રામ મન વાળા જ થઈશું
4778
post-template-default,single,single-post,postid-4778,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Adhyatmik kedi

રામ મન વાળા જ થઈશું

23 Apr 2019, Adhyatmik kedi, Articles

 

મા ગાયત્રીના વ્હાલા બાળકો,                                           

આજે સૂર્યવંશી રામચંદ્રજીનો જન્મદિવસ છે. સ્થૂળ ઉપસ્થિતિ અથવા હયાતિ હોય છતાય જેનો જન્મદિવસ યુગોપર્યંત ઉજવાતો રહે, લોકહ્રદયમાં જે આરૂઢ થઇ ગઈ હોય તેવી અમર વ્યક્તિ સંત, અંશાવતારી કે અવતારી મહાપુરુષ હોય કે જેના રોમેરોમમાં પરમતત્વ હમેશા વિલસી રહ્યું હોય.

રામચંદ્રજી તેમના યુગમાં એક લોકલાડીલા રાજકુમાર, રાજા હતા. પરમના અંશની પહેચાન તે સમયના લોકોને ન હતી. રામજીનો યુગ ત્રેતાયુગ હતો તેથી સાત્વિકતાનો પ્રભાવ ત્રણ ભાગે હતો. અને અસાત્વિકતા આસુરી વૃતિનો વ્યાપ એક ભાગ હતો.

મંથરા, ધોબી, રાવણ જેવા આસુરી તત્વો સામે રામજીએ ઝઝુમવું પડ્યું, સહન કરવું પડ્યું.

મંથરા એટલે રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને કૂટકપટ થી ભરેલું મન.

ધોબી એટલે નિંદાખોરી અને અસહિષ્ણું મન.

રાવણ એટલે કામી અને અહંકારી મન.

રામ એટલે સાત્વિક અને દૈવી ગુણોથી સભર મન.

સાંપ્રત સમયમાં રામ મન ધરાવતો સમાજ વિશ્વમાં એક જ ભાગમાં વ્યાપ્ત છે જયારે મંથરા, ધોબી અને રાવણ મન ધરાવતો સમાજ વિશ્વમાં ત્રણભાગમાં વ્યાપ્ત છે. એટલા માટે તો સ્વાર્થયુક્ત સંબંધો અને સગપણ નિભાવાઈ રહ્યા છે. અવિશ્વાસનું વાતાવરણ સર્વત્ર વર્તાય છે. પિતા- પુત્ર, પતિ – પત્નિ, ભાઈ – ભાઈ, મિત્ર – મિત્ર વગેરેમાં અશાંતિ, ઉચાટ, અસલામતિ અને દૂર્વુંતિઓ, સ્વાર્થ અને અહમનું વાતાવરણ દ્રષ્યમાન થાય છે, અનુભવાય છે. માન મર્યાદાનો લોપ થઇ ગયો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર યુક્ત મનવાળા માનવીઓ વધતા જાય છે અને પૃથ્વી પર અસાત્વિકતાનું, પાપનું ભારણ વધારી રહ્યા છે.

આવા મંથરા, ધોબી અને રાવણ મનને કેવી રીતે બદલી શકાય ? કેવી રીતે પરિવર્તિત કરી શકાય ? આવા મેલા મનને કેવી રીતે ધોઈ શકાય ?

બાહ્ય મલિનતા ધોવા માટે શુદ્ધ જળ અને સાબુ ની જરૂર પડે, સુગંધિત અને તાજગીભર્યું બનાવવા માટે સુગંધિત પ્રસાધન જોઈએ, જે સ્નાન કરી શરીરની બહારનો, ચામડી પર નો મેલ ધોઈ શકાય અને તાજગી અનુભવી શકાય, પરંતુ શરીરની ભીતરની મનની મલિનતા કેવી રીતે સાફ કરી શકાય? ધોઈ શકાય ?

મનની મલિનતા ધોવાનો અને અંતરને અજવાળવાનો એક માત્ર દ્રઢ સંકલ્પ થઇ જાય અને તે દ્રઢ સંકલ્પની પરિપૂર્તિ અર્થે જો સાત્વિક પુરુષાર્થ કરવામાં આવે તો મેલા મનના મેલ ને ધોઈ શકાય.

સત્સંગ, સંતસમાગમ, સદગુરુનું શરણ મનના મેલ ના થર ને ધોવા માટે નું નિર્મળ, શીતળ વારી છે, ધ્યાન, મંત્રજાપ, નામસ્મરણ, ઉપાસના થી મનના વિચારો, તરંગોને અંકુશ માં લાવી શકાય છે.

વાલિયા લુંટારાને નારદમુનીનો સમાગમ – સંત સમાગમ થયો. રામ નામ નો મંત્રજાપ મળ્યો અને તેનું મેલું મન ધોવાઇ ગયું, પવિત્ર થઇ ગયું અને વાલ્મીકી ઋષિ બની ગયા, આત્મિક શક્તિઓ જાગૃત થઇ ગઈ.

ૐ મા ૐ