પ્રસન્નતા એક દિવ્ય જડી બુટ્ટી

પરમાત્માની ચેતન સૃષ્ટિમાં પ્રસન્નતા સર્વત્ર વ્યાપ્ત છે. પશુ-પક્ષી, વૃક્ષ, ફૂલ-છોડ, વિગેરેનું જીવનમાં હંમેશા પ્રસન્નતાના જ દર્શન થાય છે.

પ્રસન્નતા એટલે પરમ સામિપ્ય 

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે….

“પ્રસન્ન ચેતસો  ધ્યાંશું બુદ્ધિ: પર્યવતિષ્ઠતે “

પ્રસન્નતાથી માનવ બુદ્ધિ સ્થિર થાય છે. લક્ષ્ય પ્રત્યે એકાગ્ર બની શકે છે. અને સમયોત્તરે લક્ષ્ય પ્રાપ્તિ કરી શકે છે. પ્રસન્નચિત્ત વ્યક્તિ જ ઉપાસનામાં, ધ્યાનમાં એકાગ્રતા કેળવી પરમાત્માના પ્રેમનો અધિકારી બની શકે છે, પરમાત્માનું સામીપ્ય માણી શકે છે. 

સ્વામી વિવેકાનંદના મતે  ” પ્રસન્નચિત્ત રહેવાથી ઝડપથી પરમાત્માની સમીપ જઈ શકાય છે.” પ્રસન્નતા સંસારની આપા ધાપીમાંથી, દુઃખો, કષ્ટોમાંથી, મુક્ત કરનાર જડી બુટ્ટી છે. જે પરમાત્માએ દરેક વ્યક્તિને જન્મતાની સાથે જ આપેલી છે. પરંતુ આપણે અજ્ઞાનતાને કારણે પ્રસન્નતાને શોધવા બહારના જગતમાં ભટકીએ છીએ. બહારનો આનંદ, પ્રસન્નતા ક્ષણિક હોય છે. મન બુદ્ધિને સ્થિર, એકાગ્ર કરીને અંતરની યાત્રા શરુ કરીએ ત્યારે જ આ દિવ્ય જડી બુટ્ટી મળે છે. જેનાથી આપણું જીવન અને સમગ્ર વાતાવરણ પ્રસન્નતાથી વ્યાપી રહે છે, અને અન્યના જીવનને પણ મધુર-પ્રસન્ન બનાવે છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી