પરમશક્તિનો પાટોત્સવ

વ્હાલા આત્મીયજનો,

શ્રધ્ધા તીર્થ ધામમાં આજે માતાજી-પરમશક્તિ મા ગાયત્રીનો ૩૫ મો સ્થાપના દિન ઉજવાઈ રહ્યો છે.

શ્રધ્ધા ધામ એક આધ્યાત્મિક ઉર્જા કેન્દ્ર બની રહ્યું છે. સવા કરોડ મંત્ર પોથીમાંથી સ્ત્રવતા મંત્રમય આંદોલનો સમગ્ર વાયુમંડળને ઉર્જાવાન, પવિત્ર બનાવી રહ્યા છે.

શ્રધ્ધા ધામમાં, શ્રધ્ધા, શરણાગતિ સાથે નિર્મળ, નિર્દોષ ભાવથી દર્શનાર્થે અને સત્સંગમાં આવતા ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ મેળવે છે. સત્સંગથી મન અને તન પુષ્ટ કરે છે.

શ્રધ્ધા ધામમાં, માતાજીના ચોકમાં, કુટિરમાં, વિવિધ ધાર્મિક ઉત્સવો જેવા કે ગુરૂપૂર્ણિમા, માનવતાદિન, શિવરાત્રી, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી- આધ્યાત્મિક ચેતના સભર ઉજવાય છે અને દિવ્ય સુવાસ, આહલાદકતાનો, માતાજીની પરોક્ષ ઉપસ્થિતિ- હાજરીનો અનુભવ વર્તાય છે.

તીર્થભૂમિનું મહત્વ, દર્શન, આનંદ, ઉત્સવ, સત્સંગના માધ્યમથી વ્યક્તિગત જીવનમાં સકારાત્મક, સાત્વિક પરિવર્તન જેવા કે નિ:સ્વાર્થ સેવા, વિવેક, વિનય, વિનમ્રતા, સંવેદના, સહનશીલતા, સદભાવના, ક્ષમાભાવ આવવા જોઈએ. પરમાત્મા સાથે સદાય જોડાયેલા રહેવા માટે નિયમિત ઉપાસના, સ્વાધ્યાય, સત્સંગને જીવનના દૈનિક કાર્યોમાં વણી લેવા જોઈએ. 

શ્રધ્ધાવાન ભાવિકોનું જીવન, આધ્યાત્મિકતાના રંગે રંગાયેલું રહે તેવા આશીર્વાદ. 

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી