વ્હાલા આત્મીયજનો,
આજે માનવતા દિન છે. માનવતાને મહેકાવવાના શુભ સંકલ્પ સાથે મારી જીવનયાત્રા આજે ૮૭ મા વર્ષમાં પ્રવેશી રહી છે. મા ભગવતીના આશીર્વાદ, વાત્સલ્ય અને દિવ્યશક્તિ મારા સમસ્ત અસ્તિત્વમાં નૂતન ચેતનાનો સંચાર કરી રહી છે.
જ્ઞાન, ભક્તિ અને કર્મ આપણી જીવન સાધનાના ત્રણ મહત્વના આયામો છે. ઉપનિષદમાં કહ્યું છે કે, “કૈંક એવું જાણો, એવું કરો કે જે જાણવાથી કે કરવાથી બધું જ જાણી શકાય, કરી શકાય.”
સામાન્ય રીતે આપણી જીવનયાત્રા, આપણું નૂતન વર્ષ કહેવાય. આજે “રાજનૂતન” વર્ષ છે. માતા-પિતા, વડીલો, ગુરુજનો અને ઇષ્ટદેવના આશીર્વાદ, માર્ગદર્શન, પ્રેરણા મેળવવાનો પાવન દિવસ કહેવાય.
માનવજીવનના નૂતન વર્ષના પ્રારંભે પરમાત્માની “પરાવાણી” માનવને માનવતાની અને જીવન વ્યવહારની તથા આધ્યાત્મિક વિકાસની સઘળી ચાવીઓ, મહત્વ સમજાવે છે.
પરમાત્માના “પરાવાણી” માં કર્મ, ધર્મ, પ્રેમ, શાંતિ, સ્વસ્થતા, સમૃદ્ધિ, માધુર્ય, મૈત્રી, આત્મવિશ્વાસ, શ્રધ્ધા, સેવા, વાત્સલ્ય, ગૃહસ્થ જીવન જેવી અનેક બાબતનો સમાવેશ થાય છે.
પરમાત્મા કહે છે કે “પ્રાર્થના, ઉપાસના, સત્સંગ અને સ્વાધ્યાય તો આધ્યાત્મ જીવનના પ્રથમ ચરણ છે. એ તો અનિવાર્ય રીતે જીવનમાં અપનાવવું જ જોઈએ, જેના થકી આપણા આધ્યાત્મિક વિકાસનો માર્ગ સરળ, સહજ બને છે.
આપણા વર્ષોની વચ્ચે આપણા ઇષ્ટદેવ ઉભા છે. પરમનો દિવ્ય પ્રકાશ આગામી વર્ષો પર પથરાય છે. વિતેલા વર્ષો ઉપર પરમની છાયા ઢળી છે. જેમાં આપણી સઘળી સમસ્યાઓ, વેદનાઓ, નિષ્ફળતાઓ ઢંકાઈ ગઈ છે.
ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનમાં જ જીવો, નૂતન જીવનની ઉજ્જવળ અને ચૈતન્યમયી ભૂમિ પર આગળ વધો. આપણું આખુંય વર્ષ પરમના વિશ્વાસુ હસ્તમાં સુરક્ષિત છે. પરમની પ્રેરણા, માર્ગદર્શન, શક્તિ, સહાય મળતાં જ રહેશે.
પરમાત્માની પરાવાણી કહે છે કે…
“વ્હાલા બાળકો, તમારી જાતનો વિકાસ કરવાની સાથે, તમારે બીજાને પણ મદદનો હસ્ત લંબાવવાનો છે. તમારો પ્રેમાળ હાથ, હંમેશાં મદદ માટે લંબાવીને જ રાખો. સ્મિત અને પ્રેમથી અન્યના જીવનમાં તેજનો, આશા, અરમાનનો પ્રકાશ પાથરતા રહો.”
આપણે હંમેશાં આનંદ, ઉત્સાહથી ઉભરાતા રહીએ. આનંદ, ઉત્સાહ, ઉમંગ જ આપણને ટકાવશે, બચાવશે, સ્વસ્થ કરશે. પરમની લીલામાં આનંદ પામીએ. એક મધુર સ્મિત, પ્રેમનો પમરાટ, સેવા, કરૂણા વિગેરે પ્રવૃત્તિમાંથી આનંદનો, સંતોષનો અનુભવ કરીએ.
દુઃખ, શંકા, ભય, અંધશ્રધ્ધા, અંધવિશ્વાસથી અંધકારમાં અટવાયેલા માણસોને આપણો મમતાળુ હસ્ત લંબાવીને, સાચી સમજ આપીને, ખાડામાંથી બહાર કાઢીએ, તેમને હિંમત આપીએ, સધિયારો આપીએ. પરમની પરાવાણી કહે છે કે, “શ્રધ્ધા, સ્વાસ્થ્ય અને સુખની કેડી પર દોરનારા સંનિષ્ઠ, સેવાભાવી, પ્રેમાળ અને માનવતાથી મહેંકતા મારા કરૂણાસભર બાળકોની મારે જરૂર છે.” મારે આપને મારા આદર્શોના, કાર્યોના, માધ્યમ બનાવવા છે. તૈયાર થાવ, શ્રધ્ધા સાથે સમર્પણ જરૂરી છે.