આધ્યાત્મિક પિતા

વ્હાલા ગાયત્રી માતાના બાળકો,

ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે ભાવિકોના અંતરના ઉત્સાહને હું પ્રેમથી વધાવું છું. મા ભગવતીની કૃપાશિષથી એકતાલીસ વર્ષથી આપણે આત્મીય ભાવે જોડાયા છીએ. ગુરૂતત્વ સાથે આપણી આધ્યાત્મિક યાત્રા પરમના પંથે ગતિ કરી રહી છે.

આપે મને ગુરૂપદે સ્થાપી આપના હૃદય સિંહાસન પર મને સ્થાન આપ્યું છે. આપ સર્વે પરમના પ્રદેશમાં વિહાર કરો, પરમના ઐશ્વર્યનો અહેસાસ કરો, પરમની સાથે અનુસંધાન સાધો તેવી મારી ઈચ્છા છે, મારો પ્રયત્ન છે. આપની સંપૂર્ણ તૈયારી, ગુરૂતત્વનું માર્ગદર્શન અને પરમની કૃપાશિષ આપના લક્ષ્યને હાંસલ કરવામાં પાયાની જરૂરિયાત છે.

ભૌતિક જગતમાં પિતા પોતાના બાળકને મેળામાં લઈ જાય છે ત્યારે બાળક જો નાનું હોય તો પિતા તેને ગોદમાં ઉચકી લે છે. બાળક બરાબર ચાલતું થાય ત્યારે હાથ પકડી રાખીને મેળાની મજા માણે છે. બાળક મટીને યુવાન થાય ત્યારે પોતાની જાતે સ્વતંત્ર રીતે મેળામાં ફરે છે. અને પોતાની મરજી પ્રમાણે નિર્ણય લે છે. જરૂર પડે તો જ પિતાની સલાહ, માર્ગદર્શન લે છે.

સદગુરૂ આધ્યાત્મિક જીવનના પિતા છે, માર્ગદર્શક છે, પ્રેરણા પ્રદાન કરનાર છે. મારા આધ્યાત્મિક પરિવારમાં કેટલાક ભાઈબહેનો બાળક છે. કેટલાક કિશોરાવસ્થામાં છે, કેટલાક યુવાનવયમાં છે તો કેટલાક પ્રૌઢાવસ્થામાં, વૃધ્ધાવસ્થામાં છે.

આ મારો આધ્યાત્મિક પરિવાર માનવતાના મહારથી બને, ધર્મના અનુરાગી બને, આધ્યાત્મિક જગતમાં અવગાહન કરે અને જીવનયાત્રાને સુખમય, આનંદમય, પરમમય બનાવે તેવી મારી ઈચ્છા છે, મારો પ્રયત્ન છે.

જે ભાવિકો દસેક વર્ષથી ગુરૂતત્વ સાથે જોડાયેલા છે તેવા ભાઈબહેનોને પ્રાયમરી અવસ્થામાં નિહાળું છું. આ અવસ્થામાં તેઓનું શારીરિક, માનસિક, બૌધ્ધિક અને આધ્યાત્મિક સંતુલન જળવાઈ રહે તે માટે જીવનની, ધર્મ અને અધ્યાત્મની સાચી સરળ સમજ આપવી જરૂરી છે. શિસ્ત, સંયમ, નીતિ, નિષ્ઠા, પ્રમાણિકતા આપણો ધર્મ છે. પરમાત્માના કોઈપણ સ્વરૂપમાં શ્રધ્ધા રાખી ઉપાસના, ભક્તિ કરવી એ આપણા માનવીય સંસ્કાર છે. નવસિધ્ધાંતનું આચરણ આપણા જીવનઘડતરને ઉજજવળ બનાવે છે.

સત્ય, પ્રેમ, કરૂણા, સદગુણોનું આચરણ આપણા આત્માના આભૂષણો છે, તેને જીવનમાં આત્મસાત્ કરવાથી આપણી જીવનયાત્રાને સાચી દિશા પ્રાપ્ત થાય છે. સંસારના મેળામાં તેઓ ખોવાઈ નહિં જાય, શ્રધ્ધા, વિવેક અને પુરૂષાર્થથી તેઓ મેળાની ભીડને ગભરાયા વગર માણી શકશે, અંતરાયોને વળોટી શકશે.

દુનિયાની કોઈપણ તાકાત આપણુ અમંગળ કરી શકે જ નહિં. પરમાત્માની શક્તિ આપણી સાથે જ છે. અને સદાસર્વદા આપણું રક્ષણ કરતી જ રહે છે. તેવી આત્મશ્રધ્ધા તેમનામાં જાગતી રહેશે.

વ્હાલા બાળકો, આપણે એવું જીવન જીવવાનો સંકલ્પ કરીએ કે આપણો

(૧) બૌધ્ધિક અને આત્મિક વિકાસ થાય.

(૨) આપણાથી કોઈનેય અન્યાય ન થાય.

(૩) આપણાથી કોઈનોય અધિકાર ઝૂંટવાઈ ન જાય.

(૪) આપણે કોઈનાય દુઃખનું કારણ નિમિત્ત ન બનીએ.

આપણે તો આપણામાં રહેલા સ્વત્વને જગાવવાનું છે. આપણામાં પડેલા જ્ઞાનના, કલાના બીજને અંકુરિત કરવાના છે, વિકસાવવાના છે. આપણે પરમાત્માના અંશ છીએ, પરમાત્માની ચેતના, દિવ્યતા, ઐશ્વર્ય સદગુણો બીજ રૂપે આપણી અંદર સમાયેલા છે. આપણા પુરૂષાર્થમાં ગુરૂતત્વની, પરમતત્વની પ્રેરણા, માર્ગદર્શન મળતા રહે, પરમની કૃપાશિષના વારિથી આપણા બીજનો વિકાસ કરી સ્વ અને સમષ્ટિના હિતમાં ઉપયોગ કરી શકીએ એવી આપણી ભાવના હોવી જોઈએ.

૧૯૭૭ મા સીવીલ હોસ્પિટલના નિવાસમાં આપણે પ્રથમ ગુરૂપૂર્ણિમા ઉજવી હતી. શરૂઆતથી અથવા ૨૫-૩૦ વર્ષથી મારા ગુરૂતત્વ સાથે જોડાયેલા મારા આત્મિક ભાઈબહેનો, આપ સર્વે તો ધર્મ અને અધ્યાત્મના મર્મને સારી રીતે સમજી શક્યા હશો, પચાવી શક્યા હશો, માનસિક પરિપક્વતા આવી ગઈ હશે. રાજગીતાના મર્મને અપનાવજો.

સંસારના મેળામાંથી આપ વિરક્ત થઈ રહ્યા હશો. પરંતુ અનાસક્ત ભાવે સંસારની મીઠાશને માણતા હશો! પરમનું સાનિધ્ય માણતા રહેજો, પ્રેરણા મળતી રહેશે.

આધ્યાત્મિક પંથના યાત્રી બન્યા પછી આપણું જીવન આત્મચેતનાવાળું બનવું જોઈએ. ગુરૂતત્વના સાનિધ્યથી ગુરૂમંત્ર દીક્ષાથી આપણે નવજીવન પામ્યા છીએ. આપણામાં સાત્વિક, સકારાત્મક, પરિવર્તન આવવું જ જોઈએ.

જ્ઞાનનો દિપક પ્રગટાવી, અજ્ઞાનના તમસને વિદારી આપણી આત્મિક ચેતનાને જગાવવાનું કામ ગુરૂતત્વ દ્વારા થઈ રહ્યું છે. પ્રેમ, કરૂણા, સત્ય, શિસ્ત, સંયમનો આવિર્ભાવ આપનામાં થયો જ હશે. આપની સમસ્યાઓ સુલઝાવવા માટે, અંતરાયો વળોટવા માટે આપ સક્ષમ બન્યા જ હશો. હવે સ્વતંત્ર રીતે આપે આપના વર્તુળમાં માનવતા મહેંકાવવાની છે. અંતરાયો આવે ત્યારે શ્રધ્ધાસભર પ્રાર્થના કરજો, યાદ કરજો, સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે આપને માર્ગદર્શન મળતું જ રહેશે.

મારા વડીલ ભાઈ બહેનો, આપે આપની જીવનયાત્રાને આધ્યાત્મિક યાત્રામાં પરિવર્તિત કર્યા પછી આપના અસ્તિત્વમાં, આપના વ્યક્તિત્વમાં, વાણી, વર્તન, વ્યવહારમાં શું પરિવર્તન આવ્યું છે તેનું તટસ્થપણે પરીક્ષણ કરજો. આપે આપના મનથી જ મૂલ્યાંકન કરવાનું છે.

(૧) મારી શ્રધ્ધામાં મને શ્રધ્ધા છે?

મારી જાતમાં મને શ્રધ્ધા છે?

મારા ધર્મમાં મને શ્રધ્ધા છે?

ધર્મના સિધ્ધાંતોનું આચરણ હું કરી શકું છું?

(૨) જીવનની કોઈપણ સુખદ કે દુઃખદ પરિસ્થિતિમાં હું તટસ્થ રહી શકું છું?

(૩) મારા આધ્યાત્મિક વિકાસ માટે હું નિયમિત રીતે ઉપાસના, સ્વાધ્યાય, સત્સંગ કરું છું?

(૪) મારામાં સહનશીલતા, સમજણશક્તિ, સંયમ, સમતાભાવ, ક્ષમાભાવ, વર્તાય છે?

(૫) કાર્યક્ષેત્ર, વ્યવસાયમાં પ્રમાણિકતા, નૈતિકતા, દયાભાવ દાખવી શકું છું?

(૬) પરમાત્માની પ્રેરણા, પ્રત્યક્ષતા પળે પળે અનુભવાય છે?

(૭) મારી આંતરિક શક્તિ સ્થિર રહી શકે છે?

(૮) ભૂતકાળની ભૂલોને ભૂલીને નૂતન જીવન જીવવાની પ્રેરણા મળે છે?

(૯) મારામાં માનસિક પરિપક્વતા આવી છે?

(૧૦) નવ સિધ્ધાંતોને જીવનમાં અપનાવી શકાય છે?

(૧૧) રાજગીતાના અઢાર તત્વો મારા વાણી, વર્તન, વ્યવહારમાં પરિવર્તન લાવી શકે છે?

માનવજીવનનું આયુષ્ય સામાન્ય રીતે સો વર્ષનું ગણાય છે. આહાર, વિહાર, મન, બુદ્ધિ, કર્મનું સમતોલપણું સ્વસ્થ, સ્વાસ્થ્યયુક્ત જીવન પધ્ધતિ અપનાવી હોય તો જીવનયાત્રા પરિપૂર્ણ કરી શકાય છે.

જીવનયાત્રાના દરેક દશક પર દરેક આંકડા પાછળ શુન્ય આવે છે જેમકે ૧૦, ૨૦, ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦ અને ૧૦૦. દશકના આ શૂન્ય આપણને કંઈક મેળવવાનું કંઈક સમજવાનું, સાચવવાનું અને છોડવાનું સૂચવે છે.

(૧) જન્મથી દસ વર્ષનું જીવન નિર્મળ, ભોળું, ભાવનાયુક્ત છે. પ્રેમ અને સંસ્કાર મેળવવાના છે. જીદ, હઠાગ્રહ છોડવાના છે.

(૨) વીસ વર્ષના જીવન દરમિયાન વિદ્યા, વિનય, વિનમ્રતા, વિવેક જેવા સદગુણો સંપાદન કરવાના છે. આળસ, તમસ, ક્રોધ છોડવાના છે.

(૩) ત્રીસ વર્ષના જીવન દરમિયાન સાત્વિક સંપત્તિ, સંસ્કારી સંતતિ આદર્શ ગૃહસ્થાશ્રમ, પરિવાર, સમાજ રાષ્ટ્રના ગૌરવ જાળવવાની પ્રવૃત્તિ કરવાની છે. અનીતિ, કુટેવો, દુરિતા, દૂષણો છોડવાના છે.

(૪) ચાલીસ વર્ષના જીવન દરમિયાન સંસાર, સમાજ, સંતતિ, પરિવાર વ્યવસાય, વ્યવહાર અને સંપત્તિના યોગદાનમાં સંતુલન જાળવવું, સત્સંગ, સ્વાધ્યાય, સેવા સદગુરૂના શરણમાં રહેવું. લોભ, અહમ્,

અંધશ્રધ્ધા, દૂષણોથી દૂર રહેવાનું.

પચાસ વર્ષમાં પાંચની પાછળનું શુન્ય (૫૦) સૂચવે છે કે જીવનની અડધી યાત્રામાં સાત્વિક સમજણ સંપાદન કરી હવે વન પ્રવેશ થશે. પાંચની પાછળ એક લાગશે. હવે મનને વનમાં લઈ જવાનું. મનને એકાંતની આદત પાડવાની, નામ સ્મરણ, મંત્રજાપ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાયમાં રૂચિ દાખવવાની.

પચાસ પછીના બધાજ વર્ષોની જીવનયાત્રા સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવામાં કેન્દ્રિત કરીએ. મૌન અને મંત્રને પ્રાધાન્ય આપીએ.

સંસાર અને જીવનની એષણાઓમાંથી પાંચ વસ્તુઓમાં શૂન્યતા લાવવાનો પ્રયત્ન કરવાનો છે.

૧. અહંકાર – ઈગો છોડવાનો.

૨. અંધકાર – અજ્ઞાન, મોહ, માયાની આસક્તિ, અંધશ્રધ્ધામાંથી મુક્ત થવાનું. સાત્વિક જ્ઞાનનો દીપક પ્રગટાવવાનો.

૩. અધિકાર શૂન્યતા- વડીલત્વનો ભાવ અને સ્વભાવ ભૂલવાનો, ધંધા વ્યવસાયની જવાબદારી હળવી કરવાની.

૪. અંગીકાર શૂન્યતા – પદ, પ્રતિષ્ઠાનો ભાર હળવો કરવો, ભેટ સોગાદો ભેગું કરવાની વૃત્તિ છોડવાની.

૫. અલંકાર શૂન્યતા – આભૂષણો, અલંકારો વસાવવાનો, સજાવવાનો મોહ હળવો કરવાનો.

સત્ય, પ્રેમ, કરૂણા, અહિંસા, સેવા, સ્વાધ્યાય, સત્સંગથી જીવનને અલંકૃત કરવાનું.

સાંપ્રત સમયની સમાજ વ્યવસ્થામાં વિભક્ત કુટુંબ પ્રણાલિ, શિક્ષણ અને વ્યવસાયનો વિકાસ વિગેરે પરિવર્તનશીલ જીવનને અનુલક્ષીને વડીલોએ પોતાના વૃધ્ધત્વનું ગૌરવ જળવાય, આત્મબળ, મનોબળ, શરીરબળ અને બુધ્ધિબળનું આયોજન પચાસથી સાઈઠ વર્ષના સમય દરમિયાન કરવું જોઈએ.

પરિવારના સભ્યો સાથે આત્મીયભાવ વધે. આનંદ, ઉત્સાહનું આદાન પ્રદાન થાય, પ્રેમનો તંતુ વધુ મજબૂત બને તે માટે પરિવારને સમય આપો, સંસ્કાર આપો. પરિવાર – સંતાનો સાથેનો લાગણીનો, આદરનો, પ્રેમનો સેતુ એ વૃધ્ધત્વની અનમોલ સંપત્તિ બની રહેશે.

પચાસ વર્ષના આયુ પછીનું જીવન ધીમેધીમે શારીરિક અશક્તિ, વ્યાધિમાં ન સપડાય, મન, બુધ્ધિ અને આત્માનું ઓજસ જળવાઈ રહે, વધતું રહે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ.

૧. શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સાત્વિક, સમતોલ, રૂચિકર,

સમયસર, ભોજન કરવું, પ્રાણાયામ યોગાસન કરવાં.

૨. મનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે મનને સકારાત્મક, રચનાત્મક

વિચારોમાં, ચિંતન, મનનમાં વ્યસ્ત રાખવું. સેવા, સત્સંગ, સ્વાધ્યાયથી મનને હંમેશાં ગતિશીલ રાખવું. “IDLE MIND IS DEVIL’S HOUSE” ના બને તે માટે સતત જાગૃત રહેવું.

૩. બુધ્ધિની સ્વસ્થતા – સકારાત્મક અભિગમ, રચનાત્મક પ્રવૃત્તિ પોતાને

ગમતી હોબીથી બુધ્ધિની શુધ્ધિ કરતા રહેવું.

૪. આત્માનું ઓજસ જાળવવા-વધારવા માટે નિયમિત રીતે, શિસ્તબધ્ધ રીતે પરમાત્મા સાથે અનુસંધાન સાધતા રહેવાનું. નિયમિત ઉપાસના, ધ્યાન, પ્રાર્થના, સત્સંગ, ચિંતન, મનન, યોગાસન, પ્રાણાયામ કરતા રહેવાથી આપણા વ્યક્તિત્વમાં નિખાર આવે છે.

૫. આર્થિક સ્વાવલંબન – નોકરી, વ્યવસાયમાંથી નિવૃત્ત થયા પછી સારી રીતે, આપણી ક્ષમતા-અપેક્ષા અનુસાર આત્મગૌરવથી જીવન જીવી શકાય તે માટે પાયાની જરૂરિયાતો જેવી કે રહેવાનું મકાન, જીવન નિર્વાહ માટે આર્થિક સધ્ધરતાનું આયોજન નિવૃત્ત થતા પહેલાં જ કરી રાખવું જોઈએ. પતિ-પત્નિએ જીવનના છેલ્લા શ્વાસ સુધી માનસિક સ્વસ્થતા અને આર્થિક સધ્ધરતા રાખવી જરૂરી છે.

પોતાના જીવનકાળ દરમિયાન જ દયા, દાન, પરોપકાર, સેવાકીય કાર્યો કરી સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવું. “હાથે તે સાથે” તે ઉક્તિ અનુસાર જાતે જ પોતાનું પ્રારબ્ધ નિર્માણ કરવું.

પોતાના પુરૂષાર્થથી પ્રાપ્ત કરેલી ધનસંપત્તિનું વસિયત કરી રાખવું જેથી સંપત્તિ વાપરનાર સંતાનો, પરિવારના સભ્યો સુખી થાય અને પરિવારનો સુસંસ્કાર વારસો જળવાઈ રહે.

સંતાનો દેશમાં કે પરદેશમાં પોતાના પરિવારમાં અને પોતાના માળામાં સ્થિત-સ્થિર થયા હોય તો તેઓને વડીલોની સંભાળનો વધારાનો બોજ ન આપતાં અનુકૂળતાએ પ્રસંગોએ મળતા રહેવું, આનંદ કરતા રહેવું તેમાં બંનેનું સ્વમાન અને ગૌરવ જળવાઈ રહે.

અપેક્ષા રહિત જીવન જીવવું અને વ્યવહારો નિભાવવામાં જ સુખ અને સંતોષ માણવો.

વ્હાલા બાળકો, આધ્યાત્મિક પિતાના નાતે આપણે આત્માથી, હૃદયના ભાવથી જોડાયેલા છીએ. માતાજીએ પોતાના પ્રતિનિધિ તરીકે આ સંસારમાં સાત્વિક્તા, માનવતા પ્રસરાવવા માટે મારી વરણી કરી છે.

આપ સર્વે શ્રધ્ધાની સંપત્તિ સાથે રાખજો. વિશ્વાસના વહાણમાં બેસીને ગુરૂતત્વના સહારે જીવનયાત્રાનો આનંદ માણતા રહેજો, દિવ્યતાની અનુભૂતિ થતી રહેશે.

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી