પરમાત્મા સાથે અનુભવીએ સાચું સગપણ

વ્હાલા આત્મીયજનો,
શ્રધ્ધા ધામમાં મારી દિવ્ય માવડી મા ગાયત્રીને નિવાસ કરીએ 33 વર્ષ પૂર્ણ થયા અને ૩૪ માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે.

શ્રધ્ધામાં મા ની હાજરી અહર્નિશ વર્તાતી રહે છે. શ્રધ્ધાથી શ્રધ્ધામાં પધારી માવડીના સન્મુખ થનારને માવડીની હાજરી વિવિધ રૂપે અનુભવાય છે એવો ભાવિકોનો અનુભવ છે.

શ્રધ્ધામાં સન્મુખ થયા પછી માતાજીને હૃદય સિંહાસન પર બિરાજમાન કરો, સ્થાપિત કરો અને પછી માતાજીની દિવ્યતાનો અનુભવ કરો. “હું દર્શન કરીને આવ્યો” એટલું જ પૂરતું નથી પરંતુ “હું માતાજીને આદરસહ મારા સમસ્ત અસ્તિત્વ પર બિરાજમાન કરું છું” એવો પ્રયત્ન કરવો જરૂરી છે.

આપણી પ્રાર્થના, આપણી વિચારશક્તિનું પ્રતિબિંબ છે. વિચાર શક્તિ દ્વારા જ આપણામાં સર્જકશક્તિ પેદા થાય છે. આપણા મુખમાંથી બોલાયેલો પ્રત્યેક શબ્દ, આપણા ભીતરના મનોવ્યાપરનું બાહ્ય પ્રગટ સ્વરૂપ જ છે એટલે આપણી ભાવસભર પ્રાર્થના પરમાત્માને પ્રત્યક્ષ કરવાનું સાધન માત્ર જ છે. ભાવ ભક્તિ અને અશ્રુથી કરાયેલ આર્તનાદ પરમાત્માને પ્રત્યક્ષ થવા ફરજ પાડે છે, મજબૂર કરે છે.

વિચારોને નિર્મળ બનાવીએ, તેમાં અદભુત સામર્થ્ય રહેલું છે. આપણા સાત્વિક, સકારાત્મક વિચાર, પ્રાર્થના પરમાત્માની ગેબી સહાય મેળવી આપે છે. પ્રેરણા પ્રદાન કરે છે. ક્યારેક પ્રત્યક્ષ પ્રગટ થઈને મદદનો, સહાયનો હસ્ત લંબાવે છે.

પરમાત્માને વાસ્તવમાં આત્મીયજન, માતા-પિતા, બંધુ, સખા બનાવી પછી અનુભવો તેનું સાચું સગપણ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી