રાધા – રાધિકા
4166
post-template-default,single,single-post,postid-4166,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Articles

રાધા – રાધિકા

15 Aug 2017, Articles, Others

રાધા – રાધિકા

તારીખ 15/08/2017 ને જન્માષ્ટમીના દિવસે પૂજ્ય. ગુરુદેવે કુટિરમાં આપેલું પ્રવર્ચન

( આ હું કહુ છુ તેને શાસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી, મારું અંગત જ છે. ભાષા, વ્યાકરણ બધું મારું અંગત છે. એટલે કોઈ કહે કે ‘ આ શાસ્ત્ર માં આમ  છે’  શાસ્ત્ર ની વાત નથી આ મારી વાત છે. મારી અંગત વાત છે.)

મારા વાહલા રાધા-કૃષ્ણના બાળકો,

આજે અષ્ટમી છે. આપણે કૃષ્ણને તો ઘણો યાદ કર્યો, કૃષ્ણ પર તો ઘણું બધું બોલાઈ ગયું, ઘણી ઘણી વાતો થઇ ગઈ, પરંતુ કોઈએ રાધાને યાદ નથી કરી. રામાયણમાં જેમ ઉર્મિલાનું પાત્ર નથી ઉપસાયુ તેમ ભાગવતમાં પણ રાધાના પાત્રને ઉપસાવ્યું નથી, તેના પાત્રને અન્યાય કર્યો છે. તો આજે રાધા માટે થોડી વાતો કરીએ.
રાધા એ ગોકુળના બાજુમાં એક બરાસ ગામ હતું. ત્યાંની દીકરી હતી. એ ગોકુળમાં આવી હતી. અને તે દિવસે કૃષ્ણનો રાસ રમાયો અને બંસરી વાગતી હતી અને તે બંસરીના સુર સાંભળી ને ફરતી ફરતી રાધા આવી અને જોયું કે કાનો, નાનો બાળ ત્યાં બંસરી વગાડે છે, નાચે છે. તેને પૂરો આનંદ આવી ગયો, અને એ ત્યાંથીજ કૃષ્ણ ને વરી ગઈ.- હું કૃષ્ણને સમર્પિત થઇ જાવ છુ.
લોકો તો વિખરાઈ ગયા. પણ બીજે દિવસે એ કૃષ્ણને મળી ને કૃષ્ણને વાત કરી તો કૃષ્ણ કહે છે, “આપણે સ્વેચ્છાએ સાથે રહીશું, આપણે આપણી જીન્દગી સાથે વિતીવીશું.” અને ત્યાર પછી રાધા ત્યાં રહી અને અનેક કામો કર્યા.
હવે એમાં એક દિવસ એવું થયું કે કૃષ્ણને તાવ આવ્યો.

કૃષ્ણને તાવ આવ્યો અને તાવ બે – ત્રણ દિવસ ઉતર્યો નહિ.રાધા વિચાર કરે કે કૃષ્ણ કેમ દેખાતો નથી? એટલે રાધા દોડતી દોડતી નંદબાબાને ઘરે ગઈ. ત્યાં કૃષ્ણ સુઈ રહેલો હતો. નંદબાબા એ કહ્યું  કે,  “ કૃષ્ણ ને તાવ આવ્યો છે.“ રાધા કહે, “ મને બતાવો.“ રાધાએ જોયું, કૃષ્ણ ત્યાં સુઈ રહેલો હતો. રાધાને થયું જો મેં આટલું આત્મા સમર્પણ કર્યું છે તો મારી સ્વાર્પણ ભાવના થી હું કઈક કરું. એટલે એણે કૃષ્ણનો હાથ પોતાના હાથમાં લીધો. અને એમ નક્કી કર્યું કે કૃષ્ણનો તાવ મને આવી જાય અને કૃષ્ણ સારો થઇ જાય અને પા કલાકમાં જ કૃષ્ણ સારો થઇ ગયો. અને રાધાને તાવ આવી ગયો.
આ વાત કહેતા મને ઠાકોરની – રામકૃષ્ણ પરમહંસની એક વાત યાદ આવે છે. એક વખત રામકૃષ્ણ પરમહંસને ૧૦૫ ડીગ્રી તાવ હતો. એ સુઈ રહ્યા હતાં અને કોઈ પરદેશનો માણસ મળવા આવ્યો. શિષ્યએ તેમને કહ્યું કે, “પરદેશના કોઈ ભાઈ મળવા આવ્યા છે.”  “હું આવું છુ.” અને ઠાકુર બેઠા અને ઠાકુરે પોતાનો  તાવ ઓઢેલી ચાદર – એ ચાદરને ચઢાવી દીધો. અને ઠાકુર મળવા ગયા. તેમને મળી અડધો કલાક પછી પાછા આવ્યા અને પછી એ તાવને પાછો લઇ લીધો. આ આપણા હિન્દુસ્તાન ના સંતો છે. હિન્દુસ્તાનની ભાવના છે.
હવે રાધાનો બીજો કિસ્સો કહું.

જયારે કૃષ્ણ નદીમાં પડ્યો, નાગ નાથીને આવ્યો, ફર્યો, ને જીતીને ઘરે આવ્યો ત્યારે રાધાને થયું ‘ એ નાગનો સ્પર્શ કૃષ્ણ ને થયો છે તો એને કોઈ અનિષ્ટ ના થાય કે શરીર માટે મારે કાઈક કરવું જોઈએ.’ એટલે તે વનસ્પતિઓ લઇ આવી અને ઉકાળી. વનસ્પતિના આ પાનથી હું કૃષ્ણને નવડાવું. અને તે રાત્રે તે કૃષ્ણને ઘરે જઈ નંદબાબાને વિનંતી કરી કે, “મારે કૃષ્ણને નવડાવવો છે. કારણકે તેના ઉપર જે નાગ હતો તેનું અનિષ્ટ તત્વ આવે નહિ.” એટલે તેણે કૃષ્ણને નવડાવ્યો અને તેનું અનિષ્ટ દુર કરી દીધું.
એટલે પરમાત્મા પણ અનિષ્ટને દુર કરવા સમર્થ થાય છે. એટલે પરમાત્માનું સ્મરણ કરો એટલે તમારું અનિષ્ટ દુર થઇ જાય.
પછી એક ત્રીજો કિસ્સો કહું. એક કદમના ઝાડ ઉપર કાનો ચડ્યો હતો. નીચે ઉતરતા તેનો હાથ ઊતરી ગયો ને તે ઘરે ગયો. રાધાને ખબર પડી ને એ આવી ને કહે, “ આ શું છે – શું છે.” રાધાએ હાથ પકડી ને આમ બેસાડી દીધો.
એક વખત રાધા કાલીન્દીને કિનારે કપડા ધોતી હતી. અને ગોપ બાળકો ત્યાં રમતા હતાં.  અને એકદમ પુર આવ્યું. રાધા તણાઈ અને તેણે બુમ પાડી એટલે ગોપ બાળકોની સાથે કૃષ્ણ પણ અંદર તર્યા અને રાધાને બહાર કાઢી અને રાધા જીવિત રહી.
આ રીતે રાધા કૃષ્ણનું જીવન પસાર થયું. પરંતુ વખત એવો આવ્યો કે વિદાયની વેળા આવી. કૃષ્ણને ગોકુળથી વિદાય થવાનું આવ્યું.  એ બહુ વસમી વિદાય છે.
છેલ્લી રાત્રીએ રાધા કૃષ્ણને મળી, અને કૃષ્ણ પાસે બેસી રહી. રાધા કહે, “ મારા આશું થી નવડાવી દેવો છે. મારા આંશુથી તુ નાહીને જા.” કૃષ્ણ કહે, “ તું એમ ના કર, આશું ના પાડ, હું તારી પાસેજ છુ, તું મારી પાસે જ છે, આપડે એમ રાખશું. અને હું જ્યાં જઈશ ત્યાં તને યાદ કરતો રહીશ.ભલે હું ગોકુળ પાછો આવવાનો નથી પરંતુ હું તારી સાથેજ રહીશ. તારા માટે રહેવાની વ્યસ્થા નંદબાબાને ત્યાં કરી દીધી છે. એટલે ત્યાર પછી તું નંદબાબાને ત્યાં આવીને રહેજે. તને મારી બધી માહિતી મળતી જશે. હું તને મારી વાંસળી અને એક મોરપીછ એ સ્મૃતિમાં આપી જાઉં છુ. એ વાંસળીને તું શીખી લેજે અને દર પૂનમે વાંસળીનો રાસ રચાવજે. હું ત્યાં આવી જઈશ.”
હવે  આ બધી વાતચીત કરી અને એ બે છુટા પડ્યા. જયારે વિદાયની ઘડી આવી ત્યારે રાધાએ કહ્યું હતું કે “ હું તને વિદાય આપવા નહિ આવું, મારાથી વિદાય આપવા નહિ આવી શકાય.”

આખું ગામ કૃષ્ણને વિદાય આપવા ગયું પણ રાધા ના આવી. છેલ્લી ઘડીએ બે કલાક સુધી કૃષ્ણનો રથ આગળ જાય નહિ. લોકો બાઝી બાઝી ને રડે અને છોડે નહિ. આમ બે કલાક વીતી ગયા. રાધાને ખબર પડી કે બે કલાક વીતી ગયા છે અને કૃષ્ણનો રથ આગળ નથી ગયો. એટલે રાધા દોડતી આવી. કૃષ્ણ પાસે આવીને ઉભી રહી અને બધાને કહ્યું કે “ આને રોકો છો શું કરવા? આને જવા દો, એ તો વામન માંથી વિરાટ થવા જાય છે. તો શા માટે રોકો છો. વિરાટ થવા જવા દો.”

પછી રથ આગળ ગયો. આખી પ્રજા પાછી ફરી અને બધાને આશ્વાસન આપતી આપતી રાધા પાછી ગઈ અને પાછી ફરીને પછી છેલ્લે ઘરે આવીને અડધો કલાક સુધી ફસડાઈ પડી અને પોતે રુદન કરવા લાગી ગઈ.

ત્યાર પછી રાધાને તેના સમાચાર મળતા રહેતા અને નંદબાબા ના સમાચાર ત્યાં પહોંચતા પણ ખરા.

જ્યારે મહાભારત નું યુદ્ધ થયું તો યુદ્ધ સમયે રાધાને થયું કે હું એક વિજય માળા કૃષ્ણને બનાવીને આપું. જો એ વિજય માળા પહેરશે તો એને કાંઈ પણ થાય નહિ અને એ જીતીને આવે. એટલે એણે જાતે સુતરથી કાંતીને એક પાતળી માળા બનાવી. અને એ પાતળી માળા નંદબાબાને આપી અને કૃષ્ણને મોકલી આપી. મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણને કહ્યું કે “ આ રાધાએ મોકલી છે અને તારે પહેરવાની છે.” અને તેણે પહેરી એણે રાધાનો આભાર બી માન્યો હતો અને કહ્યું હતું કે “હું પાછો ગોકુળ આવવાનો નથી.” અને એ કદાપી ગોકુળ પાછો આવ્યો નથી.

આવી રીતે રાધાનું પાત્ર ઉત્તમ અને ઉચ્ચ કોટિનું હતું પરંતુ રાધાને લોકો ઉંધી રીતે સમજ્યા છે, સીધી રીતે સમજી શક્યા નથી અને તેને ન્યાય પણ નથી આપ્યો.

માટે કૃષ્ણ પણ મહાન છે અને રાધા પણ મહાન છે.

એટલે કૃષ્ણ એ કહ્યું હતું કે “ જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર, તારા રહેશે ત્યાં સુધી તારું નામ ને મારું નામ કાયમ રહેશે. માટે રાધા કૃષ્ણ બોલાય છે કૃષ્ણ રાધા નથી બોલાતું.

આમ રાધા પણ કૃષ્ણની સાથે અમર થઇ ગઈ. પણ એના પાત્રને ઉપસાવવાની જરૂર હતી. શાસ્ત્રો એ પણ નથી કરી શક્યા. આ બધી નોંધ લેવી જોઈએ.

બીજી એક વાત કહેવાની રહી ગઈ. રાધાનું નામ રાધા ન હતું, રાધિકા હતું. પણ કૃષ્ણએ પછી થી રાધા પાડ્યું હતું.

ૐ મા ૐ