જીવન સંધ્યા
6038
post-template-default,single,single-post,postid-6038,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

જીવન સંધ્યા

24 Apr 2021,

અંક ૨૦

ફેબ્રુઆરી ૨૦૦૫

 

પૂર્વાકાશમાં ઉગતી ઉષા અને પશ્ચિમાકાશમાં ઢળતી સંધ્યા ટાણે આકાશમાં લાલિમા છવાઈ જાય છે, મનભાવન દૃશ્ય ખડું થઇ જાય છે. ઉષઃકાળ સૂર્યને આવકારે છે. જ્યારે સંધ્યાકાળ સૂર્યને વિદાય આપે છે.

જીવનનો ઉષઃકાળ એ બાળપણ છે; એ યૌવનના તરવરાટભર્યા પ્રકાશને, પુરૂષાર્થને, આવકારે છે. જીવનનો સંધ્યાકાળ અસ્તાચળે પહોંચેલા વૃધ્ધત્વને વિરામના મૃત્યુના એંધાણ આપે છે. મધ્યાહનનો સૂર્ય પ્રખર તપે છે. યુવાનીમાં મધ્યાહનના સૂર્યની જેમ પ્રખર તપીને, પ્રખર પુરૂષાર્થ કરીને જીવનનો સર્વાંગી વિકાસ સાધી શકાય. સ્વ અને સમષ્ટિના શ્રેયના કાર્યમાં આ મહામૂલા જીવનના તબક્કાનો ઉપયોગ કરી શકાય. સાત્વિક જ્ઞાન પ્રાપ્ત કરી જીવનમાં વિવેકને વિકસાવી શકાય. શરીર અને મનની શક્તિઓના વિવેકયુક્ત વિનિયોગથી યૌવનને ઉજ્જવળ, પ્રકાશિત, સમૃધ્ધ બનાવી શકાય. વૃધ્ધત્વને ઉત્સાહિત રાખી શકાય છે.

અસ્તાચળે પ્રયાણ કરતો સૂર્ય, મધ્યાકાશ છોડ્યા પછી સૌમ્ય બનતો જાય છે. ઢળતા પ્રકાશની લાલિમા અને બદલાતા રંગોને, તેનો ખુમારીભર્યો વિલય નિહાળવા લોકો “સનસેટ” પોઇન્ટ જોવા જાય છે.

આપણી જીવનસંધ્યાને આપણે માણીએ અને આપણા સગાસંબંધીઓ પણ આનંદથી માણે, વૃધ્ધાવસ્થાના વડપણનો લાભ લે, જ્ઞાન અને અનુભવનો આદર કરે, ઘરના, કુટુંબના સભ્યો તેનું અભિવાદન કરે તેવો સ્વભાવ, તેવું મન, તેવા વ્યક્તિત્વની સૌમ્ય લાલિમા કુટુંબ આકાશમાં છવાઈ જાય છે. તેવું ઢળતી સંધ્યાનું જીવન જીવવાનો પુરૂષાર્થ કરતા રહીએ. આપણી સંધ્યા અન્યની પ્રેરણા બની રહે તો જ આપણે સહુના પ્રીતિપાત્ર બની શકાય.

હકારાત્મક વલણ, મૌન, સમસ્ત અસ્તિત્વની મીઠાશ, પરમના સ્મરણમાં જ રેહવાનો સ્વભાવ કેળવવાથી જીવનવિલયનો સમય આનંદથી, સંતોષથી માણી શકાશે.

મા

– રાજયોગી નરેન્દ્રજી