જીવનનો ઉદ્દેશ

આપણે જીવનને સાત્વિતકતાથી સભર કરવું હોય તો આપણે આપણા  વ્યક્તિત્વને વિકૃત કરતા વિવિધ પરિબળો, અવગુણો, માથી મુક્ત થવું જ પડે. સુખ અને સફળતા જોઈતા હોય તો અળસિયા જેવા ઢીલા રહીએ તે ના ચાલે. આપણે તન, મન અને આત્માથી પ્રબળ બનવાનું છે. સંસારના પ્રવાહમાં તણખલાની જેમ ગમે તેમ ફંગોળાવવા માટે આપણું જીવન નથી જ. આપણે જવાબદારી ભર્યું હર્યું ભર્યું જીવન જીવવા માટે સર્જાયા છીએ.

પરમાત્મા એ માનવ જાતને અપાર શક્તિઓ આપેલી છે. સ્વ અને સમષ્ટિના શ્રેય માટે આ દિવ્ય શક્તિઓનો ઉપયોગ, વિનિયોગ થવો જ જોઈએ.

પરમહંસ યોગાનંદના મત અનુસાર આપણું અંતઃકરણ જ સ્વયં પરમાત્મા છે. આપણી અંદર જે દિવ્યતા રહેલી છે તે જ આપણને સદ્ગુણોથી, સાત્વિકતાથી, વિવેકથી સભર બનાવે છે.

જીવનના અને જગતના તમામ મોરચે અખંડ સાચો પ્રેમ, સમજણ, હિમ્મત અને પુરુષાર્થ જરૂરી છે. ધિક્કારનો પ્રતિકાર પ્રેમ દ્વારા જ થઈ શકે, હિમ્મત દ્વારા જ હતાશાને હટાવી શકાય, વિવેક અને સમજ દ્વારા જ ગેરસમજને દૂર કરી શકાય.

ઈર્ષા, નિંદા, ધિક્કારને હટાવી પ્રેમ વધારીએ

મનની ક્યારી માથી અશાંતિ હટાવી શાંતિને સજાવીએ. અંતઃકરણના અવાજને, પ્રેરણાને પરમની વાણી સમજીને અનુસરીએ. હંમેશા પરમાત્મા સાથે જ જોડાયેલા રહીએ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી