“હે સખા, આપ દ્વારિકામાં આપનો જન્મ દિવસ ઉજવો.” શ્રી દીર્ધે શ્રી કૃષ્ણ ભગવાનને સખા ભાવે વિનંતી કરી.
“ભલે તું આયોજન કર.” શ્રી કૃષ્ણે સહજભાવે શ્રી દીર્ધના પ્રસ્તાવને આવકારતાં આયોજન કરવા જણાવ્યું.
તા. ૪-૭-૦૪ બુધવારે રાતે સ્વપ્નમાં મેં શ્રી કૃષ્ણ અને શ્રી દીર્ઘનો વાર્તાલાપ સાંભળ્યો. દ્વારિકાનગરીના રાજદરબારનો શણગાર અવર્ણનીય, અદભૂત હતો. આજે દ્વારિકાવાસીઓ, સુંદર વસ્ત્રપરિધાન કરેલા હર્ષોલ્લાસમાં રાજદરબાર તરફ જતા મેં જોયા. ગોકુળ, વૃંદાવનનાં ગોપગોપીઓ, મથુરાવાસીઓ વિવિધ વેશ પરિધાન કરેલા “કૃષ્ણ કનૈયાલાલ કી જય” બોલાવતા, રાજદરબારમાં પ્રવેશતા મેં જોયા. મેં મારી જાતને પણ ગોકુળવાસીઓના વૃંદમાં યુવા સ્વરૂપે ધોતી અને કેડીયું પરિધાન કરેલ નંદબાવા સાથે ગોષ્ઠિ કરતો જોયો.
નંદબાવા સાથે હું દ્વારકાધીશ પાસે પહોંચ્યો. શ્રી કૃષ્ણ અને નંદબાવાનું મિલન મેં નજરે નિહાળ્યું. અદભૂત ભાવોર્મિઓ બંને પિતા-પુત્ર ના મુખારવિંદ પર વરતાતી હતી. થોડીવાર પછી મેં સખા ભાવે મારો હાથ લંબાવ્યો, અને મારા પ્રિય સખા કૃષ્ણે મને પાસે ખેંચી લીધો અને હૃદયસરસો ચાંપી આલિંગન આપ્યું. દિવ્ય સ્પર્શથી રોમાંચ અનુભવતો હું જાગી ગયો. સ્વપ્ન પૂરૂ થયું પરંતુ મારી આંખમાં હર્ષાશ્રૂ વહેતા હતા. મારા માનસ પટ પર શ્રી કૃષ્ણના જન્મદિવસના મહોત્સવનું ચિત્ર અંકિત થઈ ગયું છે.
હવે મારા મનમાં વિચાર આવ્યો કે, શ્રી દીર્ઘે સખા શ્રીકૃષ્ણને દ્વારિકામાં તેમનો જન્મદિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકવા પાછળ અને શ્રી કૃષ્ણે સહર્ષ સંમતિ આપી દીર્ઘજીને ઉત્સવનું આયોજન કરવા જણાવ્યું તેનો હેતુ શું હશે?
મારા મનમાં જવાબ સ્ફુરે છે કે, બાળપણ, કિશોરવય અને યુવાનીમાં ઘણો જ સંઘર્ષ વેઠીને પણ ધર્મ ન્યાયના પક્ષે રહી, સહજ લીલાઓ કરી વ્રજવાસીઓના, મથુરાવાસીઓનાં, પાંડવકુળના હૃદયમાં પ્રેમ ભર્યું શાશ્વત સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જન્મોત્સવની ઉજવણી થકી દ્વારિકાવાસીઓ અને જગતના માનવીઓને, શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી કરાવી, જીવનમાં ધર્મ ન્યાય અને નિષ્કામ કર્મનો સંદેશ આપવાનો હેતુ જ દીર્ઘદ્રષ્ટિવાળા સખા શ્રી દીર્ઘજીએ દ્વારિકામાં દ્વારિકાધીશ બન્યા પછી જન્મોત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હશે.
અસ્તુ ….. જય શ્રી કૃષ્ણ …..