હૃદય સાધના મંદિર છે.

એક સંતે સુંદર રીતે સમજાવ્યું છે કે માનવ જીવનની બેજ દિશા છે. – એક ઉર્ધ્વગામી બીજી અધોગામી. એક દિશા પરમાત્માના સાત્વિક સુખ સાગરમાં  જવાની અને બીજી દિશા માયાના મહાસાગરમાં મહાલવાની છે.

જાગૃતિ અને સધન સાધના દ્વારા પરમાત્માના પ્રેમ મય પ્રદેશમાં પહોંચી શકાય છે. પેદ, પ્રતિષ્ઠા અને માયાના આવરણમાં અટવાઈ રહેવાથી પરમાત્માની વિરૃધ્ધ દિશામાં જીવન ફંગોળાઈ જાય છે.

પરમ પ્રગતિ કરવી એ જીવનનો સદ્વ્યય- સદ્વ્યવહાર છે, અને વિરુદ્ધ દિશામાં ગતિ કરવી એ જીવનનો દુર્વ્યય- દુર્વ્યવહાર છે. આળસ, પ્રમાદ, તમસ થી જીવનની અધોગતિ થાય છે.

જીવનનો સદ્દઉપયોગ કરવા માટે આપણે આપણા હૃદયને સદભાવનાનું, પ્રેમનું સદ્વ્યવ્હારનું મંદિર બનાવીએ. આપણું હૃદય એક સુંદર સાધના મંદિર છે. પરમાત્માને પામવાનું એનું સાનિધ્ય માણવાનું ઉત્તમ, સુંદર સ્થાન છે. 

આત્માની ચેતનાના સહારે જો આપણે સાત્વિક જીવન જીવીશું , યાત્રા કરીશું તો આપણા આધ્યાત્મિક અને સર્વાંગી વિકાસનો રાજમાર્ગ કંડારી આપશે. આપણો પ્રયત્ન અને પરમનો પ્રકાશ- પરમની ચેતના આપણામાં શક્તિનો સંચય કરશે, વિકાશની ક્ષિતિજો વિસ્તરી આપશે.

શ્રદ્ધા, સમર્પણ અને પ્રાર્થનાથી જીવનને સજાવીએ. જીવનની પ્રત્યેક પળને ઉર્ધ્વગામી બાનવીએ. ગમેતેવી પરિસ્થિતિ નિર્માણ થાય પરંતુ આપણે પરિસ્થિતિને બાળક જ સમજવાનું, બાપ નહિ જ. પરિસ્થિતિ સર્જક નથી, આપણું સર્જન છે. આપણી

અંદરની તાકાત હશે તો કોઈપણ અવરોધની તાકાત આપણને રોકી શકશે કે હંફાવી શકશે નહિ. અવરોધને વળોટવાની હિમ્મત યુક્તિ અંદરથી જ મળી રહેશે. ધુમ્મસના પડદા પાછળ આપણું સ્વપ્ન શિખર છુપાયેલું જ છે. હિમ્મતથી આગળ વધીએ અને સ્વપ્ન શિખરને આલિંગન આપી દઈએ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી