા.
ઉપાસકની પોતાની તમામ મરજીઓ-ઈચ્છાઓનો પરિહાર એટલે શરણાગતિ.
પોતાના સમસ્ત વ્યક્તિત્વ અને અસ્તિત્વની સોંપણી ઈશ્વરને કરવી એ શરણાગતિ. પોતાનું કોઈ પણ નાનું-મોટું કાર્ય હોય બે હાથ જોડી મસ્તક નમાવી આંખો બંધ કરી કહેવું.
‘હે પ્રભુ ! આ બધું તને સોંપું છું તને યોગ્ય લાગે તે કરજે.’
પોતાની તમામ જવાબદારી માતાજીના ચરણે સોંપી દેવી એ શરણાગતિ.
શરણાગતિ એટલે સંશયનો સંપૂર્ણ અભાવ. સંશયાત્મા વિનશ્યતિ એમ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું જ છે.
શરણાગતિ એટલે એના સ્વીકાર પછી કોઈ જ ફરિયાદ નહિં. પરિણામનો વિચાર નહિ. તર્કવિતર્ક નહિ.
શરણાગતિ એટલે પોતાના ઇષ્ટ માટે ઉપાસકનો પ્રેમ, નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ, નિરપેક્ષતા. પરમતત્વની શક્તિ સદા પોતાની સાથે છે એવો અહેસાસ.
I am not alone, GOD is with me.
આપણે પણ ઈશ્વરના જ સર્જન છીએ. એટલે ઈશ્વરનાં સર્જનનું આપણું જીવન જેવું છે તેવું સ્વીકારવામાં જ પરમતત્વની શક્તિનો સ્વીકાર છે. એમાંજ એનું હાર્દ સમાયેલું છે.
જ્યાં માતાજીની શ્રધ્ધાપૂર્વક શરણાગતિ સ્વીકારી હોય ત્યાં આત્મસંતોષ આપોઆપ ઉદભવે છે. પણ જ્યાં શ્રધ્ધા નથી, શરણાગતિ નથી ત્યાં જ અસંતોષ પેદા થાય છે. અને તે મનુષ્યની શ્રધ્ધા અને શરણાગતિ પર પ્રબળપણે પ્રહાર કરે છે. એ જ પ્રહાર માનવીને અનેક રીતે અસ્વસ્થ, દુ:ખી, હતાશ, હતપ્રભ, અશાંત કરી મૂકે છે.
આપણે સંપૂર્ણપણે શ્રદ્ધા અને શરણાગતિથી ઉપાસનામાં લીન રહીએ તો એ ઉધામાઓ આપોઆપ જ શાંત થઈ જાય છે.
આપણી સમસ્યાનો ઉકેલ આપણને અંદરથી જ મળ્યા કરે છે. એ સમસ્યાનો ઉકેલ કદાચ ન પણ મળે તો પણ, એની પડછે રહેલા સંકેતની લિપિ આપણને વાંચવા મળે, આવનાર સમસ્યાના-બનાવનાં એંધાણ પ્રાપ્ત થઈ જાય અને આપણે એ માટે સજાગ અને સાવધ થઈ જઈએ, આપણી આવેલી કે આવનાર સમસ્યા માટે આપણે નિઃસ્પૃહ-નિર્લેપ થઈ જઈએ.
આત્મવિકાસ અર્થે સૌ પ્રથમ તો પોતાના ઇષ્ટમાં-પરમતત્વમાં માનવીને-ઉપાસકને સમ્પૂર્ણ શ્રદ્ધા હોવી જરૂરી છે. એની અનન્ય શરણાગતિ સ્વીકારવી અનિવાર્ય છે. ઇષ્ટની-પરમાત્માની સર્વ-શ્રેષ્ઠતા, સર્વ-સામર્થ્ય, સર્વ-વ્યાપકતા સ્વીકારી લેવાં આવશ્યક છે.
પરમ તત્વની શક્તિનો આશ્રય લેનાર કદી નિરાલંબ રહેતો નથી કે નિરાશ થતો નથી, તેથી વ્યક્તિનું કદી અકલ્યાણ કે અહિત થતું નથી એવો આત્મવિશ્વાસ તેનામાં જન્મવો ને દ્રઢ થવો જોઈએ.
આપણી જીવનયાત્રા દરમિયાન આપણે સમયની નાવમાં બેઠાં છીએ. આપણી નાવના નાવિક – નાખુદા સ્વયમ્ પરમાત્મા છે, સંસારની જવાબદારીઓનો ભાર – ચિંતા આપણે શા માટે કરવાની? અનાસક્ત ભાવે ફરજ બજાવવાની. સંસારની નાવમાં બેઠા પછી, સંપૂર્ણ સમર્પણ ભાવથી આપણું સર્વસ્વ પરમ નાવિકના હાથમાં સોંપી દીધા પછી આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ. જો ચિંતા થાય તો સમજવું કે આપણને આપણા દિવ્ય પરમ નાવિક પર વિશ્વાસ નથી. આપણે સંપૂર્ણ સમર્પિત થયા નથી. આપણી વાતો અને વ્યવહારમાં એકરૂપતા નથી. આપણી શ્રધ્ધા વિભાજીત છે.
સત્કર્મ દ્વારા દયા, સહાનુભૂતિ, કરૂણા, બીજાને મદદ કરવાની ભાવના, સહૃદયતા, માનવીયતા વગેરે જેવા ગુણો ઉદભવે છે કે ઉદભવેલા એવા ગુણો વિકાસ પામે છે. હકીકતે મેં જે નવ સૂત્રો આપ્યાં છે
તેનો ઉદભવ કે વિકાસ થાય છે. માનવીના ભીતરની મલિનતા દૂર થાય છે, તેની ચેતના પરમતત્વ તરફ ગતિ કરે છે ને એમ પરમતત્વની ઝાંખી કે પ્રાપ્તિ કરી શકે છે.
કર્મ-સેવા
આપણે કહીએ છીએ કે જનસેવા એ જ પ્રભુસેવા. દુઃખીના દિલને દિલાસો આપવો કે દીન જનોનાં આંસુ લૂછી તેને સાંત્વન આપવું તે ઈશ્વરને રાજી કરવા બરાબર છે. અર્થાત્ પરમતત્વને પામવા માટેનું કર્મ તે એવું કર્મ કે જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય, ઈશ્વરની કૃપા મનુષ્ય પર ઊતરે.
દીનદુઃખીઓની સેવા દ્વારા, સત્કર્મો દ્વારા મનુષ્યના આત્મિક ગુણોનો વિકાસ થાય છે ને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. માનવીની આંતરચેતનાનો વિસ્તાર થાય છે. જેને ચેતોવિસ્તાર પણ કહેવાય.
કઈ રીતે ?
કર્મ-સેવા સાચા આદર્શથી પ્રેરાઇને થવા જોઈએ. આદર્શ જેટલો ઉચ્ચ તેટલી કર્મની, એ કર્મ દ્વારા આધ્યાત્મિકતાની-આત્માની ઉન્નતિ વિશેષ. કર્મ માર્ગના પ્રવાસીએ મન, વચન ને કર્મથી પવિત્ર રહેવું જોઈએ. મનુષ્ય જે પ્રકારનાં સત્કર્મો કરે છે તેવો અભિગમ સૌ પ્રથમ તેણે આત્મસાત્ કરેલો હોવો જરૂરી છે. આખરે તો આ પણ એક માર્ગ છે. મનુષ્યે કયો માર્ગ અપનાવવો તે તેના રસ, રુચિ, મરજી ને શક્તિ પર અવલંબે છે. પરમતત્વને પામવા માટેનું કર્મ તે કયું ?
આપણે કહીએ છીએ કે જનસેવા એ જ પ્રભુસેવા. દુઃખીના દિલને દિલાસો આપવો કે દીન જનોનાં આંસુ લૂછી તેને સાંત્વન આપવું તે ઈશ્વરને રાજી કરવા બરાબર છે. અર્થાત્ પરમતત્વને પામવા માટેનું કર્મ તે એવું કર્મ કે જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય, ઈશ્વરની કૃપા મનુષ્ય પર ઊતરે.
સુખમાં સહુ સાથ આપે, પરંતુ બીજાના સુખમાં સુખી થનારા કેટલા? બહુ જ થોડા-ગણ્યા ગાંઠિયા વિરલા જ.
બીજા તો ઈર્ષ્યાની આગમાં બળતા બળતા એને પાડવાની જ પેરવીમાં હોય. બીજાની ઈર્ષ્યા, અદેખાઈ કરનાર ભક્તિ સ્વયં એ ઈર્ષ્યાની આગમાં ખાખ થઇ જાય છે.
પોતાની ઉન્નતિ ખાતર, રક્ષણ ખાતર, બીજાના સુખમાં સુખી થવું, દુઃખમાં ભાગીદાર થવું, અને કદી કોઈની પણ ઈર્ષ્યા કરવી નહિ.
પરમાત્મા દરેકને પોતાના સત્કર્મ અનુસાર રૂપ, સૌંદર્ય, ગુણ, કુટુંબ, ધન, વૈભવ વગેરે આપે છે અને પ્રારબ્ધ રૂપે મેળવેલ આ સંપત્તિનો વિનિયોગ સ્વના ઉત્કર્ષ માટે અને માનવબંધુની સેવા માટે કરવો જોઈએ અને તેના સગાસ્નેહી, મિત્રવર્તુળે તેની ઈર્ષ્યા ન કરતા, તેને અધઃપતનની ગર્તામાં ન ધકેલતા તેના સુખ-સંપત્તિનો સાત્વિક વિનિયોગ કરાવવામાં સહભાગી થવું. તેની આસપાસનું વાતવરણ સાત્વિક રાખવા પ્રયત્નશીલ રહેવું, જેથી એ સાત્વિક વાતાવરણમાં સાત્વિક આંદોલનો તેના વિચાર, વાણી અને વ્યવહાર ને જનસેવાના કાર્યમાં દોરવશે.
કોઈનો પણ વિશ્વાસઘાત કરવો તે મોટામાં મોટું પાપ છે.
જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં સંબંધોમાં વિશ્વાસ એક મહત્વની કદી છે. કુટુંબ, સમાજ, વ્યવસાય કે મિત્રાચારી, નિષ્ઠ।, પ્રામાણિકતા વિશ્વાસ પર જ નિર્ભર છે. આ વિશ્વાસ જયારે ડહોળાય છે, તેનો વિચ્છેદ થાય છે ત્યારે કેટલાંયે નિર્દોષનો એ ભોગ લે છે, અને એ વિશ્વાસઘાતીને પણ અધઃપતનની ગર્તામાં ધકેલે છે.
પરનિંદામાં રાચતો માણસ કદી હ્રદય શુધ્ધ કરી શકતો નથી.
બીજાની નિંદા કરતી વખતે આપણા પોતાના દોષોનું છાનું પોષણ મળે છે, તે કેટલાના ખ્યાલમાં આવતું હશે ? માણસ માત્રનું હ્રદય સામાન્ય રીતે તો કોઈ પણ દુષ્ટ કૄત્ય સામે બળવો ઊઠાવે છે ને ડંખે છે, પણ પ્રલોભનોમાં ખેંચાતો માનવી જાણ્યે -અજાણ્યે હ્રદયને બહેરૂં બનાવવાનો પ્રયત્ન કરે છે. પરનિંદામાં રાચવાથી આ કાર્ય સહેલાઈથી પાર પડૅ છે કારણ કે ત્યારે માનવી એવું માનવા પ્રેરાય છે, કે જેની નિંદા થાય છે તે દુષ્ટ છે. અને પોતે સારો છે. અભિમાનનું આ ઘેન હ્રદય પર અસર કરે છે ને તેથી ડંખની વેદના ઓછી થાય છે કે ભૂલાઈ જાય છે.
બીજાની નિંદાથી લાભ તો કશો થતો જ નથી, વેરઝેર વધે છે, ન હોય તો પ્રગટે છે, મિત્રો દુશ્મનો બને છે, પણ આ બધાં કરતાંય હ્રદયને ઘેન ચઢે છે ને દુર્ગુણોને છાનું પોષણ મળે છે, એ નુકસાન ઘણું મોટું છે. પરનિંદામાં રાચતો માણસ કદી હ્રદય શુધ્ધિ કરી શકતો નથી.
જીવનનો આધાર તો પુરૂષાર્થ અને પરિશ્રમને જ આપો.
કુદરતે કેવા સંજોગો આપ્યાં છે અને આપણા નસીબમાં શું લખાયું છે તેની ચિંતા છોડી દઈ આગળ વધવા માંડો. કુદરતની કિતાબ કોઈએ વાંચી નથી અને ભાવિની કેડી કોને કયાં દોરી જશે તે કોઈ જાણતું નથી. પુરૂષાર્થ અને પરિશ્રમ આપણા હાથની વાત છે. વરસાદની આશા જરૂર રાખીએ, પણ મેઘરાજા રૂઠે ત્યારે હાથ જોડીને બેસી રહેવામાં કાયરતા છે. પાણીનો કૂવો પહેલેથી જ તૈયાર રાખો ને આકાશ ન ઘેરાય તો કોશ જોડી દયો, ખેતર ખેડજો ને ” બી ” સારૂં પસંદ કરજો, પ્રભુની કૃપાનો વરસાદ વરસશે તો ખેતરમાં સોનું પાકશે, પણ નહીં વરસે તો યે જો આટલો પુરૂષાર્થ કર્યો હશે તો સુખનો અને હક્કનો રોટલો તો મળી જ રહેશે. કુદરતની કુપા માંગો પણ જીવનનો આધાર તો પુરૂષાર્થ અને પરિશ્રમને જ બનાવો.
અધ્યાત્મિક પુરુષાર્થ – પરિશ્રમ
પરમાત્મા મનુષ્યને ચોક્કસ હાલતમાં, તેના સદ્–અસદ્ સંસ્કારોની સાથે પૃથ્વી પર મોકલે છે. એ સદ્ સંસ્કારોની માવજત અને અસદ્ સંસ્કારોના નિર્ગમન માટે માનવીએ પુરુષાર્થ કરવાનો છે. આંતર ગુણસમૃદ્ધિ લઈ ને આત્મિય ઐશ્વર્ય સાથે માનવીએ પાછા સ્વ-ધામ સિધાવવાનું છે.
માનવીએ આત્મિક ઐશ્વર્ય માટે ‘કંઈક’ કરવાનું છે આ ‘કંઈક’ એ શું છે તેની જાણકારી સજાગતા માનવી પ્રાપ્ત કરે ત્યારે તેની આત્મજાગૃતિ થઈ ગણાય.
આ જીવન અને સંસાર નાશવંત છે. શરીરનું આ ખોળિયું એક દિવસ વહેલું કે મોડું નિશ્ચેતન – પ્રાણહીન થઈને માટીમાં મળી જવાનું છે.
માનવીય સઘળા સંબંધો ઋણાનુબન્ધે જ આવી મળેલા છે. એ ઋણાનુબન્ધ પૂરા થતા જ સંબંધોની લીલા સંકેલાઈ જવાની છે. સગાસંબંધી સૌ સ્વાર્થનાં જ છે.
એક માત્ર સાચો સગો પરમાત્મા જ છે. એવું તીવ્ર ભાન થવું જરૂરી છે. એ જ સાચી આત્મજાગૃતિ છે.
અંતરમાં તીવ્ર ભાવના જાગે કે કેવળ પરમાત્મા સાથે જ ઋણાનુબન્ધ જાગે અને ટકી રહે, ભવોભવ સુધી ટકી રહે, જન્મોજન્મ પ્રભુની – માતાજીની નિશ્રામાં જ વીતે, તીવ્ર ને ઉત્કટ ભાવના જયારે હૃદયમાં – અંતરમાં – સમસ્ત અસ્તિત્વમાં જાગે તેને સાચી આત્મજાગૃતિ કહેવાય છે.
જીવન અને સંસારની ભૌતિક કામનાઓ-લાલસાઓ નાશ પામે, મનુષ્ય સંસારમાં જળકમળવત્ રહે અને જીવન તેમ જ સંસારને સંપૂર્ણત: આધ્યાત્મિક અને ઇશ્વરાભિમુખ બનાવે ત્યારે તેનો-મનુષ્યનો-આત્મા પરમ પ્રેમના પ્રકાશથી ઝળાંહળાં થઇ ઉઠશે.
તેના સમગ્ર અસ્તિત્વમાંથી બધા જ પ્રકારની ભૌતિકતાઓ નાશ પામી કેવળ એક માત્ર પોતાના ઇષ્ટનું-માતાજીનું જ શરણું અને સ્મરણ ઉદભવી રહે તેને જ સાચા અર્થમાં આત્મજાગૃતિ કહેવાય.
આ આત્મજાગૃતિ દરેક વ્યક્તિ કરી શકે છે. બલ્કે દરેકે આત્મજાગૃતિ માટે પુરુષાર્થ કરવો જોઈએ એમ હું માનું છું. એમાં કશું જ અઘરું નથી. કેવળ એને માટે તીવ્રતા, ઉત્કટતા અને ઉત્કંઠાજ જરૂરી છે.
ગીતાનો ઉપદેશ અપનાવવો જોઈએ. અનાશક્તિપૂર્વક, નિખાલસભાવે, નિસ્વાર્થ પણે કર્મ કરી, ફળની લવલેશ પણ આશા પોતાના સુખ માટે ન રાખી, કર્મને બ્રમ્હાર્પણ કરીએ તેને કર્મયોગ કહેવાય.
દરેક કર્મ પ્રભુને જ અર્પણ કરવાનું છે તેવી ભાવના કરવાથી આપણે સાત્વિક કર્મ કરવા તરફ જ પ્રેરાઈશું. આપણે જે કઈ કર્મ-હોમહવન, દાન, તપ, ભોગ કરીએ તે પ્રભુને ચરણે ધરી દેવું. પ્રભુ કરાવે તે જ હું કરું છું અને જે કઈ કરું છું તે પરમાત્મા માટે જ કરુ છું.’
એવી ભાવનાથી કરેલું કર્મ પરમાત્માએ આપણા માધ્યમ દ્વારા કરાવેલું કર્મ બની જાય છે.
હું તો એટલા સુધી કહું છું કે, નિષ્કામ ભાવના એટલી હદ સુધી કેળવો કે મનમાં કોઈ પણ પ્રકારની ભૌતિક તો નહી જ નહિ, પણ આધ્યાત્મિક અભીપ્સા, ઈશ્વરના દર્શનની પણ ઇચ્છા ન રહે ત્યારે તે ઉપાસના સાર્થક, ત્યારે તે ભક્તિ સાચી ભક્તિ કહેવાય.
આ જગતમાં પરમાત્મા સિવાય કોઈ જ સર્વગુણસંપન્ન નથી. દરેકમાં કોઈ ને કોઈ અવગુણ રહેલો જ હોય છે. છતાં આપણે માની બેસીએ છીએ કે, બીજા બધા કરતાં આપણામાં કોઈ વિશિષ્ટ ગુણ-આવડત-શક્તિ છે.પરંતુ આપણામાં બીજા કરતાં વિશિષ્ટ અવગુણ છે તેનો ક્યારેક વિચાર કરતા નથી. આવી વિશિષ્ટ માન્યતા જ મનુષ્યમાં અભિમાન પ્રેરે છે.મનુષ્ય જો પોતાનીખામીઓ,અવગુણો, દોષોને જોવાનો પ્રયત્ન કરતાં શીખે તો અહંકારની નાગચૂડમાંથી મુક્ત થવાની કેડી પ્રાપ્ત થઈ શકશે.
જ્યાં પ્રભુની શરણાગતિનો આવિર્ભાવ થાય છે ત્યાં અહમને ટકવા માટે કોઈ કારણ નથી રહેતું. કારણ કે ત્યાં પરમાત્માની ઈચ્છાનો જ નત મસ્તકે સ્વીકાર કરવાનો રહે છે.
એકવાર પરમાત્મા આગળ મસ્તક નમ્યું પછી આપણા સારા- ખોટાનો, હિત-અહિતનો વિચાર જ કરવાનો રહેતો નથી.પ્રભુનાં ચરણોમાં જ્યાં આપણું અસ્તિત્વ સમર્પિત થાય છે ત્યાંપછી કોઈ જ તર્કવિતર્કને સ્થાન નથી રહેતું. પ્રભુનાં ચરણોમાં સમર્પિત થયેલા જીવનું કદી અહિત થતું નથી. તે હકીકત પ્રત્યેક મનુષ્ય-પ્રત્યેક ઉપાસકે યાદ રાખવાની છે.આટલી વાત યાદ રાખીશું તો અહમના શત્રુને વશ કરી શકીશું.
પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી દ્વારા કરૂણાસાગર મા વેદજનનીના પુનિતચરણે આજીજીપૂર્વક કરાયેલ પ્રાર્થનાઓ ફળ સ્વરૂપ માવડીએ સ્વયં માત્ર ત્રણ જ અક્ષર પરમશકિતમંત્ર – ‘ૐ મા ૐ’ નું પૂજ્ય રાજ્યોગીજીને અર્પ્યો .
ૐ માૐ મંત્રનો ભાવાર્થ – હે પરમાત્મા, આપના પરમ ચૈતન્ય થી મને પુષ્ટ કરો જેથી આપણી ચૈતન્યમય શક્તિનો સ્ત્રોત અવિરત પણે સમષ્ટિના શ્રેયાર્થે વહેતો રહે.
Copyright @ 2024 Rajyoginarendraji.com. All rights reserved.