દૈવી અને આસુરી સંપત
4786
post-template-default,single,single-post,postid-4786,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Articles

દૈવી અને આસુરી સંપત

23 Apr 2019, Articles, Others

દૈવી અને આસુરી સંપત

  શાસ્ત્રીજી,

શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન સમક્ષ દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે દૈવી સંપત મોક્ષ માટે અને આસુરી સંપત બંધન માટે છે. હે પાંડવ ! તું દૈવી સંપતમાં જન્મેલો છે આથી શોક કરતો નહિ.

મનુષ્યના વ્યક્તિત્વ અને અસ્તિત્વને તેજસ્વી, દિવ્ય, ભવ્ય ને પ્રભાવક બનાવવા પણ દૈવી સંપતના ગુણોનું સંવર્ધન ને પોષણ વ્યક્તિએ કરવું જરૂરી છે.

જીવન, જગત, સંસારનાં તમામ દ્વન્દ્વોમાંથી- દુઃખોમાંથી મુક્તિ મેળવવા, મોહમાયાથી પર થવા, દૈવી સંપતના ગુણો પણ વ્યક્તિએ કેળવવા જરૂરી છે. ભૌતિક જીવનના વ્યવહાર માટે અને આધ્યાત્મિક જીવનના પ્રવર્તન માટે, ઉપાસનામાં પ્રગતિ કરવા, ઈશ્વરપ્રાપ્તિના દુષ્કર માર્ગમાંના અંતરાયોને પાર કરવા, એ અંતરાયોને પાર કરી પરમતત્વની પ્રાપ્તિ કરવા પણ દૈવી સંપત જરૂરી છે.

દૈવી સંપતનું વર્ણન કરતાં શ્રીકૃષ્ણ ભગવાને જણાવ્યું છે કે અભય, સાત્વિક વૃત્તિ, જ્ઞાન અને યોગમાં વિશેષ સ્થિતિ, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ અને સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુન (ક્ષુદ્ર બુદ્ધિનો અભાવ) દયા, અલોલુપતા, મૃદુતા, લાજ, ચપળતાનો અભાવ, તેજસ્વિતા, ક્ષમા, ઘૃતિ, પવિત્રતા, અદ્રોહ, અતિમાનિતાનો અભાવ દૈવી સંપતમાં જન્મેલામાં હોય છે.

આસુરી સંપતનું વર્ણન કરતાં ભગવાન જણાવે છે કે દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય (નિષ્ઠુરતા) તથા અજ્ઞાન આસુરી સંપતમાં જન્મેલાને પ્રાપ્ત થાય છે. તેઓ પ્રવૃત્તિ કે નિવૃત્તિ જાણતા નથી. તેઓમાં પવિત્રતા, આચાર કે સત્ય હોતું નથી. તેઓ જગતને અસત્ય, નિરાધાર, અનીશ્વર અને કામહેતુક ગણે છે. આ લોકો ક્રૂર કર્મનું આચરણ કરનારા અને જગતનો ક્ષય કરવા તત્પર થાય છે. તેઓ અપવિત્ર કાર્યો કરે છે. જીવનના અંત સુધી ચિંતામાં ડૂબેલા રહે છે. વિષયોપભોગ માટે અન્યાયથી ધન એકત્રિત કરે છે.

મેં આ મેળવ્યું, આ મનોરથ સિદ્ધ કરીશ, આ ધન મારું છે, આ પણ મને મળશે, મેં આ શત્રુને હણ્યો, બીજા પણ હણીશ, હું ઈશ્વર છું, ભોગી છું, સિદ્ધ છું, બળવાન છું, સુખી છું, સમૃદ્ધ છું, કુળવાન છું, મારા સમાન અન્ય કોણ છે ? હું યજ્ઞ કરીશ, દાન આપીશ, આનંદ કરીશ એમ અજ્ઞાનથી મોહ પામેલા, અનેક પ્રકારની કલ્પનાથી ભમેલા, મોહજાળમાં સપડાઈ કામભોગમાં આસક્ત હોઈ અપવિત્ર નરકમાં પડે છે. આત્મશ્લાધી,  સ્તબ્ધ, ધન, માન અને મદથી યુક્ત તેઓ દાંભિકતાથી શાસ્ત્રવિધિ વિનાના કેવળ નામના યજ્ઞ કરે છે. અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ, તેનો આશ્રય કરી પોતાના તથા અન્યના દેહમાં (રહેલા) મારો દ્વેષ અને નિંદા કરનારા હોય છે. એવા દ્વેષી, ક્રૂર, નરાધમોને હું વારંવાર સંસારમાં આસુરી યોનિમાં જ વામું છું.

આસુરી યોનિમાં પડેલા જન્મોજન્મ મને પામ્યા વગર અધોગતિને પામે છે.

કામ, ક્રોધ અને લોભ એ આત્માનો નાશ કરનારાં નરકનાં દ્વાર છે માટે ત્રણેનો ત્યાગ કરવો. આ ત્રણ તમોદ્વારથી વિમુક્ત થઇ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરે પછી પરમગતિને પામે છે.

જે શાસ્ત્રવિધિ ત્યજી ઈચ્છાપ્રમાણે વર્તે છે તે સિદ્ધિ પામતો નથી, સુખ કે પરમગતિને પામતો નથી.

માટે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં તારે શાસ્ત્રનું પ્રમાણ જાણી શાસ્ત્રવિધિમાં કહેલું કર્તવ્ય કર્મ કરવું યોગ્ય છે.

આમ મનુષ્યની પોતાની જ નબળાઈઓ, ખામીયો, દુર્ગુણો, દુર્વૃત્તિઓ, દુષ્પ્રવૃત્તિઓ, તેના મનની મલિનતાઓ, જનોજન્મના કુસંસ્કારો, તેના દુઃખનું, તેના બંધનનું કારણ બને છે. તે પરમાત્માને ઓળખી શકતો નથી. તેની ઉપાસના કરી શકતો નથી ને પામી પણ શકતો નથી. તે જીવતેજીવત જ પોતાના નરકનું નિર્માણ કરે છે ને જન્મોજન્મ તેમાં સબડ્યા કરે છે. આથી જ મનુષ્યે દૈવી ગુણોનું નિર્માણ કરવું, જતન કરવું જરૂરી છે.

આ તો સોળમા અધ્યાયની દૈવી-આસુરી સંપતનો સાર કહ્યો. માતાજીની પ્રેરણા અને મારા સ્વાનુભવ પ્રમાણે એ અંગે થોડુંક વિવરણ કરવાનો મારો વિચાર છે.

દૈવી સંપતમાં શ્રીકૃષ્ણ ભગવાને અભયને પ્રથમ સ્થાન આપ્યું છે.

પરમતત્વનો આશ્રય લેનાર, તેનામાં શ્રધ્ધા અને શરણાગતિ રાખનાર, તેની સર્વવ્યાપકતા અને સર્વતતાનો ખ્યાલ રાખનારને કદી કોઈ પણ ભય સતાવી શકતો નથી. અભય તો મનુષ્યમાં જન્મથી જ હોય છે.

માણસને જીવનમાં અભયની તો ડગલે ને પગલે જરૂર પડે છે. જીવનમાં કેટલીક વાર સાહસની જરૂર પડે છે. કેટલાક કાર્યો માટે Boldness – પ્રગલ્ભતાની જરૂર પડે છે. માણસમાં અભય હોય તો જ તે સાહસ કરી શકે છે. ઘણી વાર માનવી નાની નાની બાબતોમાં ગભરાય છે. ક્ષોભસંકોચ અનુભવે છે. એને કારણે જીવનમાં કેટલાંક કાર્યો તે પૂર્ણ નથી કરી શકતો. માણસ જો આ ક્ષોભ-સંકોચ દૂર કરે તો જીવનવિકાસના પથ પર આગળ વધી શકે છે. આ ક્ષોભ-સંકોચ જો દૂર થાય તો બહુ જલ્દીથી અભયવૃત્તિ કેળવી શકાય છે.

ઘણી વ્યક્તિઓને ઘણી બધી નાની નાની બાબતોનો ડર લાગતો હોય છે. ઘણાં લોકોને સહેજ સહેજમાં બીક લાગે છે, તેઓ ભય અનુભવે છે. મને એ જ નથી સમજતું કે માણસ શેનાથી બીએ છે. માણસ માણસની વચ્ચે રહે છે, પછી બીક શાની ? મનુષ્ય જો સાત્વિક વૃત્તિ ને પ્રવૃત્તિવાળો હોય તો એણે કશાનો ડર ન રાખવો જોઈએ.

મનુષ્ય જો એક ભાવના રાખે કે ઈશ્વર દસે દિશાએથી મારું રક્ષણ કરે છે, મેં એની શરણાગતિ સ્વીકારી છે એટલે મારું અહિત ન થાય એવી દઢ પ્રતીતિ સેવાય તો જરૂર અભય કેળવાશે.

મારી વ્યક્તિગત મુલાકાત દરમિયાન પણ ઘણા મને સહેજ સહેજમાં પૂછે છે કંઇ વાંધો નહિ આવે ને! કંઈ ભૂલ તો નથી ને! આમ કેમ થાય છે ? વગેરે વગેરે માતાજીની કૃપાની અનુભૂતિઓ પામીને પણ મનમાં કંઇક છૂપો ડર અનુભવે છે. આ સ્થિતિ ઉચિત નથી.

જીવન સ્વંય એક સાહસરૂપ છે. ઉપાસના પણ એક દુષ્કર પ્રવૃત્તિ છે. એ માટે અભયની જરૂર પડે જ છે. અભય ભૌતિક ને આધ્યાત્મિક ઉભય જીવન પર પોતાના પ્રભાવ પાથરે છે.

મરજીવો જેમ સાગરમાં ડૂબકી મારીને મોતી લઈને બહાર આવે છે તેમ જીવનરૂપી સમુદ્રમાં પણ ડૂબકી લગાવવા માટે અભય જરૂરી છે.

દિલના જે ભોળા છે, ભોળપણમાં કે અજ્ઞાનતામાં જે સ્વકર્તવ્યને ભૂલે છે તેને પોતાના કર્તવ્યનું ભાન કરાવવા ભગવાન સ્વયં હાજર થાય છે.

અર્જુનને વડીલોને માર્યાના પાપનો ડર લાગતો હતો. તે સ્વકર્તવ્યથી વિરમૃત ને વિચલિત થયો હતો. સામે આવી પડેલી પરિસ્થિતિ-આપત્તિ માટે તે કોઈ રીતે જવાબદાર નહોતો પણ સામે આવેલી પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડે છે ને! આથી ભગવાન સ્વયં એની વહારે ઘાય છે ને તેને અભય બનવા સમજાવે છે. તેનામાં અભયવૃત્તિને ખીલવે છે. પ્રોત્સાહન આપે છે. ભગવાન સ્વયં તેને અભય બનવાનું કહે છે. ભગવાન કહે છે કે અભય દૈવી ગુણ છે. એ દૈવી ગુણ ખીલવવાથી તું મને પામીશ માટે અભય બન. તને કોઈ પાપ નથી લાગવાનું. તું દૈવી વૃત્તિને આધીન થા. તો જ તું રણસંગ્રામમાં જીતી શકીશ.

બસ, તમે પણ સૌ માતાજીનું સતત સાન્નિધ્ય અનુભવી જીવનમાં આગળ વધતાં જાવ. ઉપાસના કરતા જાવ. તમારો જીવનપથ ઉજ્જવળ જ છે. ઉજ્જવળ જ બનશે એમાં મને શંકા નથી.

જેમ જીવનમાં અભયની જરૂરી છે, તેમ ઉપાસના કરવા માટે પણ અભયની જરૂર છે. કારણ કે કેટલીકવાર ઉપાસના કરતાં કરતાં તેજપુંજના, પ્રકાશના કે દેવ-દેવીના સૂક્ષ્મ રૂપે દર્શન થાય છે કે તેની સૂક્ષ્મ હાજરીની જુદા જુદા રૂપે અનુભૂતિ થાય છે. તે વખતે ઉપાસક જો મનનો મજબૂત હોય તો એ દૈવી અનુભૂતિઓને ઝીલી ને જીરવી શકે છે અન્યથા તે ડરી જાય છે, અકળાઈ જાય છે, સહન કરી શકતો નથી, જીરવી શકતો નથી ને ડરનો માર્યો તે કદાચ મગજની સમતુલા પણ ગુમાવી બેસે એમ બની શકે. પરમતત્ત્વના તેજને-પ્રકાશને જીરવવું ખૂબ દુષ્કર છે.

કેટલીકવાર દૈવી અનુભૂતિઓનો આપણને ખ્યાલ પણ નથી આવતો. આવા સમયે જો મનુષ્યમાં અભય કેળવાયેલો હોય તો તે દૈવી અનુભૂતિઓને સહજ ભાવે ગ્રાહ્ય કરી શકે છે. આવેલી પરિસ્થિતિનો સામનો કરી, તેને જીરવીને આગળ વધી શકે છે.

મારી જ વાત કરું તો એકવાર હું કાંકણપુર મારી માસીના દીકરાના લગ્નમાં જતો હતો. ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. જંગલ જેવા એકાંત માર્ગેથી હું એકલો ચાલ્યો જતો હતો. માર્ગમાં મને લૂંટારુઓની એક ટોળકી મળી. તેઓએ મને આંતર્યો. મારા મંત્રજપ ચાલુ જ હતા. મેં તેઓને કોઈ જ પ્રતિકાર કરવાનો પ્રયત્ન ન કર્યો. મારી પાસે ઘડિયાળ, વીંટી ને ચેઈન હતા તે સહેજ પણ ક્ષોભ વિના મેં તે તેઓને ધરી દીધા અને મેં કહ્યું કે લો, મારી પાસે આ છે. તમે લઈ લો. જેથી હું સુખેથી આગળનો માર્ગ કાપી શકું. ત્યાં જ ટોળીનો સરદાર વચ્ચે આવ્યો. તેણે તેના સાથીઓને અધવચ્ચે અટકાવી કહ્યું, ‘એને છોડી દો.’

મને આશ્ર્ચર્ય થયું. મેં તેને પૂછયું, ‘ભાઈ, તારામાં આવું પરિવર્તન કેમ આવ્યું ? ’

સરદાર મને કહ્યું, ‘ મારા સાથીઓ જયારે તારી પાસે વસ્તુઓ માગી રહ્યા હતા ત્યારે મારા કાનમાં મને કોઈ કહી રહ્યું હતું કે, આ તો માતાજીનો ઉપાસક છે. એને છોડી દો.’

ત્યાર બાદ ટોળીનો સરદાર અને તેના સાથીઓ મને ઠેઠ ગામ સુધી મૂકી ગયા…

બીજો એક પ્રસંગ ૧૯૫૫નો છે. તે વખતે હું ગોધરા હતો. મારું અનુષ્ઠાન ચાલતું હતું. આગલા બે ઓરડા અને નાની ગેલેરી છોડી ઠેઠ અંદરના ઓરડામાં સૂતો હતો. રાત્રીના લગભગ એક-દોઢનો સમય હતો. અચાનક મારી આંખ ઊઘડી ગઈ. તો સામે એક સ્વરૂપવાન યુવતી મેં જોઈ. તેણે સફેદ વસ્ત્રો પહેર્યાં હતાં. વાળ છુટ્ટા હતા. એકદમ તેજસ્વી સ્વરૂપ હતું. તે બે હાથ પહોળા કરી મને આહ્વાન- આવકાર આપતી હોય તેમ મારી સામે ઊભી હતી. તેમને જોઈ મને આશ્ચર્ય થયું. કોણ હશે એ ? એમ વિચારી હું ઊભો થયો ને તેમની સામે ચાલવા માંડ્યું. મેં જેમ જેમ તેમની સાથે ચાલવા માંડયું તેમ તેમ તેઓ પાછળ ડગ ભરતાં જાય. એક રૂમ, બે રૂમ ને ગેલેરી સુધી તેઓ પાછળ ડગ ભરતાં ગયાં ને અદૃશ્ય થઈ ગયાં.

એ કોણ હશે એ મને તત્કાળ તો સમજાયું નહિ ને મને એથી કોઈ ડર પણ ન લાગ્યો. ને પાછો સુઈ ગયો.

ત્યાર બાદ લગભગ ૧૯૫૯માં એક પ્રસંગ બન્યો. અડધી રાત્રે રસ્તે કોઈ ચાલતું હોય તેવા પગલાંનો અવાજ સાંભળ્યો. રાત્રીના શાંત વાતાવરણમાં પગલાંનો અવાજ સ્પષ્ટ સમ્ભળાતો હતો. મને થયું કે આટલી મોડી રાત્રે કોણ હશે? એ જોવા હું ગેલેરીમાં આવ્યો. ત્યાં જ એક સ્વરૂપવાન, તેજસ્વી છૂટ્ટા વાળવાળી, સફેદ વસ્ત્રો પરિધાન કરેલી એક યુવતી પસાર થતી મેં જોઈ. હું ગેલેરીમાં ઊભો હતો. તેણે પસાર થતાં સહેજ ઉપર નજર પણ કરી. આટલા નાના ગામમાંની કોઈ એક યુવતીનો પરિચય ન હોય તો ય ઓળખી તો શકાય જ કે એ કોણ છે ? પણ એ યુવતીનો કોઈ પરિચય ન મેળવી શક્યો. મને એમ કે એની પાછળ કોઈક આવતું હશે પણ કોઈ ન આવ્યું. મને થયું કે કોણ હશે, યુવાન સ્ત્રી આટલી મોડી રાત્રે એકલી ક્યાં જતી હશે? મુશ્કેલીમાં હશે ? એવા વિચારથી તૈયાર થઈ હું ઘરની બહાર નીકળ્યો. ઘરમાંથી નીકળી નાકા પરની પોલીસ ચોકી સુધી હું ચાલતો ગયો, પણ મને કોઈ દેખાયું નહિ.

ઠંડીના દિવસો હોઈ પોલીસ ચોકી પરના પોલીસો તાપણું તાપતા બેઠા હતા. મેં તેઓને પૂછ્યું, ‘અહીંથી કોઈ યુવતી પસાર થતી તમે જોઈ ? ’

તેઓએ મને હસી કાઢ્યો. મને કહે તું કોઈ સ્વપ્ન જોતો હોય તેમ લાગે છે. અહીંથી કોઈ યુવતી તો શું એક કૂતરું પણ પસાર થયું નથી.

હું પાછો આવી સૂઈ ગયો. પણ એનાથી મને કોઈ જ ડર નહોતો લાગ્યો.

પાછળથી મને સંકેત મળ્યો કે એ તો માતાજી સ્વયં હતાં.

આમ જીવનમાં આવી અનુભૂતિઓ મનુષ્યના-ઉપાસકના મગજ પર ઘણો મોટો પ્રભાવ પાડે છે પણ ઉપાસક જો દ્રઢ મનોબળવાળો હોય તો આવી અનુભૂતિઓ સહજભાવે સ્વીકારીને પોતાના ઇષ્ટના સ્મરણમાં-ઉપાસનામાં કોઈ પણ જાતના તર્ક વિના રમમાણ રહે છે.

જેમને કેવળ ઉપાસના કરવી છે તેમને માટે અભય-સાહસિકતા જરૂરી છે.

ૐ મા ૐ