જીવન યાત્રાનું પ્રથમ ચરણ

સૃષ્ટિમાં વિહરતા સર્વ જીવાત્માઓ પરમાત્માના અંશ જ છે. તેથી બધા જ આત્માઓમાં પરમાત્માના ગુણધર્મો સમાયેલા છે. જેવી રીતે સમુદ્રના પાણીનો ગુણધર્મ એ તેમાંથી લીધેલા બુંદ (પાણી) નો ગુણધર્મ સમુદ્રના પાણી જેવો જ હોય.

આપણી જીવન યાત્રા દરમ્યાન આપણને સમજાઈ જાય તો પરમાત્માના ગુણધર્મો જેવા આપણે નિરોગી, આનંદસ્વરૂપ, સદ્ગુણોથી સભર બની શકીએ.

આત્માના ગુણધર્મો માયાવી મોહજાળમાં દબાઈ ગયા, વિક્ષુબ્ધ થઈ ગયા. પરમાત્માના દિવ્ય સ્રોતમાંથી વહી આવતું આપણું જીવન કૂટાઈ જાય છે. આપણી શક્તિ માર્યાદિત થઈ જાય છે.

માનવ જીવનની આશા, ઈચ્છા, એષણાઓ દ્વારા મન અને ઇન્દ્રિયોનો બહેકાવ વધી જાય છે. ષડવૃત્તિઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વિગેરે દુર્ગુણોનો વ્યાપ વધવા માંડે છે. જીવાત્મા કર્મના બંધનમાં બંધાતો જાય છે. પરમ પિતા પરમાત્મા સાથેનું જોડાણ ઘટી જાય છે, તૂટી જાય છે, છૂટી જાય છે.

આપણે પરમાત્મા સાથે ફરીથી સંબંધ બાંધવો હોય, આત્મીયતા પ્રસ્થાપિત કરવી હોય તો પરમની દિવ્ય ચેતના ને અભિમુખ થવું પડે. પરમના દિવ્ય પ્રવાહમાં વહેતા શીખવું પડે. સાત્વિક નીયમો, સાત્વિક જીવનશૈલી અપનાવવી પડે. સત્સંગ, સ્વાધ્યાય, ઉપાસનાનો નિયમ બનાવી પરમાત્મા સાથે તન, મન, આત્માથી જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જીવન, પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ફરજો બજાવતા નૈતિકતાના મૂલ્યોને અનુસરીએ અને નિઃસ્વાર્થ ભાવે પરમાત્મા સાથે અનુસંધાન સાધતા રહીએ. આધ્યાત્મિક જીવન જીવવાની સાચી સમજ કેળવાય, અપનાવાય તે જ જીવન યાત્રાનું પ્રથમ ચરણ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી