પ્રસન્નતા આપણો મુળભૂત સ્વભાવ છે
6002
post-template-default,single,single-post,postid-6002,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

પ્રસન્નતા આપણો મુળભૂત સ્વભાવ છે

28 Feb 2021,

અંક ૧૭

નવેમ્બર૨૦૦૪

જીવનમાં આનંદ, ઉમંગ, ઉત્સાહ, પ્રસન્નતા એ આપણો મુળભૂત સ્વભાવ છે. બાળકના જન્મથી તેનામાં વિષાદના અંકુર ફૂટ્યા જ નથી હોતા. દુઃખની લાગણી અભિવ્યક્ત કરવાનું મન જ બાળક પાસે નથી હોતું. ચિંતાનો અણસાર માત્ર પણ તેના જીવનમાં ડોકાયો હોતો નથી.

બાળક મોટું થતાં થોડી સમજણ આવતાં બાળક મારું તારું કરતા શીખી જાય છે. રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, અહમ્ જેવા વિકારોનો પ્રવેશ થવા લાગે છે. આ વિકારોની સાથે જીવનમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગે છે. ચિન્તા એ દુઃખની જનેતા છે. દુઃખની સાથે વિષાદ, ગ્લાનિનો આવિર્ભાવ થતો જાય છે.

દુઃખ અને વિષાદનો ભાવ લઈને આપણે જન્મ્યા નથી. આ તો પાછળથી વિકારોની સાથે પ્રવેશ પામે છે. તેથી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે, પરમાત્માએ આપણને જીવન આપ્યું છે તે હંમેશાં પ્રસન્ન રહેવા માટે. વિષાદ થી ઘેરાઈને દુઃખી થવા માટે તો નહિ જ. જીવનને ઉત્સાહથી, આનંદથી, જીવવા માટે આપ્યું છે.

પરમાત્માની સૃષ્ટિનું સર્જન તો પરમાત્માની આનંદમય લીલા છે. પરમના અંશ એવા આપણે જો માનવ કહેવડાવતાં હોઈએ તો આપણે પરમાત્માની જડ ચેતન સૃષ્ટિમાં આનંદના, પ્રસન્નતાનાં, માનવતાના અજવાળાં પાથરવાનાં છે.

 

આનંદની અભિવ્યક્તિ સાથે આપણું ઓજસ, આપણી આભા પણ ઝળહળી ઉઠશે. જીવનવેલને સદાય પાંગરવા દેવી હોય તો પ્રસન્નતા અને આનંદના વારિથી તેનું સદાય સિંચન કરતા રહો. આપણા મૂળ સ્વભાવને ફરિથી પાંગરવા દો. જિંદગીને તેજસ્વી બનાવો. અન્યના જીવનમાં વ્યાપેલા વિષાદને આનંદમાં પરિવર્તિત કરવાના સહભાગી બનીએ.

આપણે આપણી જાતને, આપણી શક્તિઓને પિછાણવી જોઈએ. નિરાશા, હતાશા અને વિષાદના વાદળોથી તેને ઢાંકી ન દેવી જોઈએ. મનની કલ્પનાશક્તિ એ માનવીને મળેલું એક મહાન વરદાન છે. આ વરદાનને આપણે ઉર્ધ્વગામી થવા દઈએ તો આપણા જીવનમાં આવતી વિકાસની પ્રત્યેક તકને ઝડપી શકીએ. પુરૂષાર્થ કરીને ઉજ્જવળ પ્રારબ્ધ નિર્માણ કરીએ અને સદાય પ્રસન્ન રહીએ.

મા

– રાજયોગી નરેન્દ્રજી