સંકલ્પ શક્તિ

જીવન  દરમિયાન જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે, શારિરીક, માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં  વિકાસ કરવા માટે સંકલ્પ શક્તિ અને પુરુષાર્થના બે હલેસા લઈને જ સંસાર  સાગરમાં આપણી જીવનયાત્રા ગંતવ્ય સ્થાને પહોંચાડવાની છે.

સતત ગતિ કરતા રહીને, આગળ વધતા રહીને અશક્યને અને અંતરાયોને વળોટવાની તાકાત કેળવવા અને શક્તિ મેળવવા પરમનું સતત સ્મરણ જીવનમાં વિશેષ ઉર્જા અને ઉત્સાહ અર્પતા રહેશે.

“અશક્યને” આપણે દબાવી દઈએ તો અશક્યનું નામોનિશાન રહશે જ નહિ. અશક્ય ને શક્યતામાં પરિણમવા માટે દ્રઢ મનોબળ, સંકલ્પબળ અને ઈચ્છા શક્તિ સાથે સાથે પુરુષાર્થનું બળ ઉમેરવાની જરૂર છે.

વિજય અને વિકાસના દ્રઢ સંકલ્પ સાથે નિશ્ચિત કાર્યનો આરંભ કરવાથી સફળતાનો સુરજ જરૂર પ્રકાશશે જ.

આપણા વડા પ્રધાન શ્રી મોદીજી આપણા માટે સાંપ્રત સમયમાં જ્વલંત પ્રેરણા સ્ત્રોત છે. જ્યાં ડગ ભરવાની જગ્યા ન હોય ત્યાં આ સંકલ્પબદ્ધ મહાપુરુષો રાજમાર્ગ બનાવી દે છે.

દ્રઢ અને નિશ્ચયાત્મકતાથી આત્માની આસ પાસ જગ્યા થઈ જ જાય છે. માણસ બોલે ઓછું, સમજે વધારે અને પુરુષાર્થ કરતા જ રહેવાથી વ્યક્તિનો ઉદ્ધાર થઈ જ જાય છે.

સ્વામી વિવેકાનંદજીએ રણકાર કર્યો છે કે, ” નિશ્ચય શક્તિ વાળાને ઘણા હાથ હોય છે. દ્રઢ નિશ્ચય કરશો તો તમારા બે હાથમાં બારસો હાથનું બળ આવી જશે, પછી તમારા માટે અશક્ય જેવું કંઈ જ નહિ હોય. દ્રઢ નિશ્ચય વાળા બનો. આપણે સર્વાંગી વિકાસ માટે સંકલ્પબળને વળગી રહીએ, પુરુષાર્થ અને પરમની કૃપાના આગ્રહી બનીએ તો સફળતા આપણા ચરણ ચૂમશે જ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી